Mon Sep 07 2026

Logo

સુરતના ડુમસમાં હાઇપ્રોફાઇલ દારુ પાર્ટી ઝડપાઇ: 'રાજહંસ બેલિઝા' બિલ્ડિંગમાંથી છ કાપડ વેપારીની ધરપકડ; 16 બોટલ જપ્ત

2026-08-17 10:55:00
Author: Mumbai Samachar Team
સુરતના ડુમસમાં હાઇપ્રોફાઇલ દારુ પાર્ટી ઝડપાઇ: 'રાજહંસ બેલિઝા' બિલ્ડિંગમાંથી છ કાપડ વેપારીની ધરપકડ; 16 બોટલ જપ્ત

સુરતના પોશ ગણાતા ડુમસ વિસ્તારમાંથી ફરી એકવાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે. બે દિવસમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે. 16 ઓગસ્ટની મોડીરાતે ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારની જાણીતી 'રાજહંસ બેલિઝા' બિલ્ડિંગના ટાવર-Bના ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. ફ્લેટમાં ભેગા થયેલા 6 વેપારી કોઈ પણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા, ત્યારે જ પોલીસે તમામની ધરપકડ કરી હતી.

ડુમસ પોલીસની ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે રાજહંસ બેલીઝા બિલ્ડિંગના બી-ટાવરમાં આવેલા એક લક્ઝુરિયસ ફ્લેટમાં કેટલાક ધનાઢ્ય લોકો ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલ માણી રહ્યા છે. બાતમીના આધારે પોલીસની ટીમે મોડી રાત્રે ઓચિંતી રેડ કરી હતી. પોલીસે ફ્લેટમાં પ્રવેશતા જ ત્યાં સંગીતના તાલે વિદેશી દારૂના જામ છલકાવી રહેલા વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા અગ્રણી વેપારીઓની અટકાયત કરી છે.

તમામ વેપારીઓ સુરતના જાણીતા વિસ્તારોના

કાર્યવાહી દરમિયાન પોલીસે ફ્લેટની તલાશી લેતા જમણી બાજુના રૂમમાં આવેલા ચાંકડા કબાટમાં છુપાવેલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ફ્લેટ માલિક અનુપ પુરુષોત્તમભાઈ પાંપાળીયા (ઉં.વ.34, રહે. ઘોડદોડ રોડ), સહિત કાપડના અન્ય પાંચ વેપારીઓ ગોપાલ ઓમપ્રકાશ રાઠી (ઉં.વ. 34, રહે. ઘોડદોડ રોડ), ધીરજ જગદીશભાઈ પાંપાળીયા (ઉં.વ. 27, રહે. ભટાર), આનંદ ભાગીરથ પાંપાળીયા (ઉં.વ. 30, રહે. ઉમરા), મુદસીર નાઝીર માંકડા (ઉં.વ.34, રહે. અડાજણ પાટીયા, રાંદેર રોડ) અને ગગન સંતોષકુમાર ચાંડક (ઉં.વ. 24, રહે. ચોર્યાસી)ની ધરપકડ કરી હતી.

14 વિદેશી દારૂની બોટલ અને કાર સહિત ₹10,07,180નો મુદ્દામાલ જપ્ત

પોલીસે ઘટનાસ્થળેથી રૂ.1,07,180ની કિંમતની વિદેશી દારૂની કુલ 14 બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી રૂ.4,00,000ની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રૂ.5,00,000ની કિંમતની 1 કાર પણ જપ્ત કરાઈ છે. આમ, પોલીસે કુલ રૂ.10,07,180નો મુદ્દામાલ કબજે કરી તમામ 6 વેપારી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.