Wed Aug 19 2026

Logo

ઇન્ડોનેશિયામાં ભૂકંપથી 51 લોકોના મોત, 341 આફટરશોકથી લોકો ભયભીત

Jakarta   2026-08-16 17:07:23
Author: Chandrakant Kanoja
Article Image

જાકાર્તા: ઇન્ડોનેશિયામાં શનિવારે  આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપમાં 51 લોકો માર્યા ગયા હતા અને આશરે 5,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ તેની બાદ અત્યાર સુધી 341 જેટલા આફ્ટરશોક અનુભવાયા છે.

1,300 થી વધુ ઘરોને નુકસાન થયું 

આ ભૂકંપના કારણે ઇન્ડોનેશિયાના પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં ભારે તબાહી મચી  હતી. જેમાં  રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. આ ભૂકંપમાં  છત્રીસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે 1,300 થી વધુ ઘરોને નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી માટે 3,500 થી વધુ લશ્કરી અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ભૂકંપ બાદ કુલ 341 આફ્ટરશોક્સ નોંધાયા

આ અંગે નાયબ આરોગ્ય પ્રધાન બેન્જામિન પૌલસ ઓક્ટાવિયનસે જણાવ્યું હતું કે ભૂકંપમાં 36 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે 77 લોકોને નાની ઇજાઓ થઈ છે. ભૂકંપ બાદ કુલ 341 આફ્ટરશોક્સ નોંધાયા હતા. વર્ષ 2022માં પશ્ચિમ જાવામાં આવેલા ભૂકંપ પછી આ ઇન્ડોનેશિયાનો સૌથી ભયંકર ભૂકંપ છે.

હોસ્પિટલની બહાર ગોઠવાયેલા તંબુઓમાં સારવાર 

આપત્તિ વ્યવસ્થાપન એજન્સી અનુસાર સિક્કા પ્રદેશમાં 3,300 થી વધુ લોકોએ સલામત સ્થળોએ આશ્રય લીધો છે. જ્યારે ઘણા લોકો તેમના તૂટી પડેલા ઘરોની બહાર કામચલાઉ તંબુઓમાં રહેવા માટે મજબૂર છે. આ દરમિયાન, મૌમેરેમાં દર્દીઓને હોસ્પિટલની બહાર ગોઠવાયેલા તંબુઓમાં સારવાર આપવામાં આવી રહી છે.