Wed Aug 19 2026

Logo

ભુજિયા ડુંગરના ભાતીગળ લોકમેળા સાથે કચ્છમાં શ્રાવણી તહેવારોનો ઝમકદાર પ્રારંભ

2026-08-17 10:31:00
Author: Mayur Patel
Article Image

ભુજઃ ભુજનું નામ જેના પરથી પડ્યું તે ભુજંદેવના સ્થાનકે ભુજિયા ડુંગર પર આજે નાગપંચમીના દિવસે લોકમેળો યોજાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાગદેવતાને સમર્પિત હોય તેવો સમગ્ર દેશનો આ બીજો મેળો છે. આવો અન્ય મેળો મહારાષ્ટ્રના નાગપુરમાં દર વર્ષે યોજાય છે. ૨૯૬ વર્ષની રાજ પરંપરા મુજબ ભુજિયા ડુંગર પરના ઐતિહાસિક કિલ્લા પર આવેલા ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે કચ્છના રાજપરિવાર દ્વારા પૂજનવિધિ કર્યા બાદ શરૂ થયેલા આ મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

૧૭મી સદીમાં અમદાવાદના શેરબુલંદ ખાને ૫૦૦૦૦થી વધુ સૈનિકો સાથે કચ્છ પર આક્રમણ કર્યું હતું અને ભુજિયા ડુંગર પર ધમાસાણ યુદ્ધ થયું હતું. 
આ યુદ્ધમાં કચ્છના સૈન્યની મદદે ૯૦૦૦ જેટલા નાગા બાવાઓ પણ લડ્યા હતા.લાંબા ચાલેલા આ ભયંકર યુદ્ધમાં બરાબર નાગપંચમીના દિવસે આક્રમણખોર શેરબુલંદ ખાનનો પરાજય થયો ત્યારે કચ્છના મહારાવ લાવ-લશ્કર સાથે ભુજિયા ડુંગરની ટોચ પર બિરાજમાન ભુજંગદેવની પૂજા અર્ચના કરી હતી.આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. 

ત્યારબાદ પણ ભુજિયાનું લશ્કરી મહત્વ જળવાઈ રહ્યું હતું અને તે લાંબા સમય સુધી અંગ્રેજોનું થાણું રહેવા પામ્યો હતો અને ઈ.સ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજોની જીત થતાં તેની ઉજવણી અંગ્રેજ સેનિકોએ આ કિલ્લા પર કરી હતી. ૧૯૪૭માં દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી ત્યારબાદ આ ભૂજિયો કિલ્લો ભારતીય સેનાના કબ્જા હેઠળ હતો પણ આખરે વર્ષ ૨૦૦૯માં આ ભુજિયા કિલ્લાને મુલકી સતાવાળા હસ્તક સોંપી દેવામાં આવ્યો હતો.

કચ્છમાં આવેલા ૨૦૦૧ના ગોઝારા ભૂકંપની સ્મૃતિ ભાવિ પ્રજાના મનમાં રહે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને મૂર્ત સ્વરૂપ આપવા આ ડુંગર પર નવતર પ્રકારના સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે જેને લઈને હવે આ ભુજિયા કિલ્લા પર બારે મહિના સ્થાનિક લોકો અને પર્યટકોની અવરજવર જોવા મળી રહી છે. આ સ્મૃતિવન કે જે ૪૦૦ એકર જેટલી જમીન પર વિસ્તરેલું છે તે ભારતનું સૌથી મોટું સ્મૃતિ સ્મારક છે.

દરમ્યાન, આજના ભુજિયા ખાતેના મેળામાં ભુજ ઉપરાંત માધાપર, મીરજાપર, ધાણેટી,પધ્ધર,હબાય, ઝીંકડી સહિતના શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોએ આ ભાતીગળ મેળાની મુલાકાત લીધી હતી અને ભાવિકોએ ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા શિવ મંદિરોની પણ મુલાકાત લીધી હતી.

(ઉત્સવ વૈદ્ય)