આજકાલ રોટી, કપડાં ઔર મકાનની સાથે સાથે જ મોબાઈલ ફોન પણ જીવનમાં માટે જરૂરી બની ગયા છે. આપણામાંથી મોટાભાગના લોકો મોબાઈલ ફોન ચાર્જ થઈ ગયા પછી આપણામાંથી મોટાભાગના લોકો ચાર્જરને સોકેટમાંથી કાઢવાનું ભૂલી જતા હોય છે તો વળી કેટલાક લોકો ચોવીસે કલાક ચાર્જરને પ્લગમાં જ સ્વિચ ઓન રાખી મૂકે છે. આવા સમયે મનમાં સવાલ થાય છે કે શું ચાર્જર પ્લગમાં પડી રહેવાથી વીજળીનું બિલ વધે છે? શું ફોન કનેક્ટ ન હોય તો પણ ચાર્જર વીજળી વાપરે છે?
તમારી જાણકારી માટે કે આ સવાલનો સીધો જવાબ છે હા, પ્લગમાં જોડાયેલું ચાર્જર ફોન વગર પણ થોડા પ્રમાણમાં વીજળી ખેંચે છે. પરંતુ આ ખર્ચ કેટલો મોટો હોય છે અને તેનાથી શું નુકસાન થઈ શકે છે, તે વિસ્તારથી જાણીએ.
ફોન કનેક્ટ ન હોય તો પણ વીજળી વપરાય છે?
જો ચાર્જર પ્લગમાં લગાડેલું હોય અને સ્વિચ ઓન હોય, પરંતુ તેમાં ફોન જોડેલો ન હોય તો પણ તે ખૂબ જ નાના પ્રમાણમાં વીજળીનો વપરાશ કરે છે. આધુનિક અને સારી બ્રાન્ડના નવા ચાર્જરમાં આ વીજળીનો વપરાશ ખૂબ ઓછો હોય છે. પરંતુ જો ચાર્જર જૂનું, ખરાબ કે સ્થાનિક (Local) કંપનીનું હોય તો તે વધુ વીજળી ખેંચી શકે છે.
વીજળીના બિલ પર કેટલી અસર પડે છે?
સામાન્ય રીતે એક જ ચાર્જર પ્લગમાં રહેવાથી મહિનાના અંતે વીજળીના બિલમાં કોઈ મોટો તફાવત આવતો નથી (માત્ર થોડા પૈસાનો ફેર પડે છે). પરંતુ જો તમારા ઘરમાં એક કરતાં વધુ ચાર્જર, ટીવી, લેપટોપ ચાર્જર કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો આખો દિવસ પ્લગમાં જ રહેતા હોય, તો આ બધાનો નાનો-નાનો વપરાશ ભેગો થઈને મહિનાના બિલમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

ચાર્જર સોકેટમાંથી કાઢવું કેમ જરૂરી છે?
અકસ્માત અને ઓવરહીટિંગનું જોખમ: સતત પ્લગમાં રહેવાથી ચાર્જર ગરમ થઈ શકે છે. ખરાબ કે વાયરથી તૂટેલા ચાર્જરમાં શોર્ટ સર્કિટ અથવા આગ લાગવાનું જોખમ રહે છે.
બેઝિક એનર્જી સેવિંગ: બિનજરૂરી વીજળીનો બગાડ અટકાવવો એ એક સારી આદત છે.
આખી રાત ફોન ચાર્જિંગમાં મૂકવો યોગ્ય છે?
આજના સ્માર્ટફોનમાં ચાર્જિંગ ઓટો-કટની ટેકનોલોજી આવે છે, છતાં પણ ફોનને આખી રાત કે કલાકો સુધી ચાર્જિંગ પર છોડી દેવો યોગ્ય નથી. ફોન 100 ટકા ચાર્જ થઈ જાય એટલે તેને ચાર્જરથી અલગ કરી દેવો જોઈએ અને ચાર્જરની સ્વિચ પણ બંધ કરીને પ્લગમાંથી કાઢી લેવું જોઈએ.