Wed Aug 19 2026

Logo

ગુજરાત સરકાર કોને આપશે ફ્રી સોલાર રૂફટોપ? ઉત્પન્ન થનારી વીજળી કોને આપશે, જાણો વિગત

2026-08-17 10:06:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્ય સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો લીધો. જે અંતર્ગત 50 ચોરસ મીટરથી નાના મકાનોને ફ્રી સોલાર રુફટોપ આપવામાં આવશે. આ પ્રસ્તાવિત યોજના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોને આવરી લેશે અને ટૂંક સમયમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા છે.સૂત્રોએ જણાવ્યું હતું કે આ પહેલથી ગરીબ અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને ફાયદો થશે, સાથે સાથે રાજ્ય આ ઉત્પાદિત વીજળીનો વાણિજ્યિક (કમર્શિયલ) ઉપયોગ પણ કરી શકશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રસ્તાવિત યોજના હેઠળ, રાજ્ય સરકાર યોગ્યતા ધરાવતા ઘરો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરશે, જેમાં લાભાર્થીઓએ કોઈ ખર્ચ ભોગવવો પડશે નહીં.  આ સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતી વીજળી રાજ્યની ગ્રીડમાં સપ્લાય કરવામાં આવશે અને તેને વાણિજ્યિક દરે ઉદ્યોગો અને અન્ય ગ્રાહકોને આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. રહેણાંક ગ્રાહકોને તેમના વીજ બિલમાં રાહત આપવા માટે 'સૂર્ય ગુજરાત યોજના' શરૂ કરવામાં આવી હતી. છેલ્લા વર્ષ દરમિયાન 550.19 મેગાવોટની કુલ ક્ષમતા ધરાવતી 1,37,914 રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી હતી.

રાજ્ય રિન્યુએબલ એનર્જીના વિવિધ ક્ષેત્રોમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. કુલ 42.583 ગીગાવોટની સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા અને 14,820.94 મેગાવોટ વિન્ડ પાવર ક્ષમતા સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત, 25,529.40 મેગાવોટ સાથે સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતામાં  બીજા ક્રમે છે, જ્યારે 6,412.80 મેગાવોટ ક્ષમતા ધરાવતી 11 લાખથી વધુ સિસ્ટમ સાથે રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં  પ્રથમ નંબરે છે.

સૌર ઊર્જામાં ગુજરાત અગ્રેસર

ડિસેમ્બર 2025 સુધીમાં, ગુજરાત 25,529.40 મેગાવોટની સ્થાપિત સૌર ક્ષમતા ધરાવતું હતું. જેમાં ગ્રાઉન્ડ-માઉન્ટેડ પ્રોજેક્ટ્સમાંથી 17,771.21 મેગાવોટ, રૂફટોપ સોલારમાંથી 6,412.80 મેગાવોટ, હાઇબ્રિડ પ્રોજેક્ટ્સમાંથી 1,172.38 મેગાવોટ અને પીએમ-કુસુમ સહિતની ઑફ-ગ્રીડ સિસ્ટમ્સમાંથી 173.01 મેગાવોટનો સમાવેશ થાય છે. રૂફટોપ સોલાર ક્ષમતા પૈકી 2,073.65 મેગાવોટ સૂર્ય ગુજરાત યોજના હેઠળ, 1,913 મેગાવોટ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ અને 2,267.04 મેગાવોટ અન્ય કાર્યક્રમો દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.

ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જ્યારે ગુજરાતે પોતાના માટે 100 ગીગાવોટનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. નાણાકીય વર્ષ 2026ના અંત સુધીમાં ગુજરાત 47 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સુધી પહોંચી ગયું હતું.