Wed Aug 19 2026

Logo

સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પર 25 લાખને બદલે 75 લાખ મળશે?

2026-08-17 09:28:00
Author: Mumbai Samachar Team
Article Image

8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ વેતન અને પેન્શનની સાથે હવે ગ્રેચ્યુઇટીને લઈને પણ ચર્ચા તેજ બની છે. કર્મચારી સંગઠને નિવૃત્તિ પર મળતી મહત્તમ ગ્રેચ્યુઇટી મર્યાદાને ₹25 લાખથી વધારીને ₹75 લાખ કરવાની માગ કરી છે. જો સરકાર આ માગ સ્વીકારી લે છે, તો કર્મચારીઓને વર્તમાન મર્યાદાની સરખામણીમાં 3 ગણી વધુ ગ્રેચ્યુઇટી મળી શકે છે.

ગ્રેચ્યુઇટી ₹25 લાખથી ₹75 લાખ કરવાની માગ

કેન્દ્રીય કર્મચારીઓના સંગઠન નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) એ 8મા પગાર પંચ સમક્ષ ગ્રેચ્યુઇટીની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ગ્રેચ્યુઇટીની મહત્તમ લિમિટ કેટલી છે?

હાલમાં, કેન્દ્રીય કર્મચારીઓ માટે નિવૃત્તિ ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 25 લાખ છે. તેનો અર્થ એ છે કે નિયમો અનુસાર ગણતરી કરાયેલી રકમ જો 25 લાખથી વધુ પણ બને છે, તો વર્તમાન મર્યાદા હેઠળ ચુકવણી 25 લાખ સુધી જ થશે. કર્મચારી સંગઠન આ મર્યાદા વધારવાની માગ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે વધતા પગાર અને મોંઘવારીને જોતા 25 લાખની મર્યાદા હવે ઘણી ઓછી છે.

ગ્રેચ્યુઇટી મર્યાદા વધારવાની માંગ શા માટે કરવામાં આવી?

NC-JCM નું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કર્મચારીઓના પગાર, મોંઘવારી અને રહેણીકરણીનો ખર્ચ ઘણો વધ્યો છે. આવા સંજોગોમાં, નિવૃત્તિ સમયે મળતી ગ્રેચ્યુઇટીની મર્યાદામાં પણ ફેરફાર થવો જોઈએ. સંગઠન અનુસાર, વર્તમાન ₹25 લાખની ગ્રેચ્યુઇટી મર્યાદા આજની જરૂરિયાતો મુજબ પર્યાપ્ત નથી. તેથી, તેને વધારીને ₹75 લાખ કરવાની માગ કરવામાં આવી છે.

ફક્ત લિમિટ જ નહીં, ગ્રેચ્યુઇટીનું ફોર્મ્યુલા પણ બદલવાની માગ

NC-JCM ની માગ ફક્ત ગ્રેચ્યુઇટીની મહત્તમ લિમિટ જ નહીં, પરંતુ તેની ગણતરીની રીતમાં પણ ફેરફાર કરવાની છે. સંગઠન ઈચ્છે છે કે ગ્રેચ્યુઇટીની ગણતરી 30 દિવસને બદલે 25 કાર્યકારી દિવસોની કરવામાં આવે. આ સાથે, વર્તમાન 16.5 ગણા પગારવાળી મર્યાદાને દૂર કરવા અથવા વધારવાની માગ પણ કરવામાં આવી છે.

એટલે કે, સંગઠનની માગ છે કે કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની ગણતરીમાં વધુ ફાયદો મળે અને વર્તમાન મર્યાદા બદલવામાં આવે. લાંબા સમય સુધી નોકરીમાં રહેલા અને વરિષ્ઠ કર્મચારીઓ માટે આ માગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, હજુ ₹75 લાખની ગ્રેચ્યુઇટી નક્કી થઈ નથી. આ હાલમાં કર્મચારી સંગઠન દ્વારા 8મા પગાર પંચ સમક્ષ મૂકવામાં આવેલી માગ છે.

પગાર પંચ વિવિધ પક્ષો પાસેથી મળેલા સૂચનો અને અન્ય પાસાઓ પર વિચાર કરશે. આ પછી, તે તેની ભલામણો આપશે. આ અંગે અંતિમ નિર્ણય સરકારે લેવાનો રહેશે.