- રાજ ગોસ્વામી
કવિ- શાયર અને લેખકના જીવનની એક કરુણ વિડંબના એ છે કે તેમણે પોતાની રચનાઓમાં જીવનના એવા પક્ષને પ્રસ્તુત કર્યા હોય છે જે પાછળથી તેમના પોતાના જીવન માટે પ્રાસંગિક બની જાય છે.
28 જૂને, 91 વર્ષની ઉંમરે અવસાન પામેલા મશહૂર ઉર્દૂ શાયર બશીર બદ્ર પાછલાં કેટલાંય વર્ષોથી ડિમેંશિયા (સ્મૃતિભ્રંશ) સાથે જીવી રહ્યા હતા. તે એ બધી જ યાદદાસ્ત ગુમાવી રહ્યા હતા, જે તેમણે જીવનભર તેમની રચનાઓમાં સંગ્રહિત કરી હતી. જાણે આવા જ કોઈ દિવસોનું પૂર્વાનુમાન હોય તેમ વર્ષો પહેલાં તેમણે લખ્યું હતું:
ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો
ના જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયેં
બદ્ર સાહેબની મનની ગલીઓમાં સાંજ પડી ગઈ હતી. એકવાર તેમણે પોતાનો જ શેર સાંભળીને પૂછ્યું હતું કે ‘બહુ સુંદર છે આ તો, કોણે લખ્યો છે?’
તેમને એ સાધારણ ડિમેંશિયા ન હતો. ડૉક્ટરોએ કહ્યું હતું કે તે નામો ભૂલી જશે, રસ્તાઓ ભૂલી જશે અને શાયરીઓ પણ ભૂલી જશે... તેની શરૂઆત બહુ પહેલાં થઈ ચૂકી હતી. તેમના પરિવારને યાદ છે કે 2008માં તે હજ કરવા ગયા ત્યારે ભીડમાં વિખૂટા પડી ગયા હતા. એક પાકિસ્તાની ચાહક તેમને ઓળખી ગયો અને તેમને પાછાા ભારતીય સમૂહો સાથે મેળવી દીધા.
નોબેલ પુરસ્કાર વિજેતા કોલમ્બિયન લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ તેમના મૃત્યુનાં અમુક વર્ષો પહેલાં, વૃસ્થાવસ્થા પ્રેરિત સ્મૃતિભ્રંશ (સેનાઇલ ડિમેંશિયા)નો શિકાર થયા હતા. તે બીમારી એટલી વધી ગઈ હતી કે તે પુત્રોને પણ ઓળખી શકતા નહોતા અને પત્નીને પણ કોઈ બનાવટી વેશધારી માનીને વાતો કરતા હતા. તેમને જ્યારે ભૂલવાની નાની-મોટી ઘટનાઓનો અનુભવ થવા લાગ્યો, ત્યારે ચિંતા સાથે તેમના એક પુત્રને કહ્યું હતું, ‘સ્મૃતિ જ મારું ઓજાર છે અને એ જ મારો કાચો સામાન છે. એના વગર હું કામ નહીં કરી શકું.’
આ કથન કેવળ એક લેખકની વ્યથા નથી, પણ એ વ્યક્તિની ઊંડી આશંકાને પણ વ્યક્ત કરે છે જેનો સર્જનાત્મક સંસાર સ્મૃતિઓની માટીમાંથી બનેલો છે. તેના માટે સ્મૃતિનું લુપ્ત થવું ખાલી યાદદાસ્તનું જ જવું નથી - તે તેની સર્જનાત્મક ઓળખ અને અસ્તિત્વના આધારનો પણ વિખરાવ છે, પણ બશીર બદ્ર જાણે તેના માટે તૈયાર હતા. તેમનો ઇલાજ તો ચાલતો હતો, પણ તેમને સારા થઈ જવા કરતાં સારી રીતે જતા રહેવાની વધુ ચિંતા હતી. તેમને ખબર હતી કે ધીરે ધીરે તે ‘મગજ ગુમાવી’ દેશે માટે તે બધું સમેટી રહ્યા હતા, ખાસ કરીને તેમનું લખવાનું અને તેનું પ્રકાશન. તેમણે જ લખ્યું હતું :
ચરાગોં કો આંખો મેં મહફૂઝ રખના
બડી દૂર તક રાત હી રાત હોગી
મશહૂર ફિલ્મકાર વિશાલ ભારદ્વાજ 19 વર્ષની ઉંમરથી બદ્ર સાહેબના પરિચયમાં હતા. તે સમયે બદ્ર સાહિત્ય જગતમાં ઊભરતા તારા સમાન હતા. વિશાલ તેમની શાયરી પાછળ પાગલ એક વિદ્યાર્થી. બદ્રની શાયરીઓની અસર એવી હતી કે વિશાલને એ પહેલો શેર આજે પણ યાદ છે, જે તે ઉંમરે સાંભળ્યો હતો;
યે એક પેડ હૈ, આ ઇસસે મિલ કે રો લેં હમ,
યહાં સે તેરે-મેરે રાસ્તે બદલતે હૈ
વિશાલને તેમના ડિમેંશિયાની શરૂઆત યાદ છે. એક સમચારપત્રને વિશાલે કહ્યું હતું, ‘હું જ્યારે પણ તેમના ખબર-અંતર પૂછવા માટે ઘરે ફોન કરતો તો તેમનો દીકરો તૈયબ અને પત્ની રાહત આપા મને કહેતાં કે મારું નામ સાંભળીને તેમના દિમાગમાં હલચલ થતી. જ્યારે અમને ખબર પડી કે તેમને ડિમેંશિયા થયો છે તે જાણીને અમે બહુ રડ્યા હતા.’
2010માં તેમણે કેટલાય દિવસો સુધી બોલવાનું બંધ કરી દીધું હતું. એક દિવસ વિશાલ પોતાનો જ એક શેર ભૂલી ગયા. તેમણે બશીર બદ્રને કહ્યું;
‘મેરા દિમાગ ભી ધડકતા હૈ મેરે દિલ કી તરહ...’
અને પછી પૂછ્યું, ‘ડૉક્ટર સાબ, અગલી પંક્તિ યાદ નહિ આ રહી.’
અને તેમણે અચાનક આગળની પંક્તિ જોડી દીધી:
‘મિટા દિયે હૈં ફાસલે સબ મહોબ્બત ને.’
ડિમેંશિયાની કરુણતા વચ્ચે આ પ્રસંગ એક અદ્ભુત સત્યને ઉજાગર કરે છે. સ્મૃતિઓ ભલે ધીમે ધીમે ધૂંધળી પડતી જાય, પરંતુ કવિતા, પ્રેમ અને આત્મીય સંબંધોની કેટલીક ઊંડી છાપો ઘણી વાર અંતિમ ક્ષણો સુધી જીવંત રહે છે.
બશીર બદ્રનું પૂરુંં નામ સૈયદ મુહમ્મદ બશીર હતું. તેમનો જન્મ 15 ફેબ્રુઆરી, 1935ના રોજ અયોધ્યામાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે કાનપુરમાં મેળવ્યું. યુવાનીના દિવસોમાં તેમણે થોડો સમય પોલીસ વિભાગમાં નોકરી પણ કરી હતી. વીસ વર્ષની ઉંમર સુધી પહોંચતાં-પહોંચતાં તેમની ગઝલો ભારત અને પાકિસ્તાનના ઉર્દૂપ્રેમીઓમાં લોકપ્રિય બની ગઈ હતી. ઉચ્ચ શિક્ષણ માટે તેમણે ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી’માં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ‘મેરઠ યુનિવર્સિટી’ના ઉર્દૂ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી. સાહિત્યક્ષેત્રે તેમણે અનેક સન્માનો અને પ્રતિષ્ઠા મેળવી. ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’થી નવાજ્યા હતા, જ્યારે સાહિત્ય અકાદમી તથા વિવિધ રાજ્યસ્તરીય ઉર્દૂ અકાદમીઓએ પણ તેમનું સન્માન કર્યું હતું.
જોકે જીવનના ઉત્તરાર્ધમાં એક એવી બીમારી આવી જેણે તેમની સૌથી મોટી શક્તિ જ તેમની પાસેથી છીનવી લીધી. શબ્દો અને સ્મૃતિના આધારે આખી જિંદગી જીવેલા આ શાયરને ડિમેંશિયાએ ઘેરી લીધા, પણ તેમની શાયરી આજે પણ લાખો લોકોની યાદોમાં જીવંત છે.
બશીર બદ્રની સૌથી મોટી ખાસિયત તેમની ભાષાની સરળતા હતી. તે અત્યંત સાદા શબ્દોમાં એવી ઊંડી વાત કહી જતા કે તે સીધી જ વાચકના હૃદય સુધી પહોંચી જતી. જેમ કે કોમી તોફાનોમાં પોતાનું ઘર ગુમાવ્યા પછી તેમણે લખ્યું હતું;
લોગ તૂટ જાતે હૈં એક ઘર બનાને મેં તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં.