અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર કથિત ગેરકાયદે કબજો જમાવવા બદલ પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણની આકરી ઝાટકણી કાઢી હતી.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રાયની ડિવિઝન બેન્ચે પઠાણની અપીલ પર સુનાવણી કરતા મૌખિક રીતે સવાલ કર્યો હતો કે, કોઈ પણ જાતની ફાળવણી પ્રક્રિયા પૂરી કર્યા વિના કે પૈસા ચૂકવ્યા વિના તમે આ સરકારી જમીન પર ફેન્સિંગ કરીને કબ્જો કેવી રીતે મેળવી લીધો?
કોર્ટે સ્પષ્ટ કર્યું કે યોગ્ય પ્રક્રિયા વિના જાહેર જમીન પર કબજો કરનાર વ્યક્તિ કોર્ટ પાસે રાહતની અપેક્ષા રાખી શકે નહીં. સાથે જ કોર્ટે સંકેત આપ્યો છે કે પઠાણને બે સપ્તાહમાં જમીન ખાલી કરવી પડી શકે છે અને જાહેર સંપત્તિના ઉપયોગ બદલ દંડ પણ ભરવો પડી શકે છે.
મળતી વિગતો અનુસાર, યુસુફ પઠાણ તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટે રજૂઆત કરી હતી કે 1999 ની રાજ્ય સરકારની નીતિ મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને અમુક શરતો હેઠળ જમીન ફાળવી શકાય છે અને VMC એ 978 ચોરસ મીટરનો આ પ્લોટ બજાર ભાવે ફાળવવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો.
જોકે, હાઇ કોર્ટે આ દલીલ ફગાવતા નોંધ્યું હતું કે રાજ્ય સરકારની મંજૂરી વિના આ દરખાસ્ત ક્યારેય કાયદેસરની ફાળવણી બની શકી નથી. કોર્ટે એ મ્યુનિસિપલ અધિકારીઓ સામે પણ તપાસની ચેતવણી આપી હતી જેમણે પઠાણને જમીન પર વાડ લગાવવા અને કબજો કરવાની છૂટ આપી હતી.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર દ્વારા જ્યાં સુધી સત્તાવાર રીતે ફાળવણી કરવામાં ન આવે ત્યાં સુધી સરકારી પ્લોટ પર ફેન્સિંગ કરવું એ પણ એક ગુનો છે. આ મામલે આગામી સુનાવણી 15 જૂને થશે.
આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી જ્યારે પઠાણે વડોદરાના ટંડલજા વિસ્તારમાં પોતાના બંગલાને અડીને આવેલા 978 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી માટે VMCમાં અરજી કરી હતી.
VMC એ હરાજી વિના 99 વર્ષના ભાડાપટ્ટે આ જમીન આપવા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી હતી, પરંતુ જૂન 2014 માં ગુજરાત શહેરી વિકાસ વિભાગે આ માંગ ફગાવી દીધી હતી છતાં જમીન પર કબજો યથાવત રહેતા જૂન 2024માં પશ્ચિમ બંગાળના બહેરામપુરથી લોકસભા ચૂંટણી જીત્યાના ગણતરીના દિવસોમાં જ 6 જૂન 2024ના રોજ VMCના લેન્ડ એસ્ટેટ વિભાગે યુસુફ પઠાણને નોટિસ ફટકારીને આ કથિત દબાણ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ઓગસ્ટ 2025માં હાઇ કોર્ટના સિંગલ જજે પણ આ મામલે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને યુસુફ પઠાણને દબાણ કરનારા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. સિંગલ જજે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, માત્ર લાંબા સમય સુધી જમીન પર કબ્જો હોવાથી અને પૈસા નહીં ચૂકવ્યા હોવાથી કોઈ કાનૂની અધિકાર ઊભો થતો નથી.
કોર્ટે વધુમાં ટકોર કરી હતી કે સેલિબ્રિટીઝ જે સમાજ માટે રોલ મોડેલ સમાન હોય છે, તેમને જો આ પ્રકારે કોઈ છૂટછાટ આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે અને તેનાથી ન્યાય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ ઘટી શકે છે.