Mon Jun 08 2026

Logo

ટેક્સ પૂરો લેશે, પણ જવાબદારી નહીં લે! AMC ના વિવાદાસ્પદ ફરમાન પર AAP ના  પ્રહાર

2026-06-08 19:22:52
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ:  આગામી ચોમાસાની સીઝન પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના નાગરિકો માટે એક 'જાહેર જનતા જોગ ચેતવણી' બહાર પાડીને શહેરના 25 જેટલા જૂના અને નવા અંડરપાસમાં ભારે વરસાદના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાઇ તો તેની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી નાખવા મુદ્દે વિવાદ સર્જાયો છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે વીડિયો શેર કરીને લોકોને જાગવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે તંત્રએ વર્તમાન પત્રમાં લખી નાખ્યું કે પાણી ભરાય અને લોકોને કાઇ પણ થાય તો તેની જવાબદારી નથી. 

તેમણે પ્રશ્ન કર્યો હતો કે તો AMCની જવાબદારી શું? કોઈ ઝાડ પડી જાય, થાંભલા તૂટે, ભૂવા પડે અને લોકો વાહન સહિત ગરકાવ થઈ જાય તો પણ AMCની કોઈ જવાબદારી નહિ. તો શું AMCની જવાબદારી લાખો-કરોડોના ટેક્સ  જ ઉઘરાવવાની છે? તેમણે લોકોને જાગી જવાની અને વરસાદના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ કરી લેવું પણ બહાર ન નીકળવું તેવી અપીલ કરી હતી. સાથે જ તેમણે પ્રશ્ન કર્યો હતો કે કરોડો રૂપિયાના ટેક્સ છતાં અમદાવાદના અંડરપાસોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કેમ નથી?

સમગ્ર વિવાદ મુદ્દે વાત કરવામાં આવે તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને શહેરના નાગરિકો માટે એક  'જાહેર જનતા જોગ ચેતવણી' બહાર પાડવામાં આવી હતી, જેમાં શહેરમાં આવેલા સ્ટેડિયમ, ઉસ્માનપુરા, પરિમલ, અખબારનગર અને મીઠાખળી સહિત કુલ 25 જેટલા જૂના અને નવા અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, મનપાની જાહેર જનતા જોગ ચેતવણીમાં જણાવવામાં આવ્યું હતું કે તંત્રની સૂચના છતાં ઘણા વાહનચાલકો જોખમ ખેડીને આ રસ્તાઓનો ઉપયોગ કરે છે. આ પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે અને ગંભીર અકસ્માત કે જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોવાથી કોર્પોરેશને નાગરિકોને સાવચેત કર્યા હતા.

જો કે જેનો સૌથી વધુ વિવાદ મચ્યો છે તે બાબત છે AMCના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ચેતવણી આપતા જણાવાયું હતું કે, જ્યારે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયેલું હોય અથવા તો અંદરના કાદવ-કીચડની સફાઈ બાકી હોય અને ગેટ બંધ રાખવામાં આવ્યા હોય, ત્યારે કોઈ પણ વાહનચાલક કે રાહદારીએ તેનો ઉપયોગ કરવો નહીં.  કોર્પોરેશને  સ્પષ્ટતા કરી છે કે, આ ચેતવણી છતાં જો કોઈ નાગરિક ઉપરોક્ત સંજોગોમાં આ રસ્તાઓનો ઉપયોગ કરશે અને કોઈ અકસ્માત કે જાનહાનિ થશે, તો તેની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ જાતની રહેશે નહીં. પોતાના જીવના જોખમે જ લોકોએ આ સાહસ કરવાનું રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે.