Mon Jun 08 2026

Logo

દેશની સૌથી મોંઘી ફિલ્મ 'રામાયણ'માં કાજલ અગ્રવાલની એન્ટ્રી: ભજવશે મંદોદરીનું પાત્ર

2026-06-08 18:58:25
Author: Devayat Khatana
Article Image

દેશની સૌથી મોંઘી ફિલ્મ 'રામાયણ'માં જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ રાવણની પત્ની મંદોદરીના રોલમાં જોવા મળશે. નિર્દેશક નિતેશ તિવારીની આ બહુચર્ચિત ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, યશ રાવણ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે. કાજલ અગ્રવાલે એક ઈન્ટરવ્યુમાં પોતાના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે  આ એક ખૂબ જ મોટા પ્રોડક્શનની ફિલ્મ છે અને ભારતના લોકોએ આવું અગાઉ ક્યારેય જોયું નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે એક અભિનેતા તરીકે પણ આવું પહેલીવાર થઈ રહ્યું છે અને આ ભારતીય મૂળની વાર્તા આપણા બધાના દિલની ખૂબ જ નજીક છે.

'રામાયણ' ઉપરાંત કાજલ અગ્રવાલ પોતાના અન્ય આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તે શ્રેયસ તલપડે સાથે ફિલ્મ 'ધ ઈન્ડિયા સ્ટોરી'માં જોવા મળશે, જે ખાદ્યપદાર્થોમાં રસાયણોના ખોટા ઉપયોગના ગંભીર મુદ્દા પર આધારિત છે. ચેતન ડીકે અને તેમની ટીમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 જુલાઈએ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. આ સિવાય કાજલ તેલુગુ સ્ટાર નંદમુરી બાલકૃષ્ણ સાથે ગોપીચંદ મલિનેની દ્વારા નિર્દેશિત ફિલ્મમાં પણ કામ કરી રહી છે અને તેનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.

દર્શકો રણબીર કપૂર સ્ટારર 'રામાયણ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે અનેક રીતે દેશની સૌથી ખાસ ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, બે ભાગમાં બની રહેલી આ ફિલ્મનું કુલ બજેટ 4000 કરોડ રૂપિયાથી વધુ છે, જે તેને ભારતની સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે. આ ઐતિહાસિક ફિલ્મને વિશ્વભરમાં અનેક ભાષાઓમાં રિલીઝ કરવાની યોજના છે. 'રામાયણ'નો પહેલો ભાગ આ વર્ષની દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે તેનો બીજો ભાગ વર્ષ 2027ની દિવાળી પર દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે.