Mon Sep 14 2026

Logo

ઓમાન નજીક ભારતીય ક્રૂ સાથેના ઓઈલ ટેન્કરમાં આગ: ખલાસીઓ સુરક્ષિત કે નહીં જાણો

Oman   2026-06-08 20:58:00
Author: Mumbai Samachar Team
ઓમાન નજીક ભારતીય ક્રૂ સાથેના ઓઈલ ટેન્કરમાં આગ: ખલાસીઓ સુરક્ષિત કે નહીં જાણો

નવી દિલ્હીઃ ઓમાનના દરિયાકાંઠા નજીક ૨૪ ભારતીય ખલાસીઓને લઇ જતા એક ઓઈલ ટેન્કરમાં આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. આ ઘટના ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ પહેલી વાર મોટા પાયે હુમલા થવા સમયે બની છે.

ભારતના બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે માડાગાસ્કરના ધ્વજવાળા એમટી મેરીવેક્સમાં બપોરે ૧-૩૦ વાગ્યે(આઇએસટી) આગ લાગી હોવાની સૂચના મળી હતી. શર્માએ આગ લાગવાના કારણ અંગે કોઇ ટિપ્પણી કરી ન હતી. પરંતુ જહાજ પર ૨૪ ભારતીય ક્રૂ મેમ્બર સવાર હોવાનું જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે ટેન્કર ખાલી હતું અને હોર્મુઝ સામુદ્રધુનીથી ઘણું દૂર હતું. આ એક અગત્યનો શિપિંગ માર્ગ છે, જે પ્રાદેશિક તણાવથી પ્રભાવિત રહ્યો છે. શર્માએ કહ્યું કે આ અમને મળેલી પ્રારંભિક માહિતી છે.

પ્રાપ્ત માહિતી મુજબ તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે. અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, વિદેશોમાં અમારા મિશન, ભારતીય નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

શિપ-ટ્રેકિંગ ડેટા પરથી જાણવા મળે છે કે જહાજ મસ્કતથી દક્ષિણમાં લાંગરેલું હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર ઓમાનના ડુક્મ બંદર તરફ જતી વખતે હુમલાની ઝપટમાં આવી ગયા બાદ ટેન્કરે ડિસ્ટ્રેસ કોલ કર્યો હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે.