Mon Sep 14 2026

Logo

વિરાર અને થાણેમાં આગની બે અલગ-અલગ ઘટનાઓ: ગોડાઉન બળીને ખાખ, મહાનગરપાલિકામાં દોડધામ

2026-06-08 20:51:49
Author: Sapna Desai
વિરાર અને થાણેમાં આગની બે અલગ-અલગ ઘટનાઓ: ગોડાઉન બળીને ખાખ, મહાનગરપાલિકામાં દોડધામ

(અમારા પ્રતિનિધિ તરફથી)

પાલઘર/ થાણે:
વિરારમાં ડેકોરેશન મટિરિયલના ગોડાઉનમાં રવિવારના આગ ફાટી નીકળી હતી, જેમાં ગોડાઉનમાં રહેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ રવિવારે સાંજના વિરારના સામંતપાડામાં આ બનાવ બન્યો હતો, જેમાં પાંચ વાગ્યાની આસપાસ ગોડાઉનમાં રહેલા ડેકોરેશનના મટિરિયલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ત્રણ ફાયર એન્જિન પહોંચી ગયા હતા અને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગમાં કોઈ જખમી થયું નહોતું પણ આગને કારણે ગોડાઉનમાં રહેતો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

થાણે મહાનગરપાલિકાના મુખ્યાલયના ચોથા માળે સોમવારે સવારે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. 

થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ સોમવારે સવારે ૮.૦૭ વાગ્યે મુખ્ય ઇમારતના ચોથા માળે સ્થિત અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં આગ લાગી હતી. આગમાં  યુપીએસ યુનિટ, કેટલાક કાગળો અને એક પંખામાં આગ લાગી હતી. આગ મામૂલી હતી અને  ઓફિસના એક ભાગમાં જ સીમિત રહી  હતી.

ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ તરત જ ફાયર એન્જિન અને રેસ્ક્યુ વેહિકલ તહેનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા ગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ  સ્ટાફ અને ફાયર બ્રિગેડના જવાનોની મદદથી સવારે ૮.૩૫ વાગ્યે આગ બુઝાવવામાં આવી હતી. કોઈ જાનહાનિ થઈ નથી. આગ બુઝાવ્યા બાદ  કૂલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પરિસરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જાણી શકાશે એવું અધિકારીએ જણાવ્યું હતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની શક્યતા છે.