Mon Jun 08 2026

Logo

દેશમાં રોકાણકારોની સંખ્યા 14.5 કરોડે પહોંચી, મ્યુચ્યુઅલ ફંડ અસ્ક્યામતો વધીને રૂ. 80 લાખ કરોડથી વધુ થઈ

2026-06-08 20:32:00
Author: Ramesh Gohil
Article Image

Sebi Chairman Tuhin Kanta Pandey


ઘરગથ્થુ બચત, સંપત્તિ સર્જન માટે મુખ્ય માર્ગ બની રહેલી મૂડી બજાર

મુંબઈઃ
ભારતમાં ઘરેલુ બચત અને સંપત્તિના સર્જન માટેના મુખ્ય માર્ગ તરીકે ભારતીય મૂડી બજારો સતત ઊભરી રહ્યા છે, જે ભારતની વૃદ્ધિગાથામાં થઈ રહેલા માળખાકીય પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, એમ સેબીના અધ્યક્ષ તુહીન કાંત પાંડેએ આજે જણાવ્યું હતું. 

એત્રે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ઈન્ડિયા ઈન્વેસ્ટર કોન્ફરન્સ 2026ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે મૂડી બજારો ઘરેલુ બચત અને સંપત્તિના સર્જન માટે વધુને વધુ મુખ્ય માર્ગ બની રહ્યા છે. વધુમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસનાં નિયમો અંગે સેબી અધ્યક્ષે સંકેત આપ્યો હતો કે આ બાબતે વ્યાપક ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં ક્નસલ્ટેશન પેપર જારી કરવામાં આવશે. જોકે, તેમણે સમયમર્ચાદા નહોતી જણાવી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભારતની આર્થિક વૃદ્ધિ માત્ર ઉચ્ચ વૃદ્ધિનાં આંકડાઓ સુધી સિમિત નથી, પરંતુ અર્થતંત્રના ઔપચારિકરણ, બચતના નાણાકીયકરણ અને સંસ્થાઓમાં વધતા વિશ્વાસ વિશે પણ છે. 

ભારતીય બજારોની ગહનતા અંગે પાંડેએ જણાવ્યું હતું કે દેશમાં હવે સિક્યોરિટીઝ માર્કેટમાં અંદાજે 14.5 કરોડ રોકાણકારો છે અને રોકાણકારોનાં બેઝમાં વર્ષે 20 ટકા કરતાં વધુ વૃદ્ધિ થઈ રહી છે. આથી જ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડની અસ્ક્યામતો આશરે રૂ. 12 લાખ કરોડથી વધીને રૂ. 80 લાખ કરોડથી પણ વધુ થઈ છે અને ઘરેલુ સહભાગીતા સતત વધી રહી છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર દેશનાં જીડીપીમાં ઘરગથ્થુ બચતનો હિસ્સો જે નાણાકીય વર્ષ 2023માં લગભગ 20 ટકા હતો તે વર્ષ 2025માં 21.7 ટકાના સ્તરે રહ્યો હતો, જે અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં બહોળો હિસ્સો છે.

આ તમામ પરિબળો સ્પષ્ટ બદલાવનો નિર્દેશ કરે છે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ઘરગથ્થુ ધોરણે પરિવારો બજાર સાથે જોડાયેલા રોકાણના માર્ગો તરફ બચતની વધુને વધુ ફાળવણી કરી રહ્યા છે. ગત નાણાકીય વર્ષ 2026માં ઈક્વિટી ઈશ્યુઅન્સ રૂ. 4.5 લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું, જ્યારે 366 આઈપીઓએ રૂ. 1.9 લાખ કરોડ એકત્રિત કર્યા હતા અને રૂ. નવ લાખ કરોડનાં કોર્પોરેટ બૉન્ડ જારી કરવામાં આવ્યા હતા આ આંકડાઓ પણ મૂડી નિર્માણમાં ઘરેલું બચતની મહત્ત્વની ભૂમિકાનો સંકેત આપે છે, એમ તેમણે ઉમેર્યું હતું.