Sat Sep 05 2026

Logo

રામમંદિરને દર મહિને મળી રહ્યું છે રૂપિયા 5 કરોડથી વધુનું દાન

2026-06-08 21:29:22
Author: Chandrakant Kanoja
રામમંદિરને દર મહિને મળી રહ્યું છે રૂપિયા 5 કરોડથી વધુનું દાન

અયોધ્યા: અયોધ્યાના રામમંદિરમાં દાનમાં આવતા નાણાંના કથિત દૂર ઉપયોગના આક્ષેપ વચ્ચે રામમંદિરના દાનની આવકના આંકડા ચર્ચામાં આવ્યા છે. જેમાં રામ મંદિર ટ્રસ્ટની બેઠક દરમિયાન રજૂ કરાયેલા નાણાકીય અહેવાલ મુજબ, મંદિરે 2025-26 નાણાકીય વર્ષ દરમિયાન વિવિધ સ્ત્રોતો દ્વારા ₹220.81 કરોડના દાનની આવક મેળવી હતી. આ રકમમાંથી, સૌથી મોટો હિસ્સો રૂપિયા 54.79 કરોડ  રામ લલ્લાને સમર્પિત હૂંડીના માધ્યમથી પ્રાપ્ત થઇ છે.  મંદિરને દાન પેટીઓ દ્વારા સરેરાશ માસિક પાંચ કરોડ રૂપિયાનું દાન મળે છે. આ દરમિયાન ઓનલાઈન દાનના માધ્યમથી  રૂપિયા 8.33 કરોડ પ્રાપ્ત થયા હતા.

ભંડોળના કથિત દુરુપયોગના આરોપોને લઈને રાજકીય તણાવ વધ્યો

રામ મંદિરના દાનપેટીમાંથી ભંડોળના કથિત દુરુપયોગના આરોપોને લઈને રાજકીય તણાવ વધ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા આપવામાં આવેલા નિવેદનો અને ત્યારબાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ વચ્ચે  મંદિરની આવક અને દાન અંગેના સત્તાવાર આંકડા હવે ચર્ચાનો વિષય બન્યા છે. જ્યારે ટ્રસ્ટનો દાવો છે કે રામ લલ્લાને મળેલા દાન અને દાનની સમગ્ર પ્રક્રિયા પારદર્શક પ્રણાલી હેઠળ હાથ ધરવામાં આવે છે. જેમાં દરેક રૂપિયાનો હિસાબ રાખવામાં આવે છે.

ટ્રસ્ટના ખાતામાં રૂપિયા 1,940 કરોડ  જમા 

આ અહેવાલ મુજબ ટ્રસ્ટના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતામાં આશરે રૂપિયા 1,940 કરોડ  છે. જ્યારે રામ મંદિરના નિર્માણ અને તેને લગતા કાર્યો પર અત્યાર સુધીમાં લગભગ  રૂપિયા 1,800 કરોડ ખર્ચવામાં આવ્યા છે. આવકની દ્રષ્ટિએ રામ મંદિર દેશના ટોચના મુખ્ય મંદિરોની હરોળમાં જોડાઈ ગયું છે.