નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સુધારો કાયદો(સીએએ) લાગુ થવાની જાહેરાત બાદ ફરી દેશભરમાં આ કાયદાને લઇને ચર્ચાએ વેગ પકડ્યો છે. સુવેન્દુ અધિકારીએ બુધવારે જાહેરાત કરી કે રાજ્યમાં હવે સીએએ લાગુ કરવામાં આવ્યો છે, જે લોકો કાયદાના દાયરામાં નથી આવતા તેમની ઘૂસણખોર તરીકે ધરપકડ કરવામાં આવશે. તેમ જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)ને સોંપવામાં આવશે, જેથી તેને બાંગ્લાદેશ પરત મોકલી શકાય.
બીએસએફ અધિકારીઓ સાથેની બેઠક બાદ મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે સીએએ હેઠળ આવરી લેવામાં આવેલા લોકોને નાગરિકતા આપવામાં આવશે, પરંતુ જે તેના દાયરામાં આવતા નથી તે ઘૂસણખોરો છે. પોલીસ તેમની ધરપકડ કરશે અને બીએસએફ, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (અગાઉ બાંગ્લાદેશ રાઇફલ્સ)નો સંપર્ક કરીને તેમનો દેશનિકાલ કરશે.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં સીએએ હંમેશા એક મુખ્ય મુદ્દો રહ્યો છે. રાજ્ય બાંગ્લાદેશની સરહદ ધરાવે છે અને મોટી સંખ્યામાં શરણાર્થીઓ તથા સરહદ પારથી આવેલા લોકો રહે છે. ભાજપ લાંબા સમયથી બંગાળમાં સીએએ લાગુ કરવાની માંગ કરી રહ્યું હતું.
હવે રાજ્ય સરકારની જાહેરાત બાદથી સૌથી મોટી અસર હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી પરિવારો પર પડશે. જેઓ બાંગ્લાદેશ, પાકિસ્તાન કે અફઘાનિસ્તાનથી ધાર્મિક અત્યાચારને કારણે ભારત સ્થળાંતર કરીને આવ્યા હતા. આવા લોકો હવે નાગરિકતા માટે અરજી કરી શકશે.
બીજી તરફ સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે લોકો સીએએના દાયરામાં આવતા નથી અને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારતમાં રહી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારનું કહેવું છે કે કેન્દ્ર સરકારે ૧૪ મે, ૨૦૨૫ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં બીએસએફને આવા ગેરકાયદે પ્રવાસીઓને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.