ગૌરવ મશરૂવાળા
અમિતાબ બચ્ચનની ‘દીવાર’ ફિલ્મનો એક સીન મારાથી ક્યારેય ભુલાશે નહીં. તરુણ વયનો અમિતાભ કેસકોર્સની બહાર બૂટ-પૉલિશ કરવાનું કામ કરે છે. અંધારીઆલમનો ડોન ઈફતેખાર રહેમાન એની પાસે પોતાનાં જૂતાં ચમકાવવા ઊભો રહે છે. બૂટ પૉલિશ થઈ જાય છે એટલે ઈફ્તેખાર પોતાના એક સાગરીતને પૈસા આપવા ઈશારો કરે છે. પેલો માણસ અમિતાભ તરફ પૈસા ફેંકે છે. તરુણ વયનો અમિતાભ મક્કમતાથી કહે છે. ‘સા’બ, મૈં ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા.’ આ મહેનતના પૈસા છે તેથી પૂરા સન્માન સાથે અપાવા જોઈએ.
આપણાં શાસ્ત્રોમાં અવારનવાર કોઈને તાબે ન થઈ જવાની શિખામણ આપવામાં આવી છે. કોઈની સામે આદરથી ઝૂકીને માન આપવું એક વાત છે, પણ કોઈને તાબે થઈ જવું તે તદ્દન જુદી સ્થિતિ છે.
કેવી રીતે ખબર પડે કે આપણે કોઈની સામે આદરભાવથી નતમસ્તક થઈ રહ્યા છીએ કે એને તાબે થઈ રહ્યા છીએ? આ સવાલ આપણે આપણા અંતરાત્માને પૂછવો જોઈએ. આપણા દિલમાં એ વ્યક્તિ પ્રત્યે ભરપૂર સન્માન હશે તો આદરભાવથી નતમસ્તક થયા ગણાશો. માથું નમાવીએ નહીં તોપણ એ વ્યક્તિ પ્રત્યે સન્માનની લાગણી ધરાવતાં હોઈએ એટલું પણ પૂરતું છે. ભીતરથી શાંતિ મળવી જોઈએ, બસ. જો આપણે કોઈની પીઠ પાછળ બૂરાઈ કરીશું અથવા તેના વિશે ઊતરતું વિચારીશું અને છતાંય એની સામે એના વખાણ કરીશું કે એનો આભાર માનીશું તો આનો અર્થ થયો કે આપણે એને તાબે થઈ ગયા છીએ.
આદરભાવથી નમન કરવાથી આંતરિક શાંતિ અને પરમાનંદની અનુભૂતિ થાય છે. આપણને અન્ન, વસ્ત્ર, આવાસ, વગેરે પૂરાં પાડતું ધન સન્માનપૂર્વક ઉપાર્જિત કરવામાં આવ્યું હોય તે મહત્ત્વનું છે. ધન કમાયા પછી આપણને આંતરિક શાંતિનો અનુભવ થવો જોઈએ.
કોઈને તાબે થઈને કમાયેલું નાણું પોતાની સાથે અશાંતિ, ક્રોધ, ચીડ અને હતાશા લેતું આવે છે. આવું ધન માણસને આંતરિક સુખ નહીં આપી શકે. આ સઘળી નકારાત્મક લાગણીઓ વહેલીમોડી પરિવારના સભ્યોમાં પણ ફેલાય છે. કોઈને તાબે થઈને કમાણી કરી હશે તો આત્મદયાની લાગણી જાગ્યા વગર રહેશે નહીં - ‘શું થાય, પરિવારની જરૂરિયાતો ખાતર મારે આ બધું કરવું પડયું.’ ઘરના લોકો માટે એવી લાગણી જાગશે કે, ‘આ બધું મારે તમારા ખાતર કરવું પડે છે.’
અશાંતિ, ક્રોધ અને હતાશા ત્યાર પછી અહમમાં પરિવર્તિત થાય છે. ‘કામ કરનારો પણ હું અને સહન કરનારો પણ હું... આ બધું હું ઘરના માણસો માટે કરું છું. માણસમાં અહમ્ આવે એટલે એને બીજાઓએ પોતાના પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ એવી લાગણી જાગતી હોય છે.
જો આપણે ઘરનાઓ માટે કમાતાં હોઈએ તો કંઈ એમના પર ઉપકાર નથી કરતા. આપણી ફરજ છે આ પરિવારના દરેક સભ્યે પોતપોતાની ભૂમિકા ભજવવાની હોય છે. સૌ પોતપોતાનું કામ બરાબર કરશે તો જ ઘરમાં સુખશાંતિ આવશે, જો ઘરની મુખ્ય કમાનારી વ્યક્તિ જ અશાંત, ક્રોધી, હતાશ અને અહંકારી હશે તો ઘરના લોકોને ક્યારેય શાંતિનો અનુભવ નહીં થાય.
જો આપણને લાગતું હોય કે આપણે ફક્ત પૈસા માટે કામ કરીએ છીએ તો ખુદની માન્યતાઓ, નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો સાથે બાંધછોડ થવાની જ. કશો અર્થ નથી આવું કામ કરવાનો. આ કામમાંથી સારી આવક થતી હોય તોપણ નહીં. પૈસાની અત્યંત જરૂર હોય તોપણ નહીં, જે ક્ષણે આપણે તાબે થઈ જઈએ છીએ અથવા ખુદની માન્યતાઓની બલિ ચડાવીએ છીએ, તે ક્ષણથી આપણે ખુદની નજરમાંથી ઊતરી જઈએ છીએ.
પછી એવું લાગવા માંડે છે કે આપણે જાણે કોઈ બજારુ ચીજ છીએ જેને પૈસા ફેંકીને ખરીદી શકાય છે. બહુ જ અપમાનજનક લાગણી હોય છે આ, જે સંસ્થા કે વ્યક્તિને આપણે તાબે થયા હોઈશું તે માની લેશે કે આ માણસ તો પૈસા ખાતર કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. આપણને નિહાળવાની એની દૃષ્ટિ બદલાઈ જશે. આપણું આત્મસન્માન તળિયે પહોંચી જશે. હવે જો આપણે એમની સામે સિદ્ધાંતો કે મૂલ્યોની વાત કરીશું, વિરોધ કરીશું કે એમની વાત નહીં માનીએ તો તેઓ ચિડાઈ જશે જોકે લાંબા ગાળે એમના દિલમાં આપણા માટે માન જરૂર જાગશે.
મહર્ષિ વાલ્મીકિની કથા જાણો છો? પૌરાણિક કથા અનુસાર તેઓ પહેલાં લૂંટારા હતા. એમનું નામ હતું વાલિયો (તેઓ રત્નાકર તરીકે પણ ઓળખાતા). વાલિયાએ એકવાર નારદમુનિને લૂંટવાની કોશિશ કરી.
નારદમુનિએ પૂછયું: તું શું કામ લૂંટફાટનું કામ કરે છે? વાલિયાએ જવાબ આપ્યો: મારા પરિવારનું ગુજરાન ચલાવવા. નારદમુનિએ કહ્યું: જા, જઈને ઘરે બધાને પૂછ કે શું તેઓ તારા પાપમાં ભાગીદાર થવા તૈયાર છે? વાલિયાએ ઘરે જઈને સૌને આ સવાલ કર્યો. સૌએ એક જ જવાબ આપ્યો: ના, અમે તમારા પાપમાં ભાગીદાર બનવા તૈયાર નથી.
કહેવાનો મતલબ એ છે કે કશાયને તાબે થઈને ધન ન કમાઓ. પરિવાર તો શું, તમારો માંહ્યલો પણ તમારા પાપમાં ભાગીદાર બનવા રાજી નહીં થાય.
યોગિક વેલ્થ
આર્થિક બાબતોને લગતાં તમામ દસ્તાવેજો, કાગળિયાં, વગેરે વ્યવસ્થિતપણે ગાઠવો. તમારું નગદ નાણું પણ સરખી રીતે રાખો. નિયમિતપણે તમારી સંપત્તિનું મૂલ્યાંકન કરાતાં રહો. આ બધી લક્ષ્મીની ઉપાસના કરવાની રીતો છે.