(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્સોવા-દહિસર લિંક રોડ માટે ચાલી રહેલા પાઈલિંગના કામને કારણે કાંદિવલી પશ્ર્ચિમના ચારકોપમાં અનેક બિલ્િંડગમાં ધ્રુજારી થઈ રહી હોવાથી રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક નાગરિકોની ફરિયાદને પગલે બુધવારે તાત્કાલિક કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. પાલિકા પ્રશાસને હવે રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) અને વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)ના નિષ્ણાતો દ્વારા નજીકની બિલ્િંડગનું સ્ટ્રક્ટચરલ ઑડિટ કરાવાનો નિર્ણય લીધો છે. વીજેટીઆઈના નિષ્ણાતોની મંજૂરી બાદ જ કામ ફરી શરૂ થશે.
વર્સોવા-દહિસરને જોડનારો ૨૦ કિલોમીટર લાંબો કોસ્ટલ રોડ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. મરીન ડ્રાઈવથી બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા સુધીનો પહેલા તબક્કામાં બનાવેલો કોસ્ટલ રોડ પહેલાથી જ કાર્યરત છે. જ્યારે બીજા તબક્કામાં શહેરને પશ્ર્ચિમ ઉપનગર સાથે જોડવામાં આવવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્સોવા અને કાંદિવલીમાં હજારો વૃક્ષોને અસર થવાની હોવાથી પહેલા પણ તેની સામે વિવાદ થયો હતો. હવે એક નવી સમસ્યા ઊભી થઈ છે, જેમાં ૧૧ ફેબ્રુઆરીના પાઈલિંગના કામ દરમ્યાન બિલ્િંડગમાં ભૂકંપ સમયે આંચકા આવે તેવી ધ્રુજારી થતા ચારકોપ સેકટર આઠમાં કામ સામે સ્થાનિક નાગરિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક વિધાનસભ્યની દરમ્યાનગિરીથી કામ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું. બુધવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં અનેક માગણી કરવામાં આવી હતી જેમાં કામ શરૂ કરતા પહેલા સ્થાનિક રહેવાસીઓને પ્રોજેક્ટ અને તેની અસર વિશે યોગ્ય જાણ કરવામાં આવે. તેમ જ નજીકની તમામ બિલ્િંડગનું વીજેટીઆઈ તથા આઈઆઈટીના નિષ્ણાતો દ્વારા ઈન્સ્પેકશન કરવામાં આવે. સુરક્ષા અને સલામતીની તમામ તકેદારી રાખવામાં આવે. કામના ઈન્સ્પેકશન માટે એક જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવે.
પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે કામ શરૂ કરતા પહેલા અહીં વિસ્તારનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. અલગથી ચકાસણી કરવાની માગણી મુજબ વીજેટીઆઈ નિષ્ણાતો નજીકની બિલ્િંડગ પર થતી કોઈ પણ પ્રકારની અસરનો અભ્યાસ કરશે. રહેવાસીઓની સુરક્ષા માટે તમામ જરૂરી સાવચેતી લેવામાં આવે તેની પૂરતી કાળજી પાલિકા લેશે. તેમ જ ધૂળને નિયંત્રણમાં રાખવા માટે ૧૫ ફૂટની પ્રોટેક્ટની શીટ બેસાડવામાં આવશે. કામનું નિરીક્ષણ કરવા માટે એક જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવશે. વીજેટીઆઈ દ્વારા સાઈટ પર ઈન્સ્પેકશન કરવામાં આવશે અને તેમની લીલી ઝંડી મળ્યા બાદ જ કામ ફરી શરૂ થશે.