હેં... ખરેખર?! - પ્રફુલ શાહ
સિસિલી નામ સામે આવતાવેંત માફિયા યાદ આવે. સિસિલી એ ‘કોસા નોસ્ટ્રા’ના નામે ઓળખાતા દુનિયાના સૌથી કુખ્યાત ગુનાહિત સંગઠનનું જન્મસ્થળ છે. 19મી સદીમાં જ્યારે ઇટાલીનું એકીકરણ થઈ રહ્યું હતું, ત્યારે સિસિલીમાં કાયદો અને વ્યવસ્થાનો સદંતર અભાવ. એ સમયે જમીનદારોએ પોતાની મિલકતો અને ખાસ કરીને લીંબુના બગીચા સહિતના ખેતરોની રક્ષા કરવા માટે સશસ્ત્ર સ્થાનિક માણસો રાખ્યા, જે પાછળથી સંગઠિત માફિયામાં ફેરવાઈ ગયું. કોર્લિયોની એ સિસિલીનું એક નાનું શહેર છે જે માફિયા ઇતિહાસ માટે જાણીતું છે. વિશ્વપ્રસિદ્ધ નવલકથા અને ફિલ્મ ‘ધ ગોડફાધર’નું વીટો કોર્લિયોનીનું પાત્ર આ શહેરના નામ પરથી પ્રેરિત હતું. આ સિસિલીની રાજધાની પાલેર્મોએ લાંબા સમય સુધી માફિયા પ્રવૃત્તિઓ અને લોહિયાળ ગેંગ વોર નિહાળી છે. અહિં સિસિલીના માફિયા, માફિયા મ્યુઝિયમ કે સમૃદ્ધ ઇતિહાસ, અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય અને વિશિષ્ટ સંસ્કૃતિની બદલે અલગ જ વિષય છેડવો છે.
રાજધાની પાલેર્મોના કેપુચિન કાટાકોમ્બ્સ (Catacombe dei Cappuccini) વિશે જાણીએ. કેપુચિન કાટાકોમ્બ્સ ઊભી, બેઠેલી અને લટકાવેલી મમીફાઇડ લાશોના અનોખા અને વિશાળ પ્રદર્શન માટે પ્રખ્યાત છે. માનો યા ના માનો, આ કાટાકોમ્બ્સમાં લગભગ 1284 મમીફાઇડ અને હાડપિંજર જેવી હાલતમાં રહેલા મૃતદેહો સચવાયેલા છે. આમાંથી કેટલાકને તેમના શ્રેષ્ઠ કપડાં પહેરાવીને દીવાલો સાથે બાંધી દેવાયા છે કે ખાંચામાં ગોઠવીને રખાયા છે.
સ્વાભાવિકપણે કુતૂહલ થાય કે આમ કરવાનું કારણ શું? આની પાછળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સમજીએ. સોળમી સદીમાં પાલેર્મોના કેપુચિન મઠનું મૂળ કબ્રસ્તાન નાનું પડવા માંડ્યું હતું. આને લીધે સાધુઓ કેપુચિન મઠ નીચે ગુફાઓ ખોદવા લાગ્યા. 1599માં તેમણે પોતાના એક સાધુભાઈ સિલ્વેસ્ટ્રો ગુબ્બીઓનું મમીકરણ કર્યું અને તેને કાટાકોમ્બ્સમાં રાખ્યા.
અહિ મૃતદેહોને કાટાકોમ્બ્સમાં સિરામિક પાઈપોના રેક્સ પર સૂકવવામાં આવતા અને પછી ક્યારેક વિનેગરથી ધોવામાં આવતા હતા. કેટલાક મૃતદેહોનું એમ્બેલ્મિંગ કરવામાં આવ્યું હતું અને કેટલાકને સીલ કરેલા કાચના કેબિનેટમાં રાખવામાં આવ્યા હતા. સાધુઓને તેમના રોજ વપરાશના કપડાં સાથે જાળવી રાખવામાં આવ્યા હતા અને ક્યારેક તેઓએ પ્રાયશ્ર્ચિત માટે પહેરેલી દોરીઓ પણ સાથે રાખવામાં આવતી હતી.
પછીની સદીઓમાં કેપુચિન કાટાકોમ્બ્સમાં દફનાવવું મોભાનું પ્રતીક બની ગયું. સ્થાનિક પ્રતિષ્ઠિતજનો તો લોકો પોતાની વસીયતમાં ચોક્કસ કપડાંમાં જાળવી રાખવાની અથવા નિયમિત સમયાંતરે કપડાં બદલવાની લાગણી ને માગણી વ્યક્ત કરતા હતા. મર્યા બાદ પાદરીઓ પોતાના ધાર્મિક વસ્ત્રોમાં રહેતા, તો સામાન્ય લોકોને તત્કાલીન ફેશન અનુસાર વસ્ત્રો પહેરાવવામાં આવતા હતા. સગાઓ મૃતકો માટે પ્રાર્થના કરવા અને તેમના શરીરને યથાવત સ્થિતિમાં જાળવવા આવતા હતા.
મૃતકોના સગાઓ દ્વારા અપાતી દાનરાશિથી કાટાકોમ્બ્સનુ જાળવણી કરાતી હતી. અહિ લવાતા દરેક નવા મૃતદેહને પહેલા અસ્થાયી ખાંચામાં રાખવામાં આવતો અને પછી વધુ કાયમી સ્થળે ખસેડવામાં આવતો હતો. એમાંય જ્યાં સુધી ડોનેશન મળતું રહેતું, ત્યાં સુધી મૃતદેહ પોતાના યોગ્ય સ્થાને રહેતો હતો. જો સગાઓ પૈસા મોકલવાનું બંધ કરે, તો મૃતદેહને પથ્થરની અભેરાઈ પર મૂકી દેવામાં આવતો હતો.
1871માં બ્રધર રિકાર્ડો કાટાકોમ્બ્સમાં દફનાવાયેલા આખરી સાધુ હતા, પરંતુ એ પછી ય અહીં કેટલાક પ્રખ્યાત લોકોને અંતિમ વિરામ અપાયો હતો. 1880માં કાટાકોમ્બ્સ સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યા, છતાં પ્રવાસીઓ આવતા હતા. સત્તાવાર માહિતી મુજબ છેલ્લી દફનવિધિઓ 1920 અને 1930ના દાયકાની છે. એમાં નોંધપાત્ર અંતિમ દફનવિધિઓમાં લગભગ બે વર્ષની રોઝાલિયા લેમ્બાર્ડો હતી, જેનું શરીર આજે પણ આશ્ર્ચર્યજનક રીતે એવું ને એવું દેખાય છે. તેને પ્રો. આલ્ફ્રેડ સાલાફિલાએ કરેલી વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જાળવવામાં આવ્યું હતું. તેમની પ્રક્રિયામાં બેક્ટેરિયા મારવા માટે, શરીરને સૂકવવા માટે, વધુ સૂકાઈ ન જાય તે માટે, ફૂગ મારવા માટે અને સૌથી મહત્ત્વપૂર્ણ શરીરને કઠોરતા આપવા માટે વિવિધ દ્રવ્યો વપરાયા હતા. શરીરના વધુ વિઘટનને રોકવા માટે મમીને વધુ સૂકા સ્થળે ખસેડવામાં આવી અને કોફિનને સીલ કરેલા કાચના કવર અંદર મૂકવામાં આવ્યા હતા.
2011માં કરાયેલી છેલ્લી ગણતરી મુજબ, કાટાકોમ્બ્સમાં આશરે આઠ હજાર મૃતદેહ અને 1252 મમી છે જે દીવાલોની બાજુમાં ગોઠવાયેલા છે. અહિ હોલમાં વિવિધ શ્રેણી છે: પુરુષો, સ્ત્રીઓ, કુમારીઓ, બાળકો, પાદરીઓ, સાધુઓ અને વ્યાવસાયિક. અમુક મૃતદેહો અન્ય કરતાં વધુ સારી રીતે જાળવાયેલા છે. કેટલાકને ખાસ સ્થિતિમાં ગોઠવવામાં આવ્યા છે; ઉદાહરણ તરીકે, બે બાળકો એક સાથે રોકિંગ ચેર પર બેઠેલા છે. આ ઐતિહાસિક ધરોહરનું મહત્ત્વ સમજીને સિસિલીએ વૈજ્ઞાનિક સંશોધન માટે 2007માં એક પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આમાં મમીઓના અભ્યાસ કરવા સાથે મમીફાઇડ થયેલા લોકોની ઓળખાત્મક માહિતી તૈયાર કરવાનો ધ્યેય હતો. મમીઓના એક્સ-રે અને સી. ટી. સ્કેનથી તેમની ઉંમર અને લિંગ વિશે માહિતી મેળવી હતી.
કાટાકોમ્બ્સ જનતા માટે ખુલ્લાં છે પણ અંદર ફોટોગ્રાફી કરવા પર સત્તાવાર રીતે પ્રતિબંધ છે. પર્યટકો લાશોને સ્પર્શ ન કરે અથવા તેમની સાથે પોઝ ન આપે તે માટે લોખંડની જાળીઓ લગાવવામાં આવી છે. આમ છતાં, કેટલીક લાશોએ ફિલ્મો અને ટીવી શોમાં દેખા દીધી હતી.