Sat Mar 14 2026

Logo

ઇરાન વોર: ક્રૂડનો ઉછાળો બજારને પછાડશે નિફ્ટી માટે ૨૫,૦૦૦ની સપાટી નિર્ણાયક...

1 week ago
Author: Niilesh Vaghela
Article Image

AI Generated Images


નિલેશ વાઘેલા
શેરબજાર આર્ટિફિશિઅલ ઇન્ટેલિજેન્સના વાવાઝોડાના સંકટ સામે ઝઝૂમી રહ્યું હતું, ત્યાં અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને ઇરાન પર કરેલા અણધાર્યા હુમલાએ શેરબજારના માહોલને ખખડાવી નાંખ્યું છે. એઆઇ સંકટ પણ અમેરિકાથી આવ્યું અને યુદ્ધ પણ એ જ દેશ તરફથી આવ્યું છે. આમ અત્યારે તો અમેરિકા જ શેરબજાર માટે મોટું નકારાત્મક પરિબળ છે એમ કહી શકાય.

સોમવારે જ્યારે બજાર ખુલશે, ત્યારે નિફ્ટી અને સેન્સેક્સ બંને માટે ચોક્કસપણે મોટું ગેપ-ડાઉન ઓપનિંગ હશે. ટાર્ચિસ્ટો માને છે કે નિફ્ટી માટે ૨૫,૦૦૦ પોઇન્ટની સપાટી નિર્ણાયક છે, જો બેન્ચમાર્ક આ સપાટી તોડશે તો તેમાં વધુ ૩૦૦થી ૪૦૦ પોઇન્ટનો કડાકો આવી શકે છે. અખાતી દોશોના યુદ્ધને કારણે ભંડોમેનટલ્સ તો આમ પણ ખખડી ગયા છે.

હકીકતમાં, બજારને બે પ્રકારના સમાચાર પ્રવાહો સાથે તાલમેલ બેસાડવો પડશે. પ્રથમ, અલબત્ત, મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધ અને બીજું એ હકીકત છે કે યુરોપ અને યુએસમાં ખાનગી ક્રેડિટ માર્કેટ સાથે મુશ્કેલીનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે. ૨૭ ફેબ્રુઆરીએ નિફ્ટી ૧.૨૫ ટકા ઘટીને ૨૫,૧૭૮.૬૫ પર સ્થિર થયા પછી ભારતીય શેરબજારો સપ્તાહને અંતે નાજુક ટોન સાથે સ્થિર થવા મથછી રહ્યા હતા ત્યાં આ યુદ્ધને કારણે મંદીવાળા હાવી થઇ જાય એવો માહોલ રચાયો છે.

નિફ્ટીમાં સપ્તાહના અંતે ઇરાન પર યુએસ-ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ સાથે વધુ તીવ્ર વેચાણ દબાણની શક્યતા છે. ઇઝરાયલી અને અમેરિકાના ખાડી વિસ્તારમાં લક્ષ્યાંકો સામે ઇરાન દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલાએ ગ્લોબલ ઇંધણ બજારોમાં નાટ્યાત્મક ઊથલપાથલ મચાવી છે.

આઇટી અને રેટ-સંવેદનશીલ ક્ષેત્રોમાં સતત વેચવાલી, વિદેશી સંસ્થાકીય રોકાણકારોના અસંગત પ્રવાહ અને તાજેતરની લશ્કરી કાર્યવાહી પહેલાં પણ મધ્ય પૂર્વના તણાવ અંગે વધતી ચિંતાઓની પૃષ્ઠભૂમિ સામે શેરબજારમાં પાછલા સપ્તાહે ઘટાડો નોંધાયો હતો. હવે યુદ્ધની તીવ્રતાના વધારા સાથે ક્રૂડ તેલના ભાવના ઉછાળા અને ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન ખેલ વધુ બગાડશે.

ક્રૂડ ઓઇલ પહેલાથી જ ઘણા મહિનાના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટ જોખમમાં છે, બેન્ચમાર્ક ઇન્ડેક્સ હવે ભૂ-રાજકીય અનિશ્ર્ચિતતા, ફુગાવાના ભય અને જોખમ ટાળવાના મજબૂત મિશ્રણનો સામનો કરી રહ્યો છે, જે તેને ૨૫,૦૦૦ મનોવૈજ્ઞાનિક સ્તર અને તેનાથી આગળ ધકેલી શકે છે. બજાર વિશ્ર્લેષકો હવે મૂલ્યાંકન કરી રહ્યા છે કે ક્રૂડનો આંચકો ભારતીય ઇક્વિટીજારને કેટલો ગંભીર ફટકો મારશે!

ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે કરેકશન પહેલેથી જ સેટ થઇ ગયું છે. પાછલા શુક્રવારે નિફ્ટીએ ૨૫,૪૦૦ સપોર્ટ છોડી દીધો અને ૨૫,૧૦૦ ગેપ એરિયા તરફ આગળ વધ્યો. આગામી સત્રોમાં પ્રમાણમાં મજબૂત ક્ષેત્રો, ખાસ કરીને બેંકિંગ, કેવી રીતે વર્તે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તે નક્કી કરી શકે છે કે બજાર રિબાઉન્ડ જોશે કે ઘટાડાને લંબાવશે.

ફેબ્રુઆરી દરમિયાન, બજેટ અને ત્રીજી ફેબ્રુઆરીએ ભારત-યુએસ વેપાર સોદાની જાહેરાત જેવી ખૂબ જ અસરકારક ઘટનાઓ વચ્ચે અત્યંત ભારે અફડાતફડી અને ઊથલપાછલ જોઇ હતી. એક અન્ય ચાર્ટિસ્ટ અનુસાર વ્યાપક ચાર્ટ માળખું નકારાત્મક છે; આ નબળાઈ નિફ્ટી ઇન્ડેક્સ માટે ઉચ્ચ સ્તરો ટકાવી રાખવાનું મુશ્કેલ બનાવે છે. સોમવારેે ગ્લોબલ ઇક્વિટી બજારોમાં ઘમોટા કડાકાની ધારણા છે.

નિફ્ટી જો ૨૫,૦૦૦ સ્પોટ લેવલ તોડીને વધુ સમય નીચી સપાટીએ રહેશે તો તે ૨૪,૬૦૦ સુધી નીચે ગબડી શકે છે. નિફ્ટી તેના મહત્વપૂર્ણ ૨૦૦ ડીએમએથી નીચે સરકી ૨૫,૩૫૦ પર પહોંચ્યો છે, જે હવે તાત્કાલિક પ્રતિકાર ઝોન તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે. ઇન્ડેક્સ દૈનિક ચાર્ટ પર લોવર ટોપ અને લોવર બોટમની રચના દર્શાવવાનું ચાલુ રાખે છે, જે નબળા વલણને પ્રતિબિંબિત કરે છે.

મુખ્ય મનોવૈજ્ઞાનિક ટેકો હવે ૨૫,૦૦૦ના આંક પર જોવા મળી રહ્યો છે અને એકંદર માળખું સતત નબળાઈ તરફ નિર્દેશ કરે છે, જેમાં પુલબેક વેચાણ દબાણનો સામનો કરે તેવી શક્યતા છે. બ્રેન્ટ ક્રૂડ, જે શુક્રવારે તીવ્ર ઇન્ટ્રાડે રેલી પછી ૭૨થી ૭૩ પ્રતિ બેરલની નજીક બંધ થયું હતું, વિશ્ર્લેષકોએ ચેતવણી આપી છે કે તાત્કાલિક યુદ્ધ પ્રીમિયમ ભાવ ૮૦ અથવા તો ૮૩થી ૯૫ ડોલર સુધી લઈ જઈ શકે છે.

અમુક એનાલિસ્ટ તો માને છે કે, જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વિક્ષેપો ચાલુ રહે તો ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલર બોલાશે. ભારત આ મહત્વપૂર્ણ ચોકપોઇન્ટ દ્વારા તેના ક્રૂડનો લગભગ પચાસ ટકા હિસ્સો આયાત કરે છે, તેથી ઊંચા આયાત બિલ, ચાલુ ખાતાની ખાધમાં વધારો, રૂપિયાના અવમૂલ્યનનું જોખમ અને ફુગાવાના દબાણમાં વધારો સહિતના નકારાત્મક તાત્કાલિક પરિણામો માટે તૈયારી રાખવી પડશે.