થાણે: લશ્કરના નિવૃત્ત મેજરને કથિત હની-ટ્રેપમાં સપડાવ્યા પછી બોગસ ક્રિમિનલ કેસોમાં ફસાવવાની ધમકી આપીને તેના પરિવાર પાસેથી 20 લાખ રૂપિયા વસૂલનારી થાણેની મહિલા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
કાપૂરબાવડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 53 વર્ષના નિવૃત્ત મેજર ડૉક્ટર પણ છે અને હાલમાં રાજસ્થાનના ભિલવાડામાં રહે છે. ફરિયાદમાં તેણે આક્ષેપ કર્યો હતો કે થાણેના બાલકુમ પાડા ખાતે રહેતી મહિલા એપ્રિલ, 2024થી મે, 2026 દરમિયાનનાં બે વર્ષ સુધી બ્લૅકમેઈલ કરતી હતી.
મહિલાએ ‘હની-ટ્રેપ’માં ફસાવી ફરિયાદીની વાંધાજનક તસવીરો, વીડિયો અને ફોન રેકોર્ડિંગ્સ મેળવ્યાં હતાં. પછી મહિલાએ ફરિયાદી પાસેથી નાણાંની માગણી કરી હતી. આર્થિક માગણી પૂરી ન કરે તો ખોટા કેસમાં ફસાવવાની ધમકી તેણે આપી હતી.
મહિલાએ બળાત્કાર અને લગ્નનાં ખોટાં વચન આપવાનો ગુનો ફરિયાદી વિરુદ્ધ નોંધાવ્યો હતો, જેને પગલે ફરિયાદીની ધરપકડ પણ થઈ હતી. ફરિયાદી અદાલતી કસ્ટડીમાં હતો ત્યારે મહિલાએ તેના પરિવારજનોને ધમકાવીને 20 લાખ રૂપિયા પડાવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ ઉમેર્યું હતું કે મહિલાએ પછી વધુ 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. તેણે ભિલવાડા અને થાણેના વકીલો પાસેથી કાવતરું ઘડી ખંડણી વસૂલવા સંબંધી સલાહ પણ લીધી હતી. આ પ્રકરણે ફરિયાદને આધારે કાપૂરબાવડી પોલીસે મંગળવારે મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 308(2), 351(2) અને 248(બી) હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ ચાલુ હોવાથી ગુરુવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી, એવું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)