થાણે: થાણે જિલ્લામાં કોન્ટ્રેક્ટર પાસેથી 1.34 લાખ રૂપિયાની લાંચ માગવા બદલ પાલિકાના અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ જણાવ્યું હતું. એસીબીના મુંબઈ યુનિટે ગુરુવારે કુલગાંવ-બદલાપુર પાલિકાના ક્લાસ-1 ઓડિટ ઓફિસર વિકાસ ચવાણ (52) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદ અનુસાર રોડ ક્ધસ્ટ્રકશન કંપનીના પાલિકા દ્વારા ટેન્ડર મારફત 77 જેટલા વિકાસ કાર્યો આપવામાં આવ્યાં હતાં. આરોપી અધિકારીએ પૂર્ણ થયેલા કામ માટે 17.44 લાખ રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું હતું અને 4.99 લાખ રૂપિયાની સિક્યુરિટી ડિપોઝિટ પણ પરત કરી હતી. જોકે તેણે આ રકમના છ ટકા લાંચ તરીકે માગ્યા હતા, જે 1.34 લાખ રૂપિયા થાય છે. દરમિયાન કોન્ટ્રેક્ટરે આ પ્રકરણે ડિસેમ્બર, 2025માં એસીબીનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે તપાસ હાથ ધરાઇ હતી અને હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (પીટીઆઇ)