Fri Sep 04 2026

Logo

ઝબાન સંભાલ કે : કભી અકેલે મેં મેલા, કભી મેલે મેં અકેલા

2026-08-30 09:23:00
Author: Henry Shastri
ઝબાન સંભાલ કે : કભી અકેલે મેં મેલા, કભી મેલે મેં અકેલા

 

 

 

- હેન્રી શાસ્ત્રી

 

એકલો અને એકલતા ઉપરછલ્લી રીતે સમાન શબ્દો પ્રતીત થાય છે. બંનેમાં સાથનો અભાવ છે. એકલો કે એકલું એટલે સાથ કે મદદ વગરની વ્યક્તિ. ટ્રેન-બસની મુસાફરીમાં કોઈ સંગાથ ન હોય ત્યારે તમે શારીરિક સ્વરૂપે એકલા છો. પણ તમે ફોન પર પત્ની કે પરિવાર કે મિત્રો સાથે અલકમલકની વાતો કરો ત્યારે તમારી એકલતા દૂર થઈ જાય છે. એકલો એ શારીરિક અવસ્થા છે, જ્યારે એકલતા એ ચૈતસિક કે માનસિક અવસ્થા છે. એકલા માણસ માટે અલ્લાની ગાવડી એટલે કે ગરીબ લાચાર કે હોશ વગરનું માણસ, રાંક સ્વભાવની વ્યક્તિ એવો અર્થ પણ અભિપ્રેત છે. એકલતા માનસિક અવસ્થા છે. સાથી વિના એકલા પડી જવાથી ખિન્ન કે ગમગીન થયેલી વ્યક્તિની અવસ્થાની વાત છે. એક શારીરિક અને બીજી માનસિક.

 

ટાગોરની કવિતામાં ‘તારી હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે’માં કોઈ સાથ ન આપે તો એકલપંડે આગળ વધવાની વાત છે. ગુલઝારના ગીતમાં ‘એક અકેલા ઈસ શહર મેં, રાત મેં યા દોપહર મેં, આબ - ઓ - દાના ઢૂંઢતા હૈ, આશિયાના ઢૂંઢતા હૈ’માં માનસિક એકલતાની વાત છે. એકલતા એક હકીકત છે અને એ એક લાગણી પણ છે. નઝીર હૈદરબાદીનો સરસ મજાનો શેર છે કે ‘કભી અકેલે મેં મેલા તો કભી મેલે મેં અકેલા.’ માણસ ભીડમાં પણ ક્યારેક એકલતા અનુભવતો હોય છે. એકસાથે સંબંધ ધરાવતા ઘણા શબ્દો અસ્તિત્વ ધરાવે છે જેમાં એકલદોકલ શબ્દ હેરત પમાડનારો છે.

શબ્દકોશમાં એકલો, અટૂલો, સાથ, સોબત કે સંગાથ વિનાની વ્યક્તિ એવા અર્થ આપ્યા છે, તો પછી પ્રશ્ન એ થવો જોઈએ કે સાથે દોકલ શબ્દની હાજરી કેમ છે? જોકે, એકલદોકલનો એક અર્થ એકાદ સંગાથવાળું એવો પણ છે. મતલબ કે માત્ર બે જણ હોય ત્યારે એકલદોકલ શબ્દ વપરાયો હશે? છડેછડું શબ્દ પણ છે જેનો અર્થ કોઈના સાથ વિનાનું, એકલું, એકાકી એવો થાય છે. છડું એટલે એકલું, પોતાની જાત સિવાય બીજું કંઈ સાથે કે પાસે ન હોય એવું, સાથ વગરનું, પંડોપંડ એવા પણ અર્થ છે.

એકલદોકલનો અલ્લા બેલી જાણીતી કહેવત છે જેનો અર્થ થાય છે અનાથનો ધણી ઈશ્વર, જેને કોઈની મદદ નથી તેને ઈશ્વર મદદ કરે છે. સાથે સાથે સથવારા વિનાના મુસાફર માટે પણ ચેતવણી તરીકે આ વાક્ય બોલાતું હોય છે. આજે આ કહેવત પાછળની કથાનો આસ્વાદ લઈએ.

 

વાત સુરતની, મોજીલા સુરત શહેરની છે. સુરત શહેરનો ઇતિહાસ અને તેનો વ્યાપારિક તથા ખાણીપીણીનો શોખીન માહોલ લોકોને હંમેશાં આનંદપૂર્વક જીવવાની પ્રેરણા આપે છે. અહીંના લોકો પોતાના કામની સાથે-સાથે ખાવા-પીવા, ફરવા અને ઉત્સવોમાં દિલ ખોલીને ખર્ચ કરવા માટે જાણીતા છે, જેને લોકબોલીમાં સુરતી લાલા કે લહેરીલાલા તરીકે ઓળખવામાં આવે છે. એવા આ સુરતની નજીક કીમ નામનું ગામ આવેલું છે. અહીં રેલવે સ્ટેશન પણ હોવાથી અહીં અવરજવરમાં આસાની રહે છે. આપણે જે કહેવત કથાનકની વાત અહીં કરી છે એ ઘણા જૂના સમયની છે.

 

વર્ષો પહેલાં સડક માર્ગે આવરોજાવરો ઓછો રહેતો. એટલે એકલા જવાનું, એવી મુસાફરી કરવાનું ટાળવામાં આવતું. અત્યંત આવશ્યક હોય કે છૂટકો જ ન હોય ત્યારે જ આ વિકલ્પનો ઉપયોગ કરવામાં. અવાવરુ માર્ગને કારણે અહીં લૂંટફાટનો ડર પણ રહેતો. એક અવળા વિચારની આધેડ મહિલા અને તેમનો પુત્ર આ માર્ગ પર લોકોને છેતરી લૂંટફાટનો ધંધો ચલાવતા હતા. એ લોકોની યોજના સીધીસાદી પણ ચોક્કસ રહેતી. એ વિસ્તારમાં માનવ વસ્તી ન હોવાને કારણે સડકની બંને બાજુએ ઝાડી ઝાંખરાંનું પ્રમાણ વિશેષ હતું.

આધેડ સ્ત્રી સડકને એક કિનારે બેસી ભીખ માગે. એ સમયે એનો જુવાનજોધ, મજબૂત બાંધાનો દીકરો ઝાડીઝાંખરામાં હથિયાર હાથમાં રાખી સંતાઈને ઊભો રહેતો. કોઈ એકલદોકલ મુસાફર આવતો દેખાય અને એની પાસે રોકડા કે માલમતા છે એવું લાગે તો મહિલા જોરથી બોલતી કે ‘એકલદોકલ કા અલ્લાબેલી.’ આ સંકેત સમજી દીકરો હથિયાર ઉગામી બહાર નીકળી વટેમાર્ગુને લૂંટી લેતો. જો વધુ લોકો નજરે પડે તો આધેડ સ્ત્રી ‘હો ચાર કે સંગ’(વધુ લોકો છે) એમ બોલતી જે સાંભળી દીકરો ચેતી જતો કે અહીં ચેતીને ચાલવાનું છે. આના પરથી સથવારા વિનાના લોકો માટે ચેતવણી સ્વરૂપે આ વાક્ય બોલાતું આવ્યું છે.

 

ભાષા વૈભવ 

 

એક શબ્દ - અનેક સ્વરૂપ 

 

એક એકલો છે, પણ પહેલો સુધ્ધાં છે. એકલા લોકો ભેગા ચાલે એટલે બેકલા બને છે. કેટલાક ધોળા કપડાંવાળા ત્યાગી પાળાઓ એકલા ચાલતા નથી, બે અથવા બહુની સાથે જ ચાલે છે. તેને બેકલિયા પાળા કહે છે. મજાની વાત એ છે કે એકલો શબ્દ ભાષામાં જરાય એકલો નથી, કારણ કે એના સંગાથમાં અનેક છે. એકનો અંક, સંખ્યામાં પહેલું. અજોડ, અદ્વિતીય, અમુક, ચોક્કસ નહીં એવું, એકસરખું, સમાન, ભેદ વગરનું, એકમતનું, એકતાવાળું, સંપીલું, એકઠું જેવા વિવિધ અર્થ છે. ફકત, માત્ર જેવો ભાવ પણ દર્શાવે છે. સંખ્યાવાચક શબ્દને છેડે આવતાં ‘આશરે’, ‘શુમારે’ એવો અર્થ બતાવે છે. દાખલા તરીકે પાંચેક. એકે એટલે એકાદ. એકે હજારા શૌર્ય, હિંમત અને ઉત્કૃષ્ટતા દર્શાવવા માટે વપરાય છે.

બાકર બચ્ચા લાખ, લાખે બિચારા; પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા. બાકર બચ્ચા લાખ એટલે બકરાં કે ઘેટાંના લાખો બચ્ચાં ભેગા થાય તો પણ તે ભીરુ અથવા નિર્બળ ગણાય છે. લાખે બિચારા એટલે લાખોની સંખ્યા હોવા છતાં તેઓ સંકટ સમયે અસહાય અને લાચાર હોય છે. સિંહણ બચ્ચું એક, એકે હજારા એટલે સિંહણનું માત્ર એક જ બચ્ચું હજારો શત્રુઓ પર ભારે પડે તેવી તાકાત અને શૂરવીરતા ધરાવે છે. ટૂંકમાં દમ કે તાકાત ન હોય તો સંખ્યાનું કોઈ મૂલ્ય નથી હોતું. એક બહાદુર કે ગુણવાન વ્યક્તિ લાખો સામાન્ય કે ડરપોક લોકો કરતા ચડિયાતી હોય છે. એકેરી એટલે નોકરીમાં વાહન ન મળતું હોય એવા ઊતરતા દરજ્જાનું. એકેશ્વરવાદ એટલે ઈશ્વર એક જ હોવાનો સિદ્ધાંત.

એકેકાન એટલે એકાગ્ર ચિત્તે, ધ્યાનપૂર્વક એવો ભાવાર્થ છે. કવિ દલપતરામની એક શરણાઈવાળો રચના થોડામાં ઘણું સમજાવી જાય છે. એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખાણાયો છે; એકને જ જાચું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે; કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ, ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે; પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શી કારીગરી, સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. કવિ સુન્દરમની ‘એક કણ રે આપો’માં તત્ત્વજ્ઞાન ડોકિયાં કરે છે: એક આંગણું આપો,આખું આભ નહિ માગું,એક આંગણું આપો, મારા રાજ!આખાં રે બહ્માંડ મારાં એ રહ્યાં.