Thu Sep 03 2026

Logo

શું હવે સાચે જ તહેવારો પહેલાં જેવા નથી રહ્યા?

2026-08-30 09:12:00
Author: Jui Parth
શું હવે સાચે જ તહેવારો પહેલાં જેવા નથી રહ્યા?

 

જૂઈ પાર્થ

શ્રીલેખાબહેન રાખડીઓ ખરીદીને આવ્યાં. બહુ થાકી ગયા હતાં. વહુ પાસે પાણી માગ્યું અને કહ્યું કે ‘મોહનથાળ બનાવવાની તૈયારી કરો... દર વર્ષની જેમ આ વર્ષે પણ મામાને ઘેર જાતે જ બનાવેલી મીઠાઈ લઈ જઈશું.’ 

વહુએ સાસુની ઉંમર અને તબિયતની ચિંતા કરતાં કહ્યું કે ‘મમ્મી, આજકાલ તમને થાક વધારે લાગે છે. બહારથી મીઠાઈ લાવીએ તો તમને આરામ મળશે...’ શ્રીલેખા બહેનનો પિત્તો ગયો. વહુઓને કંઈ કરવું ના હોય એટલે બસ, બહારનું લાવીને મૂકી દેવાનું, હરવા ફરવામાં જીવ હોય, ઘરનું કામ જ નથી થતું વગેરે સાથે ઉમેર્યું કે તમે તો શું તહેવારો ઊજવો છો, અમારા જેવી મજા તો કોઈએ નહીં કરી હોય! વહુ સારા માટે કહેવા ગઈ ને સામેથી  બે શબ્દો સાંભળવા મળ્યા..
 
એ પણ સમજતી હતી કે સમય સાથે તહેવારોની ઉજવણીની રીત બદલાઈ ગઈ છે. એક સમય હતો જ્યારે દિવાળી, ઉત્તરાયણ, હોળી-ધુળેટી, જન્માષ્ટમી, શ્રાવણનાં વ્રત-તહેવારો અને નવરાત્રી માત્ર એક દિવસની ઉજવણી નહોતાં, પરંતુ અનેક દિવસો સુધી ચાલતી પરંપરા, પરિવાર, વ્રત-ઉપવાસ, રસોઈ, પૂજા, ભજન, રંગ, પતંગ અને સામૂહિક આનંદથી ભરપૂર જીવનશૈલી હતાં. આજે એ જ તહેવારોનું સ્વરૂપ ઘણું સંક્ષિપ્ત અને ઔપચારિક બની ગયું   છે. ઉજવણી તો છે, પણ પહેલાં જેવો ઉમંગ, સમય, પરંપરા અને સહિયારો અનુભવ જાણે ક્યાંક પાછળ રહી ગયો  છે.

અત્યારે ગમે તે કહો પણ દરેક તહેવારની ઉજવણીમાં ફેર તો પડ્યો જ છે. ક્યાંક ઉત્સાહમાં ઓટ તો ક્યાંક સમયનો અભાવ, ક્યાંક કામનો બોજ તો ક્યાંક માણસોની ખોટ, ક્યાંક  મનુષ્યનો સ્વાર્થ તો ક્યાંક કંટાળો કે આળસ. હાં, આ બધાં કારણોનું તારણ એક જ, તહેવારોનું બદલાતું જતું સ્વરૂપ અને એની પાછળનાં બદલાતાં રીતરિવાજ!

પરિવર્તન જીવનનો નિયમ છે તો રીતરિવાજ સમાજનો. જીવનમાં આવતાં પરિવર્તન સાથે રીતરિવાજમાં પરિવર્તન આવે તો જ સમાજ અને વ્યક્તિનું સંતુલન સધાય. તહેવારો પહેલાં જેવા નથી રહ્યા એવું દરેક પેઢી પોતાનું બાળપણ કે યૌવન યાદ કરીને કહે છે, કારણ કે આ બે જીવનની એટલી મહત્વની અવસ્થાઓ છે જેમાં તેમને જવાબદારી કરતાં તહેવાર માણવા પર વધુ ધ્યાન હોય. તહેવારના અનુસંધાનમાં પરિવર્તનની શરૂઆતથી અંત સુધીનાં પરિબળોનો વિચાર કરીએ. જેમકે...

શાળા, શિક્ષણ અને સંસ્કૃતિ

બાળકનો જનમ પછીનો સૌથી પહેલો સામાજિક સ્વતંત્ર વાર્તાલાપ એટલે શાળા. શિક્ષણ ઉપરાંત બીજું ઘણું બધું બાળક શાળામાંથી શીખે છે. પરિવાર પછી બાળકના મન પર સૌથી વધુ અસર હોય તો તે શાળાની છે. સમૂહમાં બાળક શિક્ષણની સાથે સંસ્કૃતિ પણ શીખે છે. તહેવારોની પાયાની સમજ બાળકને શાળામાંથી મળે છે જ્યાં તેમને તહેવારનું મહત્ત્વ, ઇતિહાસ, પ્રથા, પદ્ધતિ બધું જ શીખવવામાં આવે છે. અને માટે જ માતા-પિતાએ બાળકને શાળામાં પ્રવેશ અપાવતાં પહેલાં, શાળાની પસંદગી કરતાં પહેલાં શાળામાં કઈ સંસ્કૃતિને મહત્ત્વ આપવામાં આવે છે એ તપાસ કરતા હોય છે. અને જો પોતાને અનુકૂળ લાગે તો જ બાળકને એ શાળામાં ઍડ્મિશન લેતા હોય છે.

કૌટુંબિક વ્યવસ્થા

 ભારતનાં મુખ્યત્વે સંયુક્ત અને વિભક્ત એમ બે પ્રકારની કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. બંને વ્યવસ્થા પોતપોતાની રીતે સારી જ છે, પરંતુ બાળક તેમ જ મોટાઓનાં સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનો આધાર એની કુટુંબ વ્યવસ્થા પર પણ રહેલો છે. કૌટુંબિક પરંપરા, રિવાજો, તહેવારોની મહત્તા વગેરે વડીલો પાસેથી શીખવા મળે તો એ સંસ્કાર પેઢી દર પેઢી વારસા રૂપે વિસ્તરે છે.

વિચારધારા 

કોઈ પણ તહેવાર અને એની ઉજવણી જે તે વ્યક્તિની વિચારધારા પર આધારિત છે. કેટલાક લોકોને તહેવારો અને તેની સાથે સંકળાયેલી બધી બાબતોમાં રસ હોય છે અને માટે તેઓ તહેવારો સાથે સંકળાયેલાં તથ્યો અને માન્યતાઓ વિશે ઊંડો અભ્યાસ કરીને બધું જ જાણીને તહેવારો કેમ અને કેવી રીતે ઊજવવા તે નક્કી કરે છે. જ્યારે કેટલાક લોકો તહેવાર વિશે વધુ જોવા-જાણવાની જગ્યાએ મનમાં વિચારીને બેઠા હોય છે કે તહેવારો ઊજવવા કે નહીં.

સ્વીકૃતિ અને સંતુલન

 તહેવાર ઊજવવા કે નહીં, કેવી રીતે ઊજવવા એ અંગત બાબત છે. તેનાથી માણસ સારો કે ખોટો હોવાનો તાગ મેળવવો એ ખોટી વાત કહેવાય. સાથે સાથે તહેવાર રૂઢિચુસ્ત રીતે મનાવવા કે તેમાં આધુનિકતા ઉમેરવી, એ અંગે જક્કી વલણ રાખવું અયોગ્ય કહેવાય. હાલની પેઢીના કેટલાય યુવાનો સોશ્યલ મીડિયા અને તેની રીલ માટે પણ તહેવાર ઊજવતા હોય છે અને એ પણ એકદમ પારંપરિક ઢબે! હવે આને કઈ રીતે મૂલવી શકાય? યુવા વર્ગ તહેવાર ઊજવે છે એ બિરદાવવું કે તેની પાછળ રહેલું કારણ વખોડવું? સમય જતાં પેઢી બદલાય, એમનાં મન બદલાય, એમના અનુભવ, પરિસ્થિતિ બધું જ બદલાય તો તહેવારો ઊજવવાની રીત કેમ નહીં?! તહેવારો થકી સંસ્કૃતિ જીવંત રહે છે અને મહત્ત્વ કદાચ એનું જ છે. હવે તહેવારો પહેલાં જેવા નથી રહ્યા એ વાત મહદંશે સાચી લાગે છે, કારણ કે આપણે પરિવર્તનશીલ સમાજના લોકો છીએ. 

આ વિશે બોલો, તમે શું કહો છો?