Mon Sep 14 2026

Logo

કેનવાસ: રક્ષાસૂત્ર કે સર્વેલન્સ સિસ્ટમ? પહેરવેશના વિવાદો વચ્ચે ખોવાયેલો સંસ્કૃતિનો સાચો અર્થ

2026-08-30 09:36:00
Author: Abhimanyu Modi
કેનવાસ: રક્ષાસૂત્ર કે સર્વેલન્સ સિસ્ટમ? પહેરવેશના વિવાદો વચ્ચે ખોવાયેલો સંસ્કૃતિનો સાચો અર્થ

રક્ષાસૂત્ર કે સર્વેલન્સ સિસ્ટમ? પહેરવેશના વિવાદો વચ્ચે ખોવાયેલો સંસ્કૃતિનો સાચો અર્થ

કેનવાસ - અભિમન્યુ મોદી

ક્રિતિ સેનનની વિવાદાસ્પદ એડ

તાજેતરમાં રક્ષાબંધન  નિમિત્તે એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાત આવી, જેમાં અભિનેત્રી ક્રિતિ સેનન પોતાના ભાઈને અને ત્યારબાદ પોતાના પાળેલા શ્વાનને રાખડી બાંધે છે. આ જાહેરાત પ્રસારિત થતાં જ સોશિયલ મીડિયા પર ‘સંસ્કૃતિના રક્ષકો’ની ફોજ મેદાને પડી ગઈ. વિવાદ શ્વાનને રાખડી બાંધવાનો એટલો નહોતો, જેટલો અભિનેત્રીનાં વસ્ત્રોનો હતો. તેણે પહેરેલા આધુનિક બ્લાઉઝ અને તેના નેકલાઇનને જોઈને જાણે આખા દેશની સંસ્કૃતિ ખતરામાં આવી ગઈ હોય તેવો દેકારો મચ્યો. એવી દલીલો થઈ કે ‘આ તો હિન્દુ ધર્મનું અપમાન છે, રક્ષાબંધનની મજાક છે...’  

આપણને દેશની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ માટે ખરેખર આશ્ર્ચર્ય અને ચિંતા થાય કે જે સંસ્કૃતિ સદીઓનાં વિદેશી આક્રમણો, સામ્રાજ્યોના પતન, ગરીબી, ગુલામી અને વિભાજન પછી પણ અડીખમ રહી શકી એ હવે એક અભિનેત્રીના બ્લાઉઝના ત્રણ ઇંચ સામે હારી જશે? આપણી સંસ્કૃતિ આટલી નાજુક ક્યારથી થઈ ગઈ?

ઇતિહાસના પાનાઓ જરા ધ્યાનથી વાંચીએ તો સમજાશે કે પ્રાચીન ભારતમાં સ્ત્રીના શરીરને ક્યારેય છુપાવવા જેવી શરમજનક વસ્તુ કે પાપ માનવામાં આવ્યું જ નહોતું. ખજુરાહોનાં મંદિરોમાં કંડારાયેલી સુંદર સ્ત્રી-મૂર્તિઓ કે ચોલ સામ્રાજ્યના સમયની પાર્વતીની કાંસાની પ્રતિમાઓ જુઓ. આપણા શિલ્પીઓએ દેવત્વ રજૂ કરતી વખતે સ્ત્રીદેહને છુપાવ્યો નહોતો, બલ્કે તેના શારીરિક સૌંદર્યને જ દિવ્યતા અને પવિત્રતાનો એક ભાગ માન્યો હતો. આપણી સભ્યતાએ શૃંગારને નવ રસોમાં એક આગવું અને શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે. કામસૂત્ર જેવાં શાસ્ત્રો માત્ર વાસના માટે નહીં, પણ એક સુસંસ્કૃત જીવનશૈલીના ભાગ રૂપે રચાયા હતા. એક એવી સભ્યતા જે આકર્ષણ, સૌંદર્ય અને શારીરિકતાને આટલી બૌદ્ધિકતાથી પચાવી શકી હોય, તે સભ્યતાનો પાયો કોઈ સ્ત્રીના કપડાંની લંબાઈ પર ક્યારેય ટકેલો ન હોઈ શકે. આજે આપણે એવું વર્તી રહ્યા છીએ જાણે ભારતીય સંસ્કૃતિની શરૂઆત ‘વોટ્સએપ યુનિવર્સિટી’એ નક્કી કરેલા ડ્રેસ-કોડથી થઈ હોય!

સૌથી મોટી વક્રતા તો એ છે કે આજે જે સાડી, પેટીકોટ અને સિવેલા બ્લાઉઝને આપણે સનાતન ભારતીય વસ્ત્ર સમજી બેઠા છીએ તેનું આજનું સ્વરૂપ ઘણું પાછળથી ખાસ કરીને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિકસ્યું છે. પ્રાચીન કાળમાં છાતી ઢાંકવાના અનેક સ્થાનિક પ્રકાર હતા, પરંતુ સ્ત્રીના શરીરને લઈને જે અપરાધભાવ અને તેને પૂરેપૂરું ઢાંકી દેવાની જે આધુનિક ઘેલછા છે, તેનો સીધો સંબંધ બ્રિટિશ સમયની વિક્ટોરિયન નૈતિકતા સાથે છે. ક્યારેક આપણે જેને અત્યંત ગર્વથી સનાતન સંસ્કાર કહીને બચાવતા હોઈએ છીએ, તે હકીકતમાં વિક્ટોરિયન નૈતિકતાએ પહેરેલો કેસરી દુપટ્ટો માત્ર હોય છે!

હવે જાહેરાતના સૌંદર્યશાસ્ત્ર પર આવીએ. જો કોઈ એમ કહે કે, ‘રક્ષાબંધનની સવારના એક સામાન્ય પારિવારિક માહોલ માટે આ કપડાં બહુ ગ્લેમરસ કે અયોગ્ય લાગે છે’ તો તે એક સ્વીકાર્ય અને તાર્કિક દલીલ છે. એક જાહેરાત તરીકે તેના સ્ટાઇલિંગની ટીકા ચોક્કસ થઈ શકે. કોઈ એમ પણ કહી શકે કે ‘હું મારા પાળેલા કૂતરાને રાખડી ન બાંધું, પરંતુ મને આ આધુનિક સ્ટાઇલ નથી ગમતી.’ અને ‘આ સ્ત્રીએ ક્લીવેજ દેખાડીને ભારતીય સંસ્કૃતિનું અપમાન કર્યું છે’ આ બંને વાત વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. રક્ષાસૂત્ર તો ઇતિહાસમાં શચી દ્વારા ઇન્દ્રને, પુરોહિતો દ્વારા યજમાનોને અને વૃક્ષોને પણ બંધાયા છે, પરંપરા એ મ્યુઝિયમમાં ફોર્માલીનમાં સાચવી રાખેલું કોઈ   નિર્જીવ પ્રાણી નથી, તે સમય સાથે વિકસતી જીવંત નદી છે. સ્વાદ અને નૈતિકતા વચ્ચેની ભેદરેખા આપણે સાવ ભૂલી ગયા છીએ.

આ આખા વિવાદમાં સૌથી વિચિત્ર દલીલ એ હતી કે, ‘પોતાના ભાઈની સામે કોઈ બહેન આવાં વસ્ત્રો  કેવી રીતે પહેરી શકે?’ શું ભાઈ-બહેનના સંબંધની પવિત્રતા એટલી કાચ જેવી બરડ બટકણી છે કે બહેનના શરીરના થોડા ભાગ દેખાતા જ એ સંબંધનો અર્થ બદલાઈ જાય? પરિવાર એ એક એવી જગ્યા છે જ્યાં માણસ પોતાના શરીર અને અસ્તિત્વ સાથે સૌથી વધુ સહજ રહી શકે છે. ઘરમાં માતા સ્તનપાન કરાવતી હોય છે અને સ્ત્રી સહજ વસ્ત્રોમાં ફરતી હોય છે. બહેનનાં કપડાં જોઈને ભાઈના મનમાં કોઈ વિકૃતિ આવે એવી દલીલ કરવી એ તો પવિત્ર સંબંધમાં ખોડ કાઢવા સમાન છે.

હવે વિચારવા જેવી ફિલોસોફિકલ વક્રતા તો જુઓ! જે તહેવારનો મૂળ ઉદ્દેશ્ય ભાઈની હાજરીમાં બહેનને વધુ સુરક્ષિત મહેસૂસ કરાવવાનો હતો એ જ તહેવારના નામે આજે કેટલાક લોકો કહે છે કે ભાઈની હાજરીમાં બહેને પોતાના શરીર પર માપપટ્ટીથી ધ્યાન રાખવું જોઈએ. આપણે રક્ષાબંધનને બહેનની રક્ષા કરવાને બદલે, બહેનના શરીર પર નજર રાખતી એક સર્વેલન્સ સિસ્ટમ બનાવી દીધી છે! 

વિશાળ અને ગહન હિન્દુ સંસ્કૃતિને માત્ર ‘સ્ત્રીએ શરીર કેટલું ઢાંક્યું?’ એવા છીછરા પ્રશ્ન સુધી સંકોચી નાખવી એ જ અસલી સાંસ્કૃતિક પતન છે.