- આશુ પટેલ
શેખર સુમન - મનોજ બાજપેયી
‘શેખર સુમન ટૂનાઇટ’ શોમાં પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયીએ પોતાના સંઘર્ષની વાત કહી. એમાં એક જ દિવસમાં તેમણે કઈ રીતે ત્રણ રિજેક્શનનો સામનો કરવો પડ્યો એ વિશે કહ્યું હતું. એ વાત તેમના જ શબ્દોમાં મૂકું છું અને પછી તેમના જીવનની બીજી વાતો કરીએ...
મનોજ બાજપેયીએ શેખર સુમનને કહ્યું કે ‘એક વાર મારી પાસે ત્રણ કામ હતાં. એક સિરિયલમાં લીડ રોલ હતો, એક કૉર્પોરેટ ફિલ્મમાં લીડ રોલ હતો અને એક સિરિયલ શરૂ થવાની હતી જે હજી શરૂ થઈ નહોતી એમાં સેક્ધડ લીડ રોલ હતો. મને ત્રણેયમાંથી એક જ દિવસે કાઢી મુકાયો હતો. હું શૂટિંગ કરવા ગયો, પહેલો ટેક થયો અને અચાનક ડિરેક્ટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર એક રૂમમાં જતા રહ્યા. પછી ડિરેક્ટર નીકળ્યો અને તેણે કહ્યું કે ‘અહીં આવ.’ તે મને કૉસ્ચ્યુમ રૂમમાં લઈ ગયો અને કહ્યું, ‘કૅરૅક્ટરનાં કપડાં ઉતારીને તારાં કપડાં પહેરી લે.’ અને પછી કહ્યું કે ‘કંઈક બરાબર નથી લાગતું. બીજું કંઈ હશે તો તને કહીશું.’ મને આઘાત લાગ્યો. દાદર સ્ટેશન પાસે એ લોકેશન હતું. મેં મારાં કપડાં પહેર્યાં અને મારી બૅગ લીધી. હું જ્યારે નીકળતો હતો ત્યારે શૂટિંગ બંધ થઈ ગયું હતું. તો યુનિટના બધા સભ્યો બહાર હતા અને મારા બધા કો-ઍક્ટર્સ પણ બહાર હતા. બહુ અપમાનજનક સ્થિતિ હતી એ, પણ હું રોયો નહીં.
હવે આગળનો કિસ્સો કહું તો હું ટ્રેનમાં પાછો જતો હતો ત્યારે મારા દિમાગમાં આવ્યું કે યાર, પેલી કૉર્પોરેટ ફિલ્મ છે એનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હું જાઉં શૂટિંગમાં અને જોઉં કે શું થઈ રહ્યું છે?
હું ત્યાં ગયો તો મારા મિત્ર વિક્ટરે કહ્યું કે ‘તું અહીં કેમ?’
મેં કહ્યું કે ‘આવ્યો હતો કે શું કામ ચાલી રહ્યું છે. મારું કામ તો બે-ત્રણ દિવસ પછી છે.’
તેણે પૂછ્યું કે ‘તારુંં કેવું રહ્યું ત્યાં?’
મેં કહ્યું, ‘મને કાઢી મૂક્યો ત્યાંથી.’
તેણે કહ્યું, ‘શું વાત કરે છે?’
મેં કહ્યું, ‘અહીં તો ત્રણ દિવસ પછી છે ને મારું શૂટિંગ?’
તેણે કહ્યું, ‘યાર, ખબર નહીં. મારે બોલવું જોઈએ કે નહીં, પણ બીજા કોઈને લઈ લીધો છે. જો સામે પેલો છોકરો બેઠો છે એ કરે છે તારો રોલ, પણ તને કહ્યું નથી અમે.’
તેણે મને કહ્યું, ‘તું અહીંથી રૂમમાં જ
જઈશ ને?’
મેં કહ્યું, ‘હા.’
તેણે પૂછ્યું, ‘તું સુસાઇડ તો નહીં કરે ને?’
મેં કહ્યું, ‘ના.’
વિક્ટરે કહ્યું, ‘કરતો નહીં. હું દારૂ લઈને
આવું છું.’
ત્યાંથી નીકળ્યો અને ડીએન નગરની ચાલી હતી. નીચે પીસીઓવાળો (પબ્લિક ટેલિફોન બૂથવાળો) હતો. તો મેં વિચાર્યું કે વાત કરી લઉં જે ત્રીજી સિરિયલ થવાની છે એના માટે. મેં ડિરેક્ટરની ઑફિસમાં કૉલ કર્યો તો ત્યાંથી ડિરેકટરના આસિસ્ટન્ટે ફોન ઉઠાવ્યો અને કહ્યું કે ‘અત્યારે ડિરેક્ટર છે નહીં.’
મેં પૂછ્યું, ‘શૂટિંગ ક્યારથી પ્લાન થયું છે?’
તો તેણે કહ્યું કે ‘તને કહ્યું નથી? અમે તો ફલાણા ઍક્ટરને લઈ લીધો છે. ઠીક છે તારા માટે બીજું કશું કામ નીકળે તો જોઉં છું.’
તો એક જ દિવસમાં મને ત્રણેય કામમાંથી કાઢી મૂક્યો!’
અહીં શેખર સુમન સાથેની વાત પૂરી થઈ, માણસ મનથી હાર ન માને ત્યાં સુધી સફળ થવાની શક્યતા ખતમ થતી નથી એનો જીવતોજાગતો પુરાવો મનોજ બાજપેયી છે.
મનોજ બાજપેયીએ અત્યારે નામ અને દામ ખૂબ કમાયાં, પણ તેમણે વર્ષો સુધી ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જીવનના એક તબક્કે તો તે જીવન ટૂંકાવી દેવા માગતા હતા! તેમની મહત્ત્વાકાંક્ષા બોલિવૂડમાં અભિનેતા બનવાની હતી. એ પહેલાં દિલ્હીમાં નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, પણ તેમને નિષ્ફળતા મળી, બીજી વાર પણ એવું થયું અને ત્રીજી વાર પણ એવું જ થયું અને ચોથી વાર નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં રિજેક્ટ થયા પછી તેમની ધીરજ ખૂટી પડી અને તે હતાશામાં સરી પડ્યા. એ વખતે તેમને લાગતું હતું કે તેમના જીવનનો અંત આવી ગયો છે અને હવે તે ક્યારેય હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રસ્તો નહીં પકડી શકે.
હતાશાના એ દિવસોમાં મનોજ વાજપેયી આત્મહત્યા કરી લેવા માગતા હતા, પણ તેના મિત્રોએ તેને સાચવી લીધો. મનોજ વાજપેયીને તેના મિત્રો એકલા મૂકતા નહોતા અને બાજપેયી જે રૂમમાં ઊંઘતા ત્યાં તેમના ચાર-પાંચ મિત્રો પણ સૂતા હતા. બાજપેયી સતત હતાશામાં ડૂબેલા રહેતા હતા, પણ મિત્રોએ તેમને ટકાવી રાખ્યા. હતાશાના એ તબક્કામાં તેમને મિત્રોએ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા નહીં તો બીજે ક્યાંક અભિનયની તાલીમ મેળવવાની સલાહ આપી.
મિત્રોની સલાહથી મનોજે દિલ્હીમાં સંભવ થિયેટર ગ્રુપ જૉઇન કર્યું. થોડો સમય સંભવ થિયેટર ગ્રુપમાં પ્રવૃત્તિઓ કર્યા પછી કોઈએ તેમની ઓળખાણ બેરી જોન સાથે કરાવી અને તે બેરી જોન સાથે જોડાયા. બેરી જોનના જે ક્લાસમાં બાજપેયી હતા એ ક્લાસમાં ત્યારે શાહરુખ ખાન પણ હતા. તે બંને કલાસમેટ બન્યા ત્યારે તે બંનેમાંથી કોઈને કલ્પના નહોતી કે એક દિવસ તેઓ બોલિવૂડમાં આટલું નામ કમાશે. હા, બન્નેની મહત્ત્વાકાંક્ષા જબરદસ્ત હતી. મનોજને બેરી જોન સાથે સારું જામી ગયું. બેરી જોને મનોજમાં પ્રતિભા જોઈ અને તેને પોતાનાં નાટકોમાં અભિનય કરવા માટે અને સહાયક તરીકે મદદરૂપ થવા માટે 1800 રૂપિયાના પગારથી નોકરી આપી.
જોકે હજી તો તેમણે ઘણો સંઘર્ષ જોવાનો બાકી હતો.
બાજપેયીની જિંદગીના ઉતાર-ચડાવની વાત લાંબી છે એટલે આવતા રવિવારે પૂરી કરીએ.