- સંજય છેલ
ટાઇટલ્સ:
વાયરલમાં ‘વાણી’ને વિશ્રામ છે , કારણ કે હમણાં અવાજ બેસી ગયો છે. (છેલવાણી)
હમણાં એક વેબ સિરીઝ માટે નિર્માતાને મૌલિક વાર્તા સંભળાવી તો એણે બગાસું ખાઇને કહ્યું: ‘યાર, તમારી વાર્તાઓ બહુ નાજુક ને રમૂજી છે. ગુજરાતના અંડરવર્લ્ડની, માફિયાઓની ‘મિર્ઝાપુર’ જેવી હિંસા ગાળોવાળી નોવેલ શોધો ને એના પર જ વેબ સિરીઝ લખો પણ હા, એ પુસ્તકરૂપે છપાયેલ હોવી જોઇએ!’ હું તરત ગુજરાતી પુસ્તકોના પ્રકાશક વિક્રેતા પાસે ગયો એમણે વઢીને કહ્યું: ‘ચૂપ! ગુજરાતમાં કોઇ માફિયાઓ ક્રાઇમ નથી, બધા સારા સંસ્કારી લોકો વસે છે!’
મને થયું કે ચલો, હું જ કોઇ કાલ્પનિક ગુજરાતની માફિયા-કથા લખી મારું!... અને મેં રાતોરાત હિંસા, મારધાડ ગાળાગાળીવાળી 200 પાનાની નોવેલ ‘મહાત્માની માટીમાં મિર્ઝાપુર’ ઘસડી મારી.
એ ચાલુ નવલકથા પ્રકશકને દેખાડીને કહ્યું: ‘ચલો, આ છાપી નાખો.’ ઉપર ઉપરથી વાંચીને પ્રકાશકે કહ્યું, ‘અલ્યા, આવી ગંદી ભાષાવાળી બુક કોઇ ગુજરાતી ઘરે ના રાખે.’
‘સાદી સામાજિક નોવેલ ચાલે?’ મારાથી પુછાઇ ગયું.
‘સાદી તો આ પડી 100-200 સામાજિક.. બધાં સિરિયલોમાં એ જ જુએ છે!’ પ્રકાશકે કંટાળીને પૂછ્યું, ‘આયુર્વેદની ખબર છે?’
‘હા હા, મારી કોલેજ ગર્લફ્રેંડ સારી આયુર્વેદિક ડો. છે.’
‘એને મળો.’
‘એને કેમ? એ તો હવે પરણી ગઇ છે!’ હું મૂંઝાયો.
‘અરે, એની મદદથી આયુર્વેદ પર બૂક લખી નાખો, એમ! પ્રકાશક ભડક્યા.
મેં ભોળાભાવે પૂછ્યું: ‘કવિતાની બુક ચાલે?’
‘કવિતાઓ તો હવે કવિઓ પણ નથી વાંચતા.’
‘તો કેવી કિતાબ ચાલે?’ મેં નાછૂટકે પૂછ્યું.
‘અં... સુવિચારો કે પોઝિટિવ થિંકિંગવાળી લખી મારો.’ પ્રકાશકે 500 રૂ. એડવાંસમાં આપ્યા.
ઘણા દિવસે 500 રોકડા જોઇને કડકા લેખકના દિલદિમાગ ને બધેથી આપોઆપ વિચારો જ વિચારો સૂઝવા માંડ્યા. જેમ કે...
* જીવનમાં દુ:ખનાં ને સુખનાં, આંસુ ખારા જ હોય છે, ઈશ્વરને પણ એમાં વેરાયટી બનાવીને ટાઇમ વેસ્ટ કરવા જેવો ન લાગ્યો એટલે તમે પણ બંનેને સરખા માનો!
* સંબંધ એક એવો બંધ છે જેમાં પૂર આવે તોયે છલકાતો નથી!
* શાણો કવિ, મફતમાં કવિતા બોલતો નથી, અંબાણી કે ટાટા મફતમાં પોતાના શેર કોઈને આપે છે?
* વહેલી સવારનાં સપનાં સાચા પડતાં હોત તો આખી દુનિયા સવારે સૂતી હોત ને રાત્રે જાગતી હોત!
* કોયલનો ટહૂકો સાંભળીને તમને થાય કે કોયલનો ટહૂકો છે કે ઓડકાર? ત્યારે તરત પેટ ચેક કરાવવા જવું. (તમારું પેટ, કોયલનું નહીં!)
* ફિલ્મ બનાવવા કરતાં જોવી સેહલી છે, કારણકે ફિલ્મનું શૂટિંગ કરતી વખતે તમે પોપકોર્ન ના ખાઈ શકો, ફિલ્મ જોતી વખતે ચાલે.
* નવી હોલિવૂડની ફિલ્મ જોતાં પહેલાં જૂની અંગ્રેજી ડિક્શનેરી જોવી પડે તો સમજવું કે તમે રીવ્યૂ લખી શકો છો.
* લાંબું લખનારે પ્રેમપત્ર લખવામાં સંભાળવું! પત્ર વાંચનાર જો કંટાળી જશે તો તમને છોડીને પોતાનું ‘અનુસંધાન’ બીજા કોઈક સાથે જોડી દેશે.
* જિંદગી એક નાટક છે પણ એમાં ઇન્ટરવલ નથી હોતો, નહીંતર લોકો ઇન્ટરવલમાં જ ભાગી જાત!
ઇન્ટરવલ:
ઉપરોકત વિચાર વાંચ્યાને? તો બસ આજે...
* પ્રેમી કે કલાકાર હોવા માટે દુ:ખી થવાની જરાયે જરૂર નથી. તમે દુ:ખી હોવ તો સમ્માન મળે જ એવું જરૂરી નથી. દુ:ખી ‘દેવદાસ’ પર 12 વાર ફિલ્મ બની છે પણ મંદિર કે સ્મારક એકેય નથી.
* ગાળો બોલવામાં જ જો મર્દાનગી હોત તો છોકરીને મળ્યાં વિના જ ઘણા મવાલીઓને ઘરે બાળકો હોત !
* મૂર્ખ માણસની ટીકા કરવી નહીં, કારણકે એમ કરવાથી એ ખુદને ‘શાણો’ માનવા માટે ઉશ્કેરાશે અને જો એની પ્રશંસા કરશો તો એ તમારી બુદ્ધિ પર શંકા કરશે!
* મોબાઈલમાં જખજ પર કે ઈ-મેલમાં કે ફેસબુક-ટ્વિટર પર દુશ્મન દેશ પર નફરતના સંદેશા મોકલનાર લોકોને જો ફરજિયાત ફૌજમાં ભરતી કરવામાં આવે તો એમનાં 90% લોકો પોતાના ઘરની બોર્ડરની પણ બહાર ના નીકળે!!
* જેના પોતાનાં બંગલાઓ કોન્ક્રીટ અને ટાઈલ્સનાં બનેલાં હોય એ માણસ જ્યારે જંગલ-ખેતર-પ્રકૃતિ બચાવવાની વાતો કરે ત્યારે એવું લાગે કે દાઉદ જાણે ગાંધીજીને અનુસરે છે.
* ‘મૃત્યુ ઉત્સવ છે’ એ સાચું, પણ જો કોઈ બીમારીને ઉત્સવની જેમ મનાવે તો એનો અર્થ એ કે એની મેડિકલ પોલિસી સારી છે અથવા ફેમસ થવાની પોલિસી ખરાબ છે.
* પ્રેમ આંધળો નથી, મૂંગો કે બહેરો પણ નથી. સાચો પ્રેમ એકદમ તંદુરસ્ત હોય છે પણ એતો માત્ર શરૂ શરૂમાં! બીમારીઓ પરણ્યા પછીથી આવવા માંડે છે.
* તમારું બાળક ઉધ્ધત ને નફ્ફટ હોય તો ગભરાવું નહીં, મોટું થઈને એ અમેરિકાનો પ્રેસિડન્ટ બની શકે છે.
* બુદ્ધ, મહાવીર કે જિસસનાં મહાન વિચારોને વારંવાર બોલ્યાં લખ્યા કરવા કરતાં એમનાં મહાન મૌનને જો 5% પણ સમજી શકો તો જીવનની 95% સમસ્યાઓ દૂર થઇ જાય!
* બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં બે વાર તો સાચો સમય નક્કી દેખાડે, પણ તમારે બરોબર એજ વખતે ઘડિયાળ સામું જોવું પડે! એજ રીતે રાજકારણીઓ પણ ક્યારેક ભૂલથી સારી વાત કહી દેતાં હોય છે. છતાં પણ એમના પર ભરોસો નહીં કરવાનો...
* કહે છે કે જીવનમાં જે વસંત લાવી દે એજ સંત! પણ જીવનની વસંતમાં રોજ વસંત પંચમી લાવી દે એજ સાચો ‘પંચ’...અને પંચ એટલે ‘મુક્કો’ ને ‘રમૂજ’ બેઉ!!
ભૈ, હજી તો આટલાં સુવિચાર કે કુવિચાર સુઝ્યા છે. ‘પોઝિટિવ થિંકિંગ’ માટે બીજા 12 લાખ મળે તો કંઇક સૂઝે. મફતમાં કંઇ પોઝિટિવ ના થવાય.
એન્ડ ટાઇટલ્સ:
આદમ: પોઝિટિવ વિચારવાથી ફાયદો થાય?
ઇવ: કોને?