નિયમોના ઉલ્લંઘન અને ખોટા લેબલિંગ બાદ મહારાષ્ટ્ર એફડીએ દ્વારા સિપ્લા ફાર્માના સીએન્ડએફ યુનિટ સામે કડક પગલાં
મુંબઈ/પુણે: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ સિપ્લા ફાર્મા એન્ડ લાઇફ સાયન્સિસ લિમિટેડની પુણે સ્થિત કેરી એન્ડ ફોરવર્ડિંગ યુનિટનું દવા વેચાણ માટેનું લાયન્સ રદ કર્યું છે, જેમાં દવાઓના પેકેજિંગ, સંગ્રહ અને દવાઓ પરત મંગાવવામાં ગંભીર ગેરરીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એફડીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુણે જિલ્લાના વાડકી સ્થિત કંપનીના મુખ્ય વેરહાઉસના નિરીક્ષણ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી અને લાઇસન્સ રદ કરવાનો આદેશ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો. નિયમનકારે જણાવ્યું હતું કે યુનિટના નિરીક્ષણ દરમિયાન દવાઓ સીધી ફ્લોર પર રાખવામાં આવેલી મળી હતી અને એક્સપાયર્ડ દવાઓને હેન્ડલ કરવાની પ્રક્રિયાઓમાં પણ ખામીઓ જોવા મળી હતી.
આ વર્ષે જૂનની આસપાસ હાથ ધરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ જાણવા મળ્યું કે પ્રિસ્ક્રિપ્શન પર વેચાનારી દવા "રીએક્ટિન પ્લસ ટેબ્લેટ્સ"ના પેકેજિંગ પર તેને અનધિકૃત રીતે "એનાલ્જેસિક અને એન્ટિપ્રાયરેટિક" તરીકે લેબલ લગાવવામાં આવ્યું હતું. એફડીએ એ આ દવાનો 11.19 લાખ રૂપિયાનો સ્ટોક જપ્ત કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે આ પ્રકારનો પ્રચાર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને ડ્રગ્સ રૂલ્સ, 1945 ની જોગવાઈઓ વિરુદ્ધ છે.
આ પછી એફડીએ એ કંપનીને બજારમાંથી ખોટી રીતે લેબલવાળી રિએક્ટિન પ્લસ ટેબ્લેટ્સ પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, નિયમનકારના જણાવ્યા મુજબ, કંપનીએ આ સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કર્યું નથી. ત્યાર બાદ કરવામાં આવેલા નિરીક્ષણમાં સીએન્ડએફ યુનિટની દવા વેચાણ અને વિતરણ પ્રણાલીમાં સ્ટોરેજ ખામીઓ, ખરીદી અને વેચાણ રેકોર્ડ અને વાસ્તવિક કમ્પ્યુટરાઇઝ્ડ સ્ટોક ડેટા વચ્ચે વિસંગતતાઓ અને દવાઓ પરત લેવાની સૂચનાઓનું પાલન ન થયું હોવાનું બહાર આવ્યું. આ પછી એફડીએ એ લાયસન્સધારકને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી.
એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે વિભાગ દવાઓની સુરક્ષા અને જાહેર આરોગ્ય સંબંધિત બાબતોમાં ખાસ કરીને પ્રિસ્ક્રિપ્શન દવાઓના પ્રમોશન, વેચાણ, સંગ્રહ અને વિતરણમાં ઉદારતા દાખવશે નહીં. તેમણે કહ્યું કે જો દવાઓના ઉત્પાદન અને વિતરણમાં સામેલ કોઈ પણ એકમ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.