Mon Sep 07 2026

Logo

સર્જકના સથવારે: મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ

2026-08-30 09:14:00
Author: Ramesh Purohit
સર્જકના સથવારે: મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ

 

પ્રજ્ઞાવાન ગઝલકાર ઓજસ પાલનપુરી

- રમેશ પુરોહિત

ઓજસ પાલનપુરી

ગુજરાતી ગઝલના પાયા નાખવામાં સુરત-રાંદેરનું પ્રદાન અવિસ્મરણીય છે. એ જમાનામાં સુરત પ્રગણામાં માતબર શાયરો હતા તેથી સુરત ગુજરાતી ગઝલનું મક્કા ગણાતું. રોજી-રોટી માટે ગુજરાતના ઘણા શાયરો મુંબઈમાં આવ્યા અને શયદા સાહેબની નિગેહબાની હેઠળ એક સશક્ત ગ્રુપ તૈયાર થયું હતું. આ બે ઉપરાંત જ્યાં ઉર્દૂ અને ગુજરાતી ગઝલકારોનું પારણું રહ્યું છે તે છે ગુજરાતનું રત્નસમાન પાલનપુર શહેર.

સૌથી અગ્રગણ્ય શાયર છે શૂન્ય પાલનપુરી જેમણે ઉર્દૂમાં ગઝલ કહેવાની શરૂઆત કરી અને ઘાયલના આગ્રહથી ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. પછીના અનેક શાયરો બન્ને ભાષામાં ગઝલ કહેવા માટે જાણીતા હતા. ‘ઓજસ્’ના દાદા લાલમિયા ઉર્દૂ ભાષાના સિદ્ધહસ્ત શાયર હતા. આમાંથી ચાલો આજ આપણે ઓજસ્ની વાત કરીએ. તે પહેલાં પાલનપુરના ગઝલ રત્નોની એક આખી પેઢીને જાણી લઈએ. શૂન્ય અને સૈફ પછી આવે છે અમર-પાલનપુરી, મુસાફિર પાલનપુરી, પંથી પાલનપુરી, આતિશ પાલનપુરી, ‘શૈલ’ પાલનપુરી, ‘અગમ’ પાલનપુરી વગેરે.

‘ઓજસ્’ ગુજરાતી અને ઉર્દૂના ખૂબ જ ખ્યાતિપ્રાપ્ત ગઝલકાર હતા. પાલનપુરની પરંપરાગત સમૃદ્ધ ગઝલ સરિતા એકધારી ચાલતી રહી અને ઓજસ્ જેવા ઘણાં ગઝલકારો મળ્યા.

એ અર્થ ગાંભીર્ય, અધ્યાત્મના ઊંડાણ અને લાગણીશીલ ગઝલ માટે હંમેશાં યાદ રહેશે. માનવ અસ્તિત્વના અસ્થાયી અને ચંચળ તત્ત્વ ઉપરની એમના શેરો ‘યાવત્ ચંન્દ્ર દિવાકરો’ જેવા છે.

જન્મ સમયનું નામ હતું મોટામિયાં સૈયદ. એમનો જન્મ પાલનપુરમાં જુલાઈ 25, 1927મા થયો હતો. એમના માતા-પિતાનું નામ હતું અલીમિયાં અને હદતબીબી. પાલનપુરમાં નવાબી રાજ્ય હતું. ત્યારે એમના દાદા લાલમિયાં પ્રતિષ્ઠિત ઉર્દૂ શાયર હતા. ‘લાલ’ ઉપનામથી ગઝલો કહેતા હતા. આમ ઓજસ્ને ગઝલ વારસામાં મળી હતી.

‘ઓજસ્’ની રીતસરની શૈક્ષણિક કારકિર્દીની વાત કરીએ તો એમણે પ્રાથમિક શિક્ષણ કુમારશાળામાં લીધું હતું. ઉચ્ચ શિક્ષણ બહુ ઓછું હોવા છતાં પોતાની મહેનત અને ધગશથી આ કવિ ઉર્દૂ સાહિત્યના ઉચ્ચ કક્ષાના સ્કોલર થયા અને ક્લાસિકલ ગઝલમાં એમનું નામ અગ્રગણ્ય હતું. પોતાના સાહિત્ય અભ્યાસને આગળ રાખીને તેઓ પાલનપુરની બાજુમાં આવેલા લાલવાડી ગામમાં બાપદાદાની જમીન-જાયદાદ સંભાળતા હતા. તા. 4 ઑક્ટોબર, 1969ના રોજ સર્પદંશથી 42 વર્ષની વયે એમનું અવસાન થયું હતું.

એમના દાદાનો ઉર્દૂ ગઝલસંગ્રહ હ‘કુલ્લિયતેલાલ નામનો સંગ્રહ પ્રગટ થયેલ. ઓજસ ઉર્દૂમાં ‘ફરોગ’ (પ્રકાશ) પાલનપુરીના નામે તેઓ ઉર્દૂ ગઝલ લખતા. તેઓ શૂન્ય પાલનપુરીના શિષ્ય હતા એટલે જ અરૂઝના ચુસ્ત આગ્રહી હતા. તેમનો એક માત્ર ગુજરાતી ગઝલ સંચય ‘ઓજસ્’ મરણોત્તર પ્રકાશિત થયો હતો.

સદ્ભાગીના નસીબમાં અંધકાર કેમ હોય છે એ જાણવા માટે ‘ઓજસ્’ના શેરની ગૂંથણીને સમજવાની જરૂરત છે. આંગળી જળમાંથી નીકળતાં જગ્યા પુરાઈ જતા પોતાની હસ્તીનું ભાન કરાવતા, મરણની લાજ લૂંટીને અમર ન બનવા માગતા આ શાયર ભરજવાનીમાં આપણી વચ્ચેથી ચાલ્યા ન ગયા હોત તો ગુજરાતી ગઝલ વધારે શાનદાર બની હોત એવી નોંધ આપણા શાયર જલન માતરીએ કરી છે.

‘ઓજસ્’ પાલનપુરીના ચિરંજીવી શેરોમાંથી થોડાક શેરોને માણીએ જાણીએ:
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા 
પુરાઈ ગઈ
આગમન એનું સુણીને ઊર્મિઓ 
હરખાઈ ગઈ
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની 
ફેલાઈ ગઈ
*  *  *
અંતરમાં રાગ છે ને નયનમાં વિરાગ છે
‘ઓજસ્’ દોરંગી દુનિયા પ્રણયનો 
દિમાગ છે
*  *  *
મારી દશાની મારા ઉપર કંઈ અસર નથી
નિશ્ર્ચિંત છું હું જાણે કશીયે ફિકર નથી
દુનિયાથી હાથ ઉઠાવીને બેઠો છું આજકાલ
આવી શકે તો આવ, હવે કોઈ ડર નથી
*  *  *
પ્રભુના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
*  *  *
દિલના કિલ્લા સર કરે છે 
એનું કારણ એ જ છે
આંખનું પાણી છે ‘ઓજસ’ 
પ્રેમની તલવારમાં
*  *  *
જીવનભર જિંદગી વિષે અમોને કૈં 
ખબર ન્હોતી
મરણ ટાણે પડી સમજણ કે એ 
હેતુ વગર ન્હોતી
દિલાસા આપનારાઓએ મારું 
ધ્યાન દોર્યું છે
નહિતર હું દુ:ખી છું એની મુજને તો ખબર ન્હોતી.
*  *  *
જેમને શ્રદ્ધાની ઉપર સાચી શ્રદ્ધા હોય છે
જો ખરું પૂછો તો એ ડૂબી ગયેલા હોય છે
આસ્તિક વા નાસ્તિક હો કોઈ, સૌની જીભ પર
એક યા બીજા સ્વરૂપે તારી ચર્ચા હોય છે.
*  *  *
આપનારા એટલું આપ્યે ગયા,
મારે ખુદ કહેવું પડ્યું પાલવ છે તંગ!
કેમ ‘ઓજસ’ મોતથી ગભરાય છે
મોત પણ છે જિંદગીનું એક અંગ
*  *  *
ઉતાવળ એ જ કારણથી નથી કરતો હું દર્શનની
હકીકતથી વધુ સુંદર હકીકતમાં વિચારો છે
*  *  *
ચમક્યું છે એનું નામ અમારાથી વિશ્ર્વમાં
ઈશ્ર્વરના ભાગ્યની અમો રેખા બની ગયા
‘ઓજસ’ આ રીતે સાચવી લીધો અમે સંબંધ
એ તેજ થઈ ગયા, અમે છાયા બની ગયા
*  *  *
જો અશ્રુ સારવાં છે તો કોઈના 
જખ્મ પર સારો
છે શોભા એ જ ઝાકળની કે એ ફૂલો ઉપર વરસે.
ખાલી રહી શક્યું ન કોઈ પણ 
દશામાં દિલ
આશા ગઈ તો એમાં નિરાશા વસી ગઈ
આખું જીવન પરીક્ષા બનીને વહી ગયું
પરિણામ માટે એક કયામત રહી ગઈ.
*  *  *
ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે
માણસ એ વખતે સાચો કલાકાર હોય છે
એનો સિતારો એ વિના ચમકી શકે નહીં
સદ્ભાગીના નસીબમાં અંધકાર હોય છે.
*  *  *
સાગરને જઈ કહો કે હરીફાઈ તો કરે
હૈયું ય કોઈ વાર વલોવાઈ જાય છે
*  *  *
ઘર મહી ‘ઓજસ્’ વધારે રોશની 
સારી નહીં,
હોય જ્યાં દીવા ઘણાં, 
ત્યાં હોય પડછાયા ઘણા
*  *  *
પીને શરાબ ઊંઘો તો સ્વપ્નાં ય ના જુઓ
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની
*  *  *
જીવનથી એક વાર મુલાકાત થઈ શકે
મૃત્યુ વિષેની તો જ કોઈ વાત થઈ શકે
છે હાજરી જરૂર કોઈ એક પક્ષની
સંભવ નથી કે એ વિના પંચાત થઈ શકે.
*  *  *
મોતની મંઝિલ સુધી મુજ કલ્પના 
પહોંચી નહિ
મારે પોતાને જ છેવટ એ તરફ 
જાવું પડ્યું.