Mon Oct 05 2026

Logo

સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના, દંપતીએ લગ્નના એક વર્ષમાં જ આયખું ટૂંકાવ્યું

2026-04-06 14:31:00
Author: Mayur Patel
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના, દંપતીએ લગ્નના એક વર્ષમાં જ આયખું ટૂંકાવ્યું

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ડભોલી ગામના રાજપૂત ફળિયામાં રહેતા એક દંપતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ હતી. દંપતીના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા.  આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

કેવી રીતે ઘટના આવી સામે

24 વર્ષીય ભાવેશ ચુડાસમા અને 23 વર્ષીય તેજલ ચુડાસમાએ પોતાના ઘરના એક જ રૂમમાં સાથે મળીને આત્મહત્યા કરી લીધી હતી.  જ્યારે પરિવારના સભ્યોએ રૂમમાં બંનેના મૃતદેહ લટકતા જોયા ત્યારે આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી.

એક વર્ષ પહેલાં જ થયા હતા લગ્ન

ભાવેશ અને તેજલના લગ્ન હજુ ગયા વર્ષે જ ધામધૂમથી થયા હતા. લગ્નને માત્ર એક જ વર્ષ થયું હતું.  આસપાસના લોકોના જણાવ્યા મુજબ, દંપતી વચ્ચે કોઈ ઝઘડો કે અણબનાવ જેવું જણાતું નહોતું. તેઓ સુખી દેખાતા હતા. ઘટનાસ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી. આથી, આટલું મોટું પગલું ભરવા પાછળનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી.

ઘટનાની જાણ થતા જ સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી પુરાવા ભેગા કર્યા છે અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.  

ફેબ્રુઆરીમાં પણ બની હતી આવી ઘટના

ફેબ્રુઆરી 2026માં સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુંદ ખૈતાન નામની વ્યક્તિએ પરિવાર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. વૈભવ રુંગટા નામના શખસની ઉઘરાણીથી ત્રાસીને પરિવારે ઝેરી દવા પી લેતાં બાલમુકુંદ ખૈતાનનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું, જ્યારે પત્ની અને એક માસૂમ દીકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.