Wed Jul 22 2026

Logo

છ મહિનાના બાળકે પિતાની હત્યાનું ખુન્નસ મનમાં પાળ્યું અને 23 વર્ષે વેરની વસૂલાત કરી

2026-07-21 18:40:54
Author: Yogesh C. Patel
Article Image

પુણેની કાત્રજ ટનલ પાસે જામીન પર છૂટેલા આરોપીની નિર્દયતાથી કરાયેલી હત્યાના કેસમાં યુવક અને તેના મિત્રની ધરપકડ

પુણે: પુણેમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં છ મહિનાના બાળકે પિતાની હત્યાનું ખુન્નસ બે દાયકા સુધી મનમાં પાળ્યું અને છેક 23 વર્ષે પિતાના હત્યારાને પતાવી નાખી વેરની વસૂલાત કરી હતી. કાત્રજ ટનલ પાસે જામીન પર છૂટેલા આરોપીની નિર્દયતાથી કરાયેલી હત્યાની તપાસમાં સામે આવેલી આંચકાજનક માહિતી પછી પોલીસે યુવક અને તેના મિત્રને પકડી પાડ્યો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ બાબુરાવ કડુ-દેશમુખ (40)નો મૃતદેહ 11 જુલાઈએ ભોર તહેસીલમાં કાત્રજ ટનલ નજીકથી મળી આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બાબુરાવની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે રાજગડ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ હાથ ધરી હતી.

પુણે ગ્રામીણ પોલીસની એલસીબીના સિનિયર ઈન્સ્પેક્ટર પ્રમોદ ક્ષીરસાગરે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન મળેલા ટેક્નિકલ પુરાવાને આધારે પોલીસની ટીમ મંથન વૈદ્ય (24) અને સૌરભ પરદેશી સુધી પહોંચી હતી. શંકાને આધારે તાબામાં લેવાયેલા બન્ને યુવકે તેમના બે સાથી મિઝાન શેખ અને સંદીપ કોરીની મદદથી બાબુરાવની હત્યાની કબૂલાત કરી હતી.

હત્યાના હેતુની તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. બાબુરાવે 2003માં નજીવા વિવાદમાં મંથનના પિતા દિનેશ વૈદ્યની કથિત હત્યા કરી હતી. તે સમયે મંથન માત્ર છ મહિનાનો હતો.

કહેવાય છે કે મંથને તેના પિતાની હત્યાની વાતો સાંભળી હતી. પછી તે જેમ જેમ મોટો થતો ગયો તેના મનમાં પિતાના હત્યારા માટે વેરઝેર વધવા લાગ્યું. પરિણામે મંથને તેના મિત્ર અને સાથીઓની મદદથી બાબુરાવની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર ચેતન મંચલેએ જણાવ્યું હતું કે બાબુરાવની હત્યા થઈ ત્યારે તે અન્ય એક ક્રિમિનલ કેસમાં જામીન પર છૂટ્યો હતો. મંથન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

(પીટીઆઈ)