સોમનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ 'સોમનાથ અમૃત પર્વ-2026' નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે આવી રહ્યાં છે. જેને અનુલક્ષીને ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વડાપ્રધાનના રોડ-શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી સાગરદર્શન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હોવાની તસવીરો મીડિયામાં શેર થઈ છે.
સાગરદર્શન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી નાયબ મુખ્ય પ્રધાને વડાપ્રધાનના આગમન-પ્રસ્થાન માર્ગો, સભાસ્થળ અને રોડ શોના કાર્યક્રમ સ્થળે કરવામાં આવેલી સુવિધાઓ, પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
સમગ્ર મંદિર પરીસર સુધીના નિર્ધારિત રૂટનું પરિક્ષણ કરવામાં આવ્યું
નાયબ મુખ્ય પ્રધાને વિવિધ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ સહિત એકબીજા વિભાગના સંકલન સાથે કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય એ દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠક પહેલા હર્ષ સંઘવીએ વડાપ્રધાનના આગમન સ્થળ હેલિપેડ થી લઈ હમીરજી ગોહિલ સર્કલ સુધીના રોડ શો અને સમગ્ર મંદિર પરીસર સુધીના નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
સ્પ્રિંકલર્સ અને પાણી-છાશ સહિતની પૂરતી વ્યવસ્થા રહેશે
આ રોડ શોના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ માર્ગોની સુવિધાઓનું અવલોકન કરી સંબંધિત અધિકારીઓને બેરિકેડિંગ સહિતની વ્યવસ્થાઓ અંગે હર્ષ સંઘવી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અત્યારે ગરમીની ઋતુ હોવાથી વડાપ્રધાનના રોડ શો અને સભાસ્થળ ખાતે નાગરિકોને ગરમી ન થાય તે માટે સ્પ્રિંકલર્સ અને પાણી-છાશ સહિતની પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનો કર્યા હતાં.
આ બેઠકમાં કૃષિ પ્રધાન જીતુ વાઘાણી, શિક્ષણ પ્રધાન ડૉ. પ્રદ્યુમન વાજા, વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયા, ઉર્જા રાજ્ પ્રધાન કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને અનિરૂદ્ધ દવે સહિત પદાધિકારીઓ અને અગ્રસચિવ અશ્વિનીકુમાર સહિતના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.