Sat May 09 2026

Logo

રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઈવેના કામમાં ફરી વિલંબ, ખર્ચ વધીને 1500 કરોડે પહોંચ્યો

2026-05-09 16:07:10
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટથી જેતપુરને જોડતા સિક્સ લેન હાઈવેનું નિર્માણ કાર્ય હજુ પૂર્ણ થાય તેવા એંધાણ નથી, ફરી પ્રોજેક્ટની પૂર્ણ થવાની સમયમર્યાદા લંબાવવામાં આવી હોવાના અહેવાલ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, રાજકોટના કોરાટ ચોક પાસે નવા એલિવેટેડ ઓવરપાસની મંજૂરી મળતા અને આજી-ખોખળદડ નદી વચ્ચે કોર્પોરેશનની પાઈપલાઈન નડતરરૂપ બનતા બ્રિજની કામગીરીમાં વિલંબ થયો છે. આ ફેરફારોને કારણે પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1200 કરોડથી વધીને હવે 1500 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. નવી સમયમર્યાદા મુજબ, 28 ઓવરપાસ જાન્યુઆરી-2027 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે બાકીના બ્રિજ અને એલિવેટેડ ઓવરપાસ જૂન-2027 સુધીમાં તૈયાર થવાની શક્યતા છે. આ દરમિયાન, વાહનચાલકોની સુવિધા માટે આવતીકાલે 10 મેથી 31 મે સુધી ગોંડલથી પરત ફરતા માર્ગ પર ખોડિયાર હોટલથી કાંગસિયાળી રોડ સુધી 21 દિવસનું ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.

પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિની મળતી વિગતો અનુસાર, પીઠડીયા પાસે એક બ્રિજ શરૂ કરી દેવાયો છે અને બીજો 1 જૂનથી કાર્યરત થશે. વીરપુરમાં ત્રણેય બ્રિજ અને કાગવડ ખોડલધામ પાસે એક બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચરખડી અને ગોમટામાં પણ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે ચોરડી પાસેના બ્રિજનું કામ ચોમાસા બાદ હાથ ધરવામાં આવશે. આશાપુરા ચોકડી પાસે ચાલી રહેલું બ્રિજનું કામ સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં ભોજપરા, બીલીયાળા અને ભૂણાવા જેવા વિસ્તારોમાં બ્રિજની કામગીરી ચાલી રહી છે.

જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે બીજી તરફ, ટેકનિકલ અને વહીવટી મંજૂરીઓના કારણે કેટલાક કામો અટવાયા છે. જામવાડી અને ગોંડલ વચ્ચેના ચાર બ્રિજ પર કોન્ક્રીટ રોડ બનાવવાનો છે, પરંતુ ત્યાંથી પસાર થતી 'જેટકો'ની હાઈટેન્શન લાઈન માટે હજુ મંજૂરી મેળવવાની બાકી છે. આમ રાજકોટથી જૂનાગઢ, સોમનાથ અને પોરબંદર તરફ જતાં મુસાફરોને હાઈવેના સંપૂર્ણ લોકાર્પણ માટે વાહનચાલકોએ હજુ એક વર્ષથી વધુ સમયની રાહ જોવી પડશે.