Sat May 09 2026

Logo

ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા ઘટી, કૃષિ મજૂરોની સંખ્યા 68 લાખને પાર: કોંગ્રેસે ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી

2026-05-09 15:41:12
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશમાં ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યા એક ગંભીર મુદ્દો બની ચૂક્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના 2024ના અહેવાલને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2024માં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ 10,546 લોકોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 4633 ખેડૂતો અને 5913 ખેત મજૂરો છે. આ આંકડાઓ દર્શાવે છે કે દેશમાં દરરોજ સરેરાશ 28 લોકો અને દર કલાકે એક ખેડૂત કે મજૂર જીવન ટૂંકાવી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 54180  થી વધુ લોકોએ કૃષિ સંકટને કારણે જીવ ગુમાવ્યો હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

ગુજરાતની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "વિકસિત ગુજરાત" ના દાવાઓ વચ્ચે રાજ્યનો ખેડૂત દેવાના બોજ હેઠળ દબાયેલો છે. એનસીઆરબી 2023 ના આંકડા મુજબ ગુજરાતમાં 381 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારના કેસો સૌથી વધુ હતા. કોંગ્રેસે અનિયમિત વરસાદ, કપાસ અને મગફળીના પાકમાં નુકસાન, તેમજ પાક વીમાના ક્લેઈમમાં થતો વિલંબ ખેડૂતોની આત્મહત્યાનું મૂળ કારણ હોવાનું જણાવ્યું હતું. 

કોંગ્રેસે જણાવ્યું હતું કે, ખેતીમાં લાભ કરતાં નુકસાન વધી રહ્યું છે અને જેના કારણે ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે અને ખેત મજૂરોનો વર્ગ વધી રહ્યો છે. એનએસઓના સર્વેને ટાંકીને કોંગ્રેસે કહ્યું હતું કે ખેડૂતોની આવકમાં ખેતીનો હિસ્સો 2012-13 માં 49.7 ટકા હતો જે ઘટીને 37.7 ટકા થઈ ગયો છે, જ્યારે મજૂરી પર નિર્ભરતા વધી છે. ગુજરાતમાં 2001 માં 51.61 લાખ ખેત મજૂરો હતા જે વધીને 2011માં 68.39 લાખ થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.