Sat Sep 12 2026

Logo

વડોદરા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કારમાં આગ લાગતાં ચાલક જીવતો ભુંજાયો

2026-05-09 13:58:00
Author: Mayur Patel
વડોદરા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર  કારમાં આગ લાગતાં ચાલક જીવતો ભુંજાયો

વડોદરાઃ પાદરા પાસે આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે કરજણ તરફ જતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે ચાલકને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. ચાલક અંદર જ જીવતો ભુંજાઈ ગયો હતો.

પ્રાથમિક વિગતો મુજબ, પાદરાથી કરજણ તરફ જતા માર્ગ પર કારના ટાયરમાં ઓવરહિટિંગ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં આખું વાહન આગની ઝપેટમાં આવી ગયું હતું. કારમાં સવાર વ્યક્તિ પોતાની જાતને બચાવવા બહાર નીકળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, પરિણામે વ્યક્તિ અંદર જ બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગના વાસણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પાદરા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગ બુઝાયા બાદ, ફાયર ફાઈટરો અને પોલીસે ભારે જહેમત ઉઠાવીને મૃતદેહને કારમાંથી બહાર કાઢ્યો હતો.

પાદરા પોલીસે મૃતક વ્યક્તિ કોણ હતી તેની સચોટ ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા કારના નંબર અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.