Sun Sep 06 2026

Logo

સોમનાથમાં ઇતિહાસ રચાશે, પ્રથમ વાર શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરાશે

2026-05-09 17:57:04
Author: Chandrakant Kanoja
સોમનાથમાં ઇતિહાસ રચાશે, પ્રથમ વાર શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરાશે

ગાંધીનગર : દેશના પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા "સોમનાથ અમૃતપર્વ-2026 " ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. જેમાં પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પ્રથમવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.

મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે

"સોમનાથ અમૃતપર્વ 2026 "ના વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મી મેના રોજ સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન સવારે સોમનાથ  મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90  મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે. 

દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા

આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું હતું કે, પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે. જ્યાં મોટે ભાગે 10-12  વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.