Sat May 09 2026

Logo

પવિત્ર યાત્રાધામ સોમનાથ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર! રોજના 25 હજારથી વધુ ભાવિકો કરે છે જ્યોતિર્લિંગના દર્શન

2026-05-09 19:10:33
Author: Vimal Prajapati
Article Image

સોમનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે ભવ્ય ‘અમૃત મહોત્સવ' યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સોમનાથના આધુનિકરણના 75 વર્ષની વિકાસયાત્રામા છેલ્લા બે દાયકામાં સોમનાથ મંદિર સુવર્ણ યુગમાં પ્રવેશ્યું છે. પીએમ મોદી શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારથી સોમનાથના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.

ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોનું વર્ણન થાય ત્યારે સૌથી પહેલાં સોમનાથનો ઉલ્લેખ આવે છે. સોમનાથ મંદિરના દર્શનાર્થે રોજના 25 હજારથી વધુ ભાવિકો મળીને દર વર્ષે અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગના દર્શન કરે છે, જેના મૂળમાં સોમનાથ આવાગમન માટે રોડ રસ્તા, રેલ અને એર કનેક્ટિવિટી સાથોસાથ આધુનિક સુવિધાઓ જવાબદાર છે. અહીં આવતા દર્શનાર્થીઓને રહેવા જમવા માટે ઉત્તમ સુવિધાઓમા સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાગર દર્શન, અન્ય ભવનો તેમજ આધુનિક સર્કિટ હાઉસ રહેવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડે છે.

સોમનાથ યાત્રાધામના મુખ્ય આકર્ષણ

સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમા, તેમજ સમુદ્ર દર્શન પથ પર 202 મારુતિ હાટ ઉભી કરવામાં આવી છે. મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી સોમગંગા અભિષેક જલ ભાવિકોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે. સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને ઉત્સવોનું આકર્ષણ પણ રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો છે. 

સોમનાથ પહોંચવા આવાગમનની સુવિધા

સોમનાથની યાત્રા ભક્તો માટે વધુ સરળ અને આરામદાયક બને તે હેતુથી 828 કરોડના ખર્ચે જેતપુર–સોમનાથ ફોર લેન હાઇવેના કારણે યાત્રિકોને એક્સપ્રેસવેની સુવિધા મળી છે. સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના કારણે અમદાવાદથી સોમનાથની યાત્રા હવે વધુ ઝડપી અને સુલભ બની છે. આ ઉપરાંત કેશોદ ઍરપોર્ટ અને રાજકોટ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના નિર્માણ બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોમનાથ પહોંચવું સુલભ બન્યું છે.

આઇકોનિક સોમનાથની વેસ્ટમાંથી બેસ્ટ પહેલ

વર્ષ 2018માં ‘સ્વચ્છ આઇકોનિક પ્લેસ’ તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર સોમનાથ આજે ટકાઉ વિકાસ અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. વેસ્ટ સેગ્રિગેશન કેન્દ્રોમાં હવે મંદિરના ફૂલોને વર્મીકમ્પોસ્ટમાં રૂપાંતરિત કરીને તેનો ઉપયોગ 1700 બિલ્વ વૃક્ષોના સંવર્ધનમાં થાય છે. મિશન LiFE પહેલ હેઠળ પ્લાસ્ટિક કચરામાંથી દર મહિને પેવર બ્લોક્સ તૈયાર કરવામાં આવે છે. અહીં દર મહિને લગભગ 4700 પ્લાસ્ટિક-ફ્લાય ઍશ બ્લોક્સનું ઉત્પાદન કરવામાં આવશે,

પાણી શુદ્ધિકરણ અને જળસંચય સાથે નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં પહેલ

દરિયાના ખારા પાણી વિરુદ્ધ 62 લાખ રૂપિયાના ખર્ચે પુન:સ્થાપિત કરવામાં આવેલ છ વરસાદી પાણી સંગ્રહના કુવાઓ અને એક જળાશય દર મહિને લગભગ 30 લાખ લિટર ગટરના પાણીને શુદ્ધ કરે છે, જેનો ઉપયોગ વનીકરણ માટે થાય છે. 160 લાખના રોકાણ સાથે આઠ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટે કૃષિ અને લેન્ડસ્કેપ સિંચાઈ માટે 20.53 કરોડ લિટર પાણી ફિલ્ટર કર્યું છે.

72000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસિત 7200 વૃક્ષો ધરાવતું મિયાવાકી વન દરિયાઈ અને ખારા પવનો સામે રક્ષણ આપે છે. એટલું જ નહીં, ટ્રસ્ટ દ્વારા સેવાભાવે અભિષેક માટેનું પવિત્ર પાણી નવ સ્તરીય શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરીને ‘સોમગંગાજલ’ તરીકે ૧૫ રૂપિયામાં વિતરિત કરવામાં આવે છે. આ તમામ પ્રયાસો દ્વારા સોમનાથ નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ડિજિટલ માધ્યમથી દર્શન, પ્રસાદ, પૂજા-વિધિ બની સરળ

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી દેશ વિદેશના શ્રદ્ધાળુઓને લાઈવ દર્શન કરવા માટે અધતન ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થા ગોઠવી છે. યાત્રિકો ઘરે બેઠા પૂજા વિધિ નું રજીસ્ટ્રેશન, અતિથિ ગૃહ રૂમનું બુકિંગ, ડોનેશન, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક વિગેરે પૂજા વિધિ ઓનલાઇન બુક કરાવી શકશે. શ્રી સોમનાથની પ્રસાદી તેમજ શ્રી સોમનાથ મંદિરમાં પૂજા કરાયેલ ચાંદીના સિક્કા, શ્રી પાર્વતીમાતાને ચડાવેલ સાડી, મહાદેવને શૃંગાર કરેલ વસ્ત્રો તથા મંદિર પર ધ્વજા રોહણ કરાયેલ ધ્વજા પણ વસ્ત્ર પ્રસાદી રૂપે ઓનલાઇન મંગાવી શકશે તેમજ સ્નેહી સંબંધીને પણ મોકલાવી શકાશે. 

શ્રી સોમનાથના રોજેરોજના લાઈવ દર્શન, આરતી તેમજ સાઈટ સીન, પ્રવાસન સ્થળો, હેરીટેજ વોક, ટેમ્પલ વોકની પણ માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સોમનાથ માત્ર તેની દિવ્યતા, પવિત્રતા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની વિરાસતથી ઉપર ઉઠી આજે વૈશ્વિક પ્રવાસનધામ તરીકે આગવી ઓળખ ઉભી કરી છે.