Wed Sep 16 2026

Logo

ભારતની વિરાટ સિદ્ધિ: ‘અગ્નિ’ મિસાઈલનું સફળ પરીક્ષણ, હવે એકસાથે અનેક દુશ્મન ઠેકાણાઓનો થશે સફાયો

2026-05-09 19:43:03
Author: Vimal Prajapati
ભારતની વિરાટ સિદ્ધિ: ‘અગ્નિ’ મિસાઈલનું સફળ પરીક્ષણ, હવે એકસાથે અનેક દુશ્મન ઠેકાણાઓનો થશે સફાયો

નવી દિલ્હી: ભારતે સંરક્ષણ ક્ષેત્રે આજે એક નવો ઈતિહાસ રચી દીધો છે. ઓડિશાના ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ‘અગ્નિ’ (Agni) મિસાઈલના એક અત્યાધુનિક સંસ્કરણનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ એટલા માટે વિશેષ છે કારણ કે આ મિસાઈલ હવે MIRV (Multiple Independently Targetable Re-entry Vehicle) ટેકનોલોજીથી સજ્જ છે. ભારતની તાકાતમાં વધારો થયો છે.જે દુશ્મન દેશો માટે ચિંતાનો વિષય છે. 

શું છે MIRV ટેકનોલોજી?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ટેકનોલોજીના કારણે મિસાઈલ એક જ ઉડાનમાં એકસાથે અલગ-અલગ લોકેશન પર આવેલા અનેક દુશ્મન ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. એટલે કે, ભારત હવે એક જ મિસાઈલ છોડીને દુશ્મનના અનેક શહેરો કે સૈન્ય મથકોને એકસાથે તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે.

પરીક્ષણની ખાસિયતોની વાત કરવામાં આવે તો, હિંદ મહાસાગરમાં નક્કી કરેલા વિશાળ વિસ્તારમાં મિસાઈલે તેના તમામ લક્ષ્યોને 100% સચોટતા સાથે વીંધી નાખ્યા હતા. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા ભારતીય ઉદ્યોગોના સહયોગથી આ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે, જે ‘આત્મનિર્ભર ભારત’નું ઉત્તમ ઉદાહરણ છે. જમીન અને દરિયાઈ જહાજો પર તૈનાત સ્ટેશનોએ મિસાઈલની ગતિવિધિ પર નજર રાખી હતી, જેમાં તમામ ટેકનિકલ માપદંડો સફળ રહ્યા છે.

સંરક્ષણ મંત્રીએ પાઠવ્યા અભિનંદન

દેશની આ ઐતિહાસિક સિદ્ધિ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ ટેકનોલોજી ભારતની સામરિક શક્તિને નવી ઊંચાઈ આપશે અને રાષ્ટ્રીય સુરક્ષાને પહેલા કરતા વધુ મજબૂત બનાવશે. વધતા જતા વૈશ્વિક જોખમો વચ્ચે ભારત હવે એક શક્તિશાળી રક્ષક તરીકે ઉભરી આવ્યું છે.