Wed Jul 22 2026

Logo

રાહુલ ગાંધી અપરિપક્વ, તેમને અર્થતંત્રની સમજ નથી: પિયુષ ગોયલનો વળતો પ્રહાર

2026-02-14 16:45:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાપડ ઉદ્યોગ પરની ટિપ્પણીનો વળતો પ્રહાર કરતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે તેમને અપરિપક્વ ગણાવ્યા હતા. મુંબઈમાં કેન્દ્રીય બજેટ અંગે પત્રકારો સાથે વાત કરતા ગોયલે આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીને અર્થતંત્રની કોઈ સમજ નથી અને તેઓ માત્ર સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરવા માટે કોઈ મુદ્દા નથી, તેથી તેઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે પાયાવિહોણા દાવાઓ કરી રહ્યા છે.

ગોયલે ભારત-અમેરિકા વેપાર કરાર અંગે રાહુલ ગાંધીની ટીકાનો જવાબ આપતા જણાવ્યું હતું કે કાપડ ક્ષેત્ર દેશના નિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.  હાલ કાપડ નિકાસ અંદાજે રૂ. 3.60 લાખ કરોડ છે, જે આગામી સમયમાં બમણીથી વધુ થવાની શક્યતા છે. ભારતે જે મુક્ત વ્યાપાર કરારો કર્યા છે તેનાથી અમેરિકા જેવા મોટા બજારો ભારતીય ઉત્પાદનો માટે ખુલ્યા છે. અમેરિકા વાર્ષિક રૂ. 9 લાખ કરોડના કાપડ ઉત્પાદનોની ખરીદી કરે છે, જેનો સીધો ફાયદો હવે ભારતીય નિકાસકારોને મળશે.

વધુમાં ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા સાથેના કરારને કારણે ભારતીય માલ પરના ટેરિફ 50 ટકાથી ઘટીને 18 ટકા થઈ ગયા છે, જે ચીન, વિયેતનામ અને પાકિસ્તાન જેવા દેશો કરતા ઘણા ઓછા છે. કાપડ ઉદ્યોગમાં ભારતની ક્ષમતા અંગે તેમણે જણાવ્યું કે ભારતની કપાસની ખેતી અને જરૂરિયાત બંને વધવાની છે. કાચા માલની આયાત કરી તેને પ્રોસેસ કરીને નિકાસ કરવાની નીતિ વૈશ્વિક વેપારની જૂની પદ્ધતિ છે, જેનો લાભ હવે ભારતીય કામદારો અને ઉત્પાદકોને મળશે.

તેમણે ખાતરી આપી હતી કે અમેરિકાનું કપાસ ઉત્પાદન ભારતની જરૂરિયાતના 10 ટકા પણ નથી, તેથી તે ભારતીય કપાસ પકવતા ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડી શકે નહીં. ગોયલે ખેડૂતોને ઉત્પાદકતા વધારવા અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર અવિરત ગતિએ આગળ વધતું રહેશે. (એજન્સી)