Sun Mar 08 2026

Logo

ના, આ રીતે તો ભરોસો ન જ રખાય...

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

નીલા સંઘવી

આ કળિયુગમાં કોઈનો ભરોસો ન કરાય. કોઈની પર ભરોસો કરતા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ. ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે સગાં-વહાલાં, જાણીતા- ઓળખીતાનો ભરોસો કરી શકાય અને આપણે કરીએ પણ છીએ- પરિણામમાં ઘણીવાર પસ્તાવું પડે છે. આપણે ત્યાં એક કહેવત છે ‘પેટનો અને પિયરનો ભરોસો ન કરાય’ પેટ એટલે પોતાનાં સંતાનો. પિયર એટલે ભાઈ-બહેન. 

મુશ્કેલીમાં અટવાયેલી બહેનની સંપત્તિ ભાઈ હડપ કરી જાય તેવા કેસ તો કેટલાંયે બને છે. હિન્દી ફિલ્મોમાં પણ એવું બતાવવામાં આવે છે કે મામા ભાણેજની મિલકત પર કબજો કરી લે અને સંતાનો? દીકરો કે દીકરી માતા-પિતાની મિલકત પચાવી પાડે ને પછી તેમને ધક્કો મારી દે એવા બનાવ તો બનતા જ રહે છે. વૃદ્ધ ઉંમરે તમારી પાસે તમારી મૂડી હોય તેમાંથી જ જીવનનિર્વાહ કરવાનો હોય. તમે એ મૂડી પર વ્યાજ મળે એ આશયથી કોઈ પરિચિતને આપો અને મૂડી ખવાઈ જાય તેવું પણ બને. તેથી વૃદ્ધાવસ્થામાં પોતાના નિર્વાહ માટે રાખેલી રકમ પોસ્ટઑફિસમાં કે બેન્કમાં જ રાખવી હિતાવહ છે. ભલે વધારે વ્યાજની લાલચમાં ક્યાંય મૂડી જ ચવાઈ જાય.

ભરોસાની વાત કરું છું ત્યારે યાદ આવે છે સોશ્યલ મીડિયા પર વાંચેલી એક વાર્તા. ઘણાં વખત પહેલાં વાંચેલ આ વાર્તા યાદ આવી. તેને હું મારા શબ્દોમાં રજૂ કરી શકી, કારણ કે મને વાર્તાનો સાર યાદ છે.

ઘણાં વર્ષો પછી શરદ, વિક્રમ અને શીલા ત્રણેય ભાઈ-બહેન પોતાના ગામમાં આવ્યા. ત્રણેય દુબઈમાં સ્થાયી થયા હતા અને ઘણું કમાતા હતા. ગામમાં મા એકલી રહેતી હતી. ગરીબ માતાએ પોતાના પતિના મૃત્યુ બાદ પેટે પાટા બાંધીને ત્રણેય સંતાનને ઉછેર્યા-ભણાવ્યા-પરણાવ્યાં હતા. એ લોકોનું ગામમાં એક નાનકડું પણ પાક્કું મકાન હતું. મા તેમાં રહેતી હતી. મા અભણ અને ભોળી હતી. બધાં તેને ભગવાનનું માણસ કહેતા. 

ત્રણેય ભાઈ-બહેનને તક મળતા વારાફરતી દુબઈ સેટલ થઈ ગયા. મોટોભાઈ પહેલા ગયો પછી નાના ભાઈ અને બહેનના પરિવારને તેડાવી લીધાં. બધાં ભણેલા હોવાથી સારી નોકરી હતી. ત્રણેય સંતાન જાણતાં હતાં કે માએ કેટલો સંઘર્ષ કરીને, પારકા કામ કરીને તેમને ભણાવ્યા છે. બધાંને મા પર બહુ હેત. તેથી બે પાંદડે થતાં સૌ માને પૈસા મોકલવા લાગ્યા હતા. જ્યારે ત્રણેય સંતાન ગામમાં આવ્યા ત્યારે તેમના મનમાં હતું કે માએ તો પૈસા બચાવીને સારું મકાન બનાવી લીધું હશે. માની તબિયત સારી થઈ ગઈ હશે. સરસ મજાનાં વસ્ત્રો પહેરતી હશે. આવી બધી કલ્પના કરતા ત્રણેય ભાઈ-બહેન ગામમાં પહોંચ્યાં. 

માને મળવાની, માના પાલવમાં છુપાઈ જવા માટે ત્રણેય તરસતા હતા. ગામમાં જ્યાં તેમનું ઘર હતું ત્યાં ગયા તો નવાઈ પામી ગયા. ત્યાં તેમનું મકાન હતું જ નહીં. ત્રણેય ભાઈબહેન તો ડરી ગયા. મા ક્યાં ગઈ? થોડે દૂર રહેતા પડોશીને પૂછ્યું તો તેમણે આંગળી ચીંધીને થોડે દૂર એક ઝૂંપડું બતાવ્યું અને કહ્યું, ‘તમારી મા ત્યાં રહે છે. 

ત્રણેય ભાઈ-બહેન હાંફળાફાંફળા ઝૂંપડા પાસે પહોંચ્યા. ઝૂંપડીનો વાંસનો દરવાજો ઠેલીને અંદર ગયા તો જે દૃશ્ય જોયું તે જોઈને ત્રણેય ભાઈ-બહેનની આંખમાં આંસુ આવી ગયા. એક તૂટેલ ફૂટેલ ખાટલા પર ફાટેલી ગોદડી પર મા સૂતી સૂતી ખાંસતી હતી. તેનું શરીર સાવ લેવાઈ ગયું હતું. જાણે માત્ર હાડકાનું માળખું જ .... તેના સાડલામાં મોટા મોટા કાણા હતા. કેટલાયે દિવસથી કાંઈ ખાધું નહીં હોય તેવું લાગતું હતું. મોટા દીકરાએ બૂમ મારી, ‘મા’ માના ગળામાંથી માંડ અવાજ નીકળતો હતો. પૂછ્યું ‘કોણ?’

‘મા, જો અમે આવ્યા છીએ તારા ત્રણેય સંતાન.’
ત્રણેય ભાઈ-બહેને માને ટેકો આપીને ખાટલામાં બેઠી કરી. ત્રણેય માને ભેટી ભેટીને રડ્યાં . માને તો બોલવાની તાકાત ન હતી. એટલી બધી નબળાઈ હતી અને એટલી બઘવાઈ ગઈ હતી કે તેને કાંઈ ખબર જ ન પડી કે કોણ આવ્યું છે અને આ બધું શું છે? એટલે સૌથી પહેલા તેનાં સંતાનોએ તેને હોસ્પિટલમાં દાખલ કરીને ઈલાજ શરૂ કરાવ્યો. માને સારી રીતે જમાડી. મા માટે દૂધ અને ફ્રૂટની વ્યવસ્થા કરી. 

પછી ગામના લોકોને ભેગાં કરીને પૂછ્યું કે મારી માની હાલત આવી કેવી રીતે થઈ? તો ગામના લોકોએ કહ્યું, ‘તમે તો પરદેશ જઈ માને ભૂલી ગયા, મા બિચારી કેટલા ઢસરડા કરે?’ ત્રણેય ભાઈ-બહેન તો વિચારમાં પડ્યા આમ કેમ થયું? માના એકાઉન્ટમાં દર મહિને હજારો રૂપિયા જમા કરતા હતા, પણ મા ભણેલી ન હોવાથી માનો પૈસાનો અને બેન્કનો વ્યવહાર તેમના મામા સંભાળતા હતા. 

ત્રણેય તેના મામાને ઘરે પહોંચ્યા. મામાનું નાનું મકાન મોટું અને નવું થઈ ગયું હતું. કમ્પાઉન્ડમાં નવી કાર પાર્ક કરેલી હતી. મામા હિંડોળા ખાટે હિંચકાતા હતા. ત્રણેય ભાણેજને અચાનક આવેલા જોઈને મામા ડરી ગયા. માના અજ્ઞાનનો લાભ મામાએ લીધો. મા તો ફોન પણ વાપરતી ન હતી. તેથી તેના સંતાન મામા સાથે જ વાત કરતા. મામા દર વખતે કહેતા તારી મા મજામાં છે ને દર્શન કરવા ગઈ છે. મામાએ બહુ મોટો વિશ્વાસઘાત કર્યો હતો...

મોરલ ઑફ ધ સ્ટોરી - આ વાત કથા પરથી બોધપાઠ એ જ લેવાનો રહ્યો કે માતા-પિતાને કોઈના ભરોસે રાખશો નહીં અને રાખ્યા હોય તો સમયે સમયે તેમની સાથે ફોન પર વાત કરો અને વર્ષમાં એક-બે વાર માતા-પિતાની મુલાકાત અચૂક લો. ફક્ત પૈસા મોકલી દેવા પૂરતા નથી. એ પૈસાનો ઉપયોગ બરાબર થાય છે કે નહીં તે જાણવું પણ જરૂરી છે. પોતાના જન્મદાતાઓની આવી દેખરેખ રાખે તો જ જ કહરેઓ  સંતાન ધર્મ બજાવ્યો ગણાશે.