Thu Jul 23 2026

Logo

Mumbai Rain Updates: દાદર સ્ટેશન પર ટ્રેકમાં પાણીમાં ગરકાવ, સાયનમાં વાહનો ડૂબ્યા અને લોકલ ટ્રેનો 40 મિનિટ સુધી મોડી

2026-07-02 12:33:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈ:  મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદે મુંબઈગરાઓની કમર તોડી નાખી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા એલર્ટ વચ્ચે મુંબઈમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ મીમી કરતાં પણ વધુ વરસાદ ખાબકતાં મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ફરી એકવાર આકરી પરીક્ષા થઈ રહી છે. હવામાન વિભાગના મતે રવિવાર સુધીમાં વરસાદનો આંકડો ૨૦૦ મીમીને વટાવી શકે છે, જેને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર છે.

દાદર સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી
મધ્ય મુંબઈનું સૌથી વ્યસ્ત ગણાતું દાદર રેલવે સ્ટેશન વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. દાદર સ્ટેશનની બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, તો બીજી તરફ રેલવે ટ્રેક (પાટા) સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાટા પર પાણી ફરી વળતાં ટ્રેનોની ગતિ થંભી ગઈ છે.
મધ્ય રેલવે પર ટ્રેનો પોતાના નિયત સમય કરતાં 30થી 40 મિનિટ મોડી ચાલી રહી છે. પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ વિલંબથી દોડી રહી છે. હાર્બર લાઈન પર ટ્રેનો 5થી 10 મિનિટ મોડી ચાલી રહી છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે, 'પીક અવર્સ' એટલે કે સવારે ઓફિસે જવાના ધસારાના સમયે જ લોકલ સેવા ખોરવાતા નોકરિયાત વર્ગ અને સામાન્ય પ્રવાસીઓ સ્ટેશનો પર અટવાયા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

સાયન પ્રતીક્ષા નગરમાં જળબંબાકાર, અંધેરી સબવે બંધ
મુંબઈના સાયન વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા નગરથી અત્યંત ભયાવહ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનો અડધા ડૂબી ગયા છે. આ સિવાય, ભારે પાણી ભરાવાને કારણે અંધેરી સબવેને વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. દાદર, સાયન અને ગાંધી માર્કેટ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાતાં સેંકડો વાહનો ટ્રાફિકજામમાં ફસાયા છે.
 

પાલિકા એક્શન મોડમાં, મેયરની લોકોને અપીલ
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મુંબઈ મહાનગરપાલિકાની ટીમ ગ્રાઉન્ડ પર ઉતરી ગઈ છે અને પાણીના નિકાલ માટે હાઈ-પાવર પમ્પિંગ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી છે. સંભવિત જોખમોને પહોંચી વળવા માટે પાલિકાએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 196 જાહેર કર્યો છે. મુંબઈના મેયર રીતુ તાવડેએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, વરસાદનું જોર ખૂબ વધારે છે, તેથી ખૂબ જ જરૂરી કે કટોકટીનું કામ ન હોય ત્યાં સુધી નાગરિકોએ ઘરની બહાર નીકળવું નહીં અને પ્રશાસનને સહયોગ આપી સુરક્ષિત રહેવું.