વડોદરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓ વડોદરા અને નવસારીમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમને લઈ એમ એસ યુનિવર્સિટીના યુનિયન પેવેલિયન (સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ)ની ફાળવણી કરવામાં આવતાં ભારે વિવાદ સર્જાયો હતો.
યુનિવર્સિટી પ્રશાસનના આ નિર્ણય સામે સેનેટ સભ્ય કપિલ જોશીએ સખત વિરોધ નોંધાવીને તાત્કાલિક ધોરણે આ પરવાનગી રદ કરવાની માગ કરી હતી. આ ઉપરાંત, જો નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો વિદ્યાર્થીઓ અને 'જેન-ઝી'ને સાથે રાખી દિલ્હી સ્તરનું ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ગ્રાઉન્ડ માત્ર રમત-ગમત માટે જ ઉપયોગમાં લેવાશે
સેનેટ સભ્ય કપિલ જોશીએ સત્તાધીશો સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સિન્ડિકેટ બેઠકમાં સ્પષ્ટ ઠરાવ કરાયો હતો કે આ ગ્રાઉન્ડ માત્ર રમત-ગમત માટે જ ઉપયોગમાં લેવાશે. શહેરમાં નવલખી, લેપ્રસી કે પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા મેદાનો ઉપલબ્ધ હોવા છતાં નિયમોનો અનાદર કરીને આ મંજૂરી કઈ મજબૂરી હેઠળ આપવામાં આવી? આગામી સમયમાં ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધાઓ આવી રહી છે ત્યારે મેદાન બ્લોક થવાથી ખેલાડીઓની પ્રેક્ટિસ જોખમાશે.
ખેલાડીઓ ગંભીર ઈજાગ્રસ્ત
અગાઉ યોજાયેલા રાજકીય કાર્યક્રમોનો સંદર્ભ આપતાં તેમણે ઉમેર્યું હતું કે, વર્ષો પહેલાં આયોજિત કાર્યક્રમ બાદ મહિનાઓ સુધી ગ્રાઉન્ડમાંથી લોખંડના ખીલ્લા અને કાટમાળ મળ્યા હતા, જેના કારણે રમતી વખતે ખીલ્લા પગમાં ઘૂસી જતાં અનેક ખેલાડીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સત્તાધીશો રાજકીય લાભ ખાતર મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદર્શોને ધૂળમાં મેળવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આંદોલન કરવામાં આવશે
સેનેટ સભ્ય કપિલ જોશીએ આ મુદ્દે યુનિવર્સિટી પ્રશાસનને લેખિત આવેદન સોંપીને નિર્ણય તાત્કાલિક રદ કરવા માગ કરી હતી તેમ જ જો મંજૂરી પાછી નહીં ખેંચાય તો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.