Fri Sep 04 2026

Logo

માતા વૈષ્ણોદેવીના ભક્તો માટે ખુશખબર: દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેથી મુસાફરી અડધી થશે!

2026-09-01 19:03:36
Author: Mumbai Samachar Team
માતા વૈષ્ણોદેવીના ભક્તો માટે ખુશખબર: દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેથી મુસાફરી અડધી થશે!

મુસાફરીનો સમય 12 કલાકથી ઘટીને અડધો થશે, જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન અને આર્થિક વિકાસને મળશે વેગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

જમ્મુઃ માતા વૈષ્ણોદેવીના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વના સમાચાર મળ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા તૈયાર થઈ રહેલા દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેથી દિલ્હીથી કટરા સુધીની મુસાફરીનો સમય 12 કલાકથી ઘટીને માત્ર 6 કલાક થઈ જશે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ અંગે NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર ઈશ ગુપ્તાએ પ્રસ્તાવિત પ્રોજેક્ટની પ્રગતિ અને તેની મહત્વપૂર્ણ વિશેષતાઓ અને જમ્મુ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવામાં તેની ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપી હતી.

મુસાફરીનો સમય આશરે 12 કલાકથી ઘટીને 6 કલાક થશે

ઈશ ગુપ્તાએ જણાવ્યું હતું કે દિલ્હી-અમૃતસર-કટરા હાઇવે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દિલ્હીથી કટરા સુધીની મુસાફરી વધુ ઝડપી અને સુગમ બનશે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી દિલ્હીથી કટરા સુધીની મુસાફરીનો સમય આશરે 12 કલાકથી ઘટીને 6 કલાક થઈ શકશે, જેના પરિણામે પ્રવાસીઓ તેમ જ સ્થાનિક લોકોને નોંધપાત્ર લાભ મળશે.

NHAI અધિકારીઓએ  પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવી રહેલા હાઇવે, ટનલ અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે માહિતી આપી હતી. ચિનાની-નાશરી ટનલ (હાલની ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ)ના નિર્માણમાં ટેક્નોલોજી અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

મુલાકાત દરમિયાન ટનલના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલી આધુનિક એન્જિનિયરિંગ ટેક્નોલોજી, સુરક્ષા વ્યવસ્થા તથા માર્ગ પરિવહનને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવામાં તેની ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પ્રોજેક્ટના વિવિધ સ્થળોની મુલાકાત લઈ ચાલી રહેલા બાંધકામકાર્યોનું પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કર્યું હતું.

NHAIના અધિકારીઓએ પ્રોજેક્ટની સમયમર્યાદા, કનેક્ટિવિટી, મુસાફરીમાં થનારી સરળતા અને જમ્મુ-કાશ્મીરના આર્થિક તથા પ્રવાસન વિકાસ પર તેની સંભવિત અસર અંગે મહત્ત્વની ચર્ચા પણ કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં શિક્ષણ, સંશોધન, ટેક્નોલોજી અને આધુનિક પરિવહન માળખાના વિકાસની દિશામાં થઈ રહેલા પ્રયાસો તથા તેની સ્થાનિકસ્તરે થઈ રહેલી અસર અંગે વિગતવાર અધિકારીએ જણાવ્યું હતું.