Wed Sep 02 2026

Logo

મુંબઈ લોકલ ટ્રેનમાં 45 લાખ મુસાફરો ઘટ્યા: મેટ્રો અને AC લોકલની સ્પર્ધા વધી?

2026-09-01 19:18:46
Author: Mumbai Samachar Team
મુંબઈ લોકલ ટ્રેનમાં 45 લાખ મુસાફરો ઘટ્યા: મેટ્રો અને AC લોકલની સ્પર્ધા વધી?

એપ્રિલથી જૂન દરમિયાન નોન એસી લોકલના પ્રવાસીઓ ઘટ્યા, જ્યારે AC લોકલના પ્રવાસીઓ વધ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈની 'લાઈફલાઇન' ગણાતી ઉપનગરી લોકલ ટ્રેનના મુસાફરોની સંખ્યામાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલથી જૂન 2026 દરમિયાન મુંબઈની ઉપનગરીય રેલવેમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 44.65 લાખ મુસાફરો ઓછા નોંધાયા છે.

મુંબઈમાં કુલ મુસાફરોની સંખ્યા 26.04 કરોડથી ઘટીને 25.60 કરોડ થઈ છે, જે 1.71 ટકાનો ઘટાડો દર્શાવે છે. પશ્ચિમ રેલવેના આંતરિક વિશ્લેષણમાં આ ઘટાડા પાછળ મેટ્રો સાથેની વધતી સ્પર્ધાને પણ એક કારણ ગણાવવામાં આવ્યું છે, જોકે કેટલા મુસાફરો સીધા લોકલમાંથી મેટ્રો તરફ વળ્યા છે તે આંકડાઓ પરથી ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી.

પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન દ્વારા તૈયાર કરવામાં આવેલા આંતરિક વિશ્લેષણમાં એપ્રિલ-જૂન દરમિયાન સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ અને AC લોકલની જર્ની તથા સીઝન ટિકિટના વેચાણની સરખામણી કરવામાં આવી છે. 
સેકન્ડ ક્લાસ મુસાફરોની સંખ્યા 21.94 કરોડથી ઘટીને 21.28 કરોડ થઈ છે, એટલે કે તેમાં લગભગ 3 ટકાનો ઘટાડો થયો છે. ફર્સ્ટ ક્લાસમાં પણ 7.23 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને મુસાફરોની સંખ્યા 2.74 કરોડથી ઘટીને 2.54 કરોડ થઈ છે.

એસી લોકલ તરફ મુસાફરોનો વધતો ઝોક

એક તરફ સામાન્ય લોકલના મુસાફરો ઘટી રહ્યા છે, ત્યારે બીજી તરફ AC લોકલની મુસાફરીમાં નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલથી જૂન દરમિયાન AC લોકલના જર્ની અને સીઝન ટિકિટ મુસાફરોની સંખ્યા 1.37 કરોડથી વધીને 1.78 કરોડ થઈ છે. એટલે કે લગભગ 41 લાખનો વધારો અને લગભગ 30 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

જોકે, આ વધારાને સંપૂર્ણપણે નવા મુસાફરોનો વધારો માનવો યોગ્ય નથી. સેકન્ડ અથવા ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરોએ AC લોકલમાં અપગ્રેડ કર્યું હોઈ શકે છે. રેલવેના આંકડાઓમાં વ્યક્તિગત મુસાફરો એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં ગયા છે કે નહીં તેની અલગથી માહિતી ઉપલબ્ધ નથી.

મેટ્રો સાથે વધતી સ્પર્ધા

પશ્ચિમ રેલવેના આંતરિક વિશ્લેષણમાં મેટ્રો સેવાઓને પણ લોકલ મુસાફરોમાં ઘટાડાના એક કારણ તરીકે દર્શાવવામાં આવી છે. ખાસ કરીને બોરીવલી-દહિસર અને અંધેરી આસપાસના એવા રૂટમાં મેટ્રો અને લોકલ વચ્ચે સીધી કે આંશિક સ્પર્ધા ઊભી થઈ છે. વિશ્લેષણમાં જણાવ્યા મુજબ, બોરીવલી-દહિસર લોકલ રૂટના કેટલાક ભાગની સમાંતર ચાલતી યલો અને રેડ મેટ્રો લાઇને એપ્રિલથી જૂન દરમિયાન કુલ 2.26 કરોડ મુસાફરી નોંધાવી હતી. આ દરમિયાન સરેરાશ દૈનિક 2.48 લાખ રાઈડ્સ નોંધાઈ હતી. 

બીજી તરફ, અંધેરીથી કોલાબા તરફના માર્ગના કેટલાક ભાગ સાથે ઓવરલેપ થતી એક્વા લાઇને આ સમયગાળા દરમિયાન 1.65 કરોડ રાઇડ્સ નોંધાવી હતી, જેનો દૈનિક સરેરાશ આંકડો લગભગ 1.82 લાખ હતો. આ બંને મેટ્રો કોરિડોરે મળીને ત્રણ મહિનામાં કુલ 3.91 કરોડ રાઇડ્સ નોંધાવી હતી. જોકે, રેલવેના વિશ્લેષણમાં ઉપયોગમાં લેવાયેલા મેટ્રોના આંકડા મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે અને સત્તાવાર મેટ્રો ડેટા નથી. તેથી પશ્ચિમ રેલવેના આંતરિક આંકડાઓ સાથે તેની સીધી સરખામણી કરવી મુશ્કેલ છે.
 
ફર્સ્ટ ક્લાસની ટિકિટના વેચાણમાં અને સેકન્ડ ક્લાસની ટિકિટમાં ઘટાડો 

મેટ્રો કોરિડોરની નજીક આવેલા કેટલાક સ્ટેશનો પર લોકલ ટિકિટના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અંધેરીમાં ફર્સ્ટ ક્લાસ જર્ની ટિકિટના વેચાણમાં 15.02 ટકા અને સેકન્ડ ક્લાસ જર્ની ટિકિટમાં 6.51 ટકાનો ઘટાડો નોંધાયો છે. 
રેલવેના વિશ્લેષણ મુજબ, કોલાબા અને સિદ્ધિવિનાયક મંદિર તરફ જતા કેટલાક મુસાફરો એક્વા લાઇનનો ઉપયોગ કરી રહ્યા હોવાની શક્યતા છે. જોકે, ઉપલબ્ધ આંકડાઓ પરથી કેટલા લોકલ મુસાફરો ખરેખર મેટ્રો તરફ વળ્યા છે તે ચોક્કસ રીતે નક્કી કરી શકાય તેમ નથી.

મહાલક્ષ્મી, મરીન લાઇન્સ, અંધેરી, મીરા રોડ અને પ્રભાદેવી જેવા સ્ટેશનો પર પણ ફર્સ્ટ ક્લાસ જર્ની ટિકિટના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મહાલક્ષ્મીમાં 19.18 ટકા, મરીન લાઇન્સમાં 15.66 ટકા, અંધેરીમાં 15.02 ટકા, મીરા રોડમાં 13.32 ટકા અને પ્રભાદેવીમાં 12.26 ટકાનો ઘટાડો નોંધાયો છે. સીઝન ટિકિટમાં પણ મહાલક્ષ્મી અને પ્રભાદેવી ખાતે ઘટાડો જોવા મળ્યો છે. 

મહાલક્ષ્મીમાં ફર્સ્ટ ક્લાસ સીઝન ટિકિટના વેચાણમાં 28.17 ટકા અને પ્રભાદેવીમાં 27.72 ટકાનો ઘટાડો નોંધાયો છે. સેકન્ડ ક્લાસ જર્ની ટિકિટમાં પ્રભાદેવી ખાતે 23.02 ટકા અને મહાલક્ષ્મીમાં 19.46 ટકાનો ઘટાડો નોંધાયો છે. સેકન્ડ ક્લાસ સીઝન ટિકિટમાં પણ પ્રભાદેવી ખાતે 26.57 ટકા અને મહાલક્ષ્મીમાં 26.70 ટકાનો ઘટાડો થયો છે.

AC લોકલના મુસાફરોમાં કેટલાક સ્ટેશનો પર ભારે વૃદ્ધિ નોંધાઈ છે. લોઅર પરેલ ખાતે AC જર્ની ટિકિટમાં 175 ટકાનો વધારો થયો છે. ત્યારબાદ રામ મંદિર ખાતે 156 ટકા, ગોરેગાંવ ખાતે 127 ટકા અને ખાર રોડ ખાતે 115 ટકાનો વધારો નોંધાયો છે. 

ગોરેગાંવમાં AC સીઝન ટિકિટના વેચાણમાં પણ 164.50 ટકાનો જંગી વધારો થયો છે. આ આંકડા દર્શાવે છે કે આરામદાયક અને AC મુસાફરી તરફ મુંબઈના કેટલાક મુસાફરોનો ઝોક સતત વધી રહ્યો છે.