અમદાવાદઃ અમદાવાદમાં 10 વર્ષના છોકરાએ છોકરીને આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી આપી હતી. જેને લઈ શિક્ષકોએ ઢીબતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
શું છે સમગ્ર મામલો
અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી એક અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા એક છોકરાએ પોતાના જ ક્લાસની છોકરીને એક ચિઠ્ઠીમાં આઈ લવ યુ લખી આપ્યું હતું. આ ચિઠ્ઠી શિક્ષક પાસે પહોંચતા શિક્ષકે બાળકને ઠપકો આપ્યો હતો અને પ્રિન્સિપાલની ઓફિસમાં લઈ ગયા હતા. અહીં પ્રિન્સિપાલે પણ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો અને હાથમાં ફૂટપટ્ટી મારી હતી.
10 વર્ષનો છોકરો રામોલ ખાતે રહે છે. શાળા પ્રશાસને શિસ્તભંગ બદલ વિદ્યાર્થીને બોલાવીને કડક ભાષામાં ઠપકો આપ્યો હતો અને વાલીને બોલાવવાની ચીમકી આપી હતી. જેથી સ્કૂલેથી ઘરે જઈ તે રડવા લાગ્યો હતો અને માતા-પિતાએ કારણ પૂછતા તેણે હાથમાં માર્યું હોવાનું જણાવ્યું હતું. બાળકને હાથમાં લાગ્યું હોવાનું ધ્યાનમાં લઈ માતા-પિતા રામોલ પોલીસ સ્ટેશન ગયા હતા અને સ્કૂલે નાના બાળકને આ રીતે સજા આપી હોવાની ફરિયાદ કરી હતી.
પોલીસે જણાવ્યું કે, છોકરાએ ક્લાસમાં છોકરીની સામે આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી ફેંકી હતી. જે બાદ છોકરી રડતી હોવાથી સમગ્ર મામલો સામે આવ્યો હતો. તેમજ છોકરાને ઓફિસમાં લઇ જઇને ટેબલ પર માથું રખાવીને દંડાથી માર માર્યો હતો, ખરેખર સાચું શુ છે તે તપાસ બાદ જ સામે આવશે. પોલીસે સૂક્લના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.