Tue Sep 22 2026

Logo

બીએમસીમાં વર્ષોથી એક જ ડિપાર્ટમેન્ટમાં અડિંગો જમાવી બેસનારા એન્જિનિયરોની થશે ટ્રાન્સફર

2026-09-22 08:18:00
Author: Sapna Desai
બીએમસીમાં વર્ષોથી એક જ ડિપાર્ટમેન્ટમાં અડિંગો જમાવી બેસનારા એન્જિનિયરોની થશે ટ્રાન્સફર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં વર્ષોથી એક જ ડિપાર્ટમેન્ટમાં બેસી રહેલા અધિકારીઓની હવે બહુ જલદી ટ્રાન્સફર થવાની છે. પારદર્શક ઓનલાઈન પદ્ધતિએ એટલે કે કોમ્પ્યુટરાઈઝ, રેન્ડમાઈઝ્ડ સિસ્ટમ પર  જેમણે એક જ વિભાગમાં ત્રણ કે તેથી વધુ વર્ષ પૂર્ણ કર્યા છે, તેવા ૧,૬૦૦ થી વધુ એન્જિનિયરોની પોસ્ટિંગ પ્રક્રિયા કરવા માટે પાલિકાએ તૈયારી કરી લીધી  છે. આમાંથી ૮૩૬ ઍન્જિનિયરોએ ૨૦ સપ્ટેમ્બરની સમયમર્યાદા સુધીમાં તેમને ક્યાં ટ્રાન્સફર જોઈએ છે તે બાબતે પસંદગી પણ સબમિટ કરી હતી.

પાલિકાના નિયમ અનુસાર સંબધિત ડિપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષ અથવા તેનાથી  વધુ સમય સુધી કાર્યરત રહેલા કર્મચારીઓમાંથી કુલ કર્મચારીઓના  પચીસ ટકા કર્મચારીઓની દર વર્ષે પહેલી ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબરના સમયગાળામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પણ  પાલિકાના અનેક ડિપાર્ટમેન્ટમાં વર્ષો સુધી એક જ જગ્યાએ કામ કરનારા એન્જિનિયરો ઓનલાઈન બદલીને આગળ ઢકેલવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે ત્યારે પ્રશાસન હવે ઓનલાઈન પદ્ધતિએ આ એન્જિનિયરોની ટ્રાન્સફર કરવા મક્કમ બની છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ યાદીમાં ૪૮૫ જુનિયર એન્જિનિયર, ૧,૦૭૦ સબ-ઇજનેર અને ૧૪૦ આસિસ્ટન્ટ એન્જિનિયરનો સમાવેશ થાય છે. તેમને એક થી પાંચ પસંદગીઓ સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ટ્રાન્સફર, પ્રમોશન અને પોસ્ટિંગ ૧ થી ૧૫ ઓક્ટોબર વચ્ચે ઓનલાઈન પ્રક્રિયા કરવાનું સુનિશ્ર્ચિત કરવામાં આવ્યું હતું.

સિસ્ટમ પસંદગીઓની ચકાસણી કરશે, કાર્યકાળ અને વિભાગના ઇતિહાસની ચકાસણી કરશે અને ખાલી જગ્યાઓ અને માનવશક્તિની જરૂરિયાતોના આધારે પોસ્ટિંગ જનરેટ કરશે. તબીબી અથવા અપંગતાના આધારે ટ્રાન્સફર ઇચ્છતા લોકો ઑફલાઇન અરજી કરી શકે છે. ટ્રાન્સફર માટે લાયક એન્જિનિયરો જે તેમની પસંદગીઓ સબમિટ કરવામાં નિષ્ફળ જાય છે તો તેમને ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અને માનવશક્તિના આધારે આપમેળે પોસ્ટિંગ સોંપવામાં આવશે. 

મુંબઈ મહાનગરપાલિકાના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓની અછત વચ્ચે આ ફેરબદલનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  જુનિયર એન્જિનિયરની મંજુર કરાયેલી કુલ જગ્યામાંથી અડધી એટલે કે ૧,૨૦૦ માંથી ૬૦૦ જગ્યાઓ ખાલી છે. સબ-એન્જિનિયરની ૧,૯૦૦ જગ્યાઓમાંથી ૨૭૦ જગ્યાઓ ખાલી છે, જ્યારે ૫૯૦ આસિસ્ટન્ટ એન્જિનિયરની જગ્યાઓમાંથી ૧૯૫ જગ્યાઓ ખાલી છે.