Thu Oct 08 2026

Logo

કચ્છમાં ગ્લોબલ વોર્મિંગની અસર: ભુજમાં પારો ૩૯ પણ અનુભૂતિ ૪૪ ડિગ્રી જેવી, વાયરલ-ડેન્ગ્યુથી હોસ્પિટલો ઉભરાઈ

2026-09-22 11:04:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં ગ્લોબલ વોર્મિંગની અસર: ભુજમાં પારો ૩૯ પણ અનુભૂતિ ૪૪ ડિગ્રી જેવી, વાયરલ-ડેન્ગ્યુથી હોસ્પિટલો ઉભરાઈ

Ai Image


ભુજઃ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના ગંભીર દુષ્પરિણામો હવે સરહદી જિલ્લા કચ્છમાં પ્રત્યક્ષ રીતે અનુભવાઈ રહ્યા છે. ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે સામાન્ય રીતે અનુભવાતી 'સેકન્ડ સમર' એટલે કે ભાદરવા-ઓક્ટોબર મહિનાની આકરી ગરમીએ આ વખતે સીમા વટાવી દીધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન સિસ્ટમને પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અસામાન્ય રીતે વધી જતાં અને પવનની ગતિ મંદ પડી જતાં લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. જિલ્લા મથક ભુજ ખાતે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયું હતું, જ્યારે અન્ય મથકોએ પણ પારો ૩૬ થી ૩૮ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જોકે, ઊંચા ભેજને કારણે વાસ્તવિક ગરમીની અનુભૂતિ-હીટ ઇન્ડેક્સ ૪૨ થી ૪૪ ડિગ્રી જેટલી આકરી થઈ રહી હોવાનું હવામાન વિશ્લેષકો જણાવી રહ્યા છે.

વિદાય લેતા ચોમાસા વખતે ગરમીનો પ્રકોપ

ભારત જેવા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વિદાય લેતા ચોમાસા વખતે ગરમીનો પ્રકોપ જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય લંબાઈ જતાં પરિસ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ધીમી વિદાય દરમિયાન વધતો તાપ અને અસહ્ય ભેજ હવે જાહેર આરોગ્ય માટે સીધું જોખમ બની ચૂક્યો છે. 'ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ' દ્વારા અગાઉ જ ચેતવણી આપવામાં આવી છે કે, વૈશ્વિક તાપમાન વધારાને લીધે આવી આકરી ગરમીની તીવ્રતા અને સમયગાળો સતત લંબાતો રહેશે, જે માનવ શરીરની કુદરતી સહનશક્તિની મર્યાદા વટાવી શકે છે.

હવામાં પ્રદૂષકો ભળતાં રચાયું ટોક્સિક કોકટેલ

અસામાન્ય ઉષ્ણતામાન, વાતાવરણમાં ભારે ભેજ અને મંદ પવનના કારણે સમગ્ર પંથકમાં ગૂંગળામણભરી સ્થિતિ સર્જાઈ છે. ઊંચા તાપમાન સાથે હવામાં રહેલા પ્રદૂષકો ભળતાં એક પ્રકારનું ‘ટોક્સિક કોકટેલ’ રચાયું છે, જે માનવ શ્વસનતંત્ર પર ઘાતક અસર કરી રહ્યું છે. અસહ્ય બફારાના પગલે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે, જેને પરિણામે કચ્છ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરનાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

હાલ નવરાત્રી પૂર્વે જ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, શ્વાસ લેવામાં તકલીફ તેમજ વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ખાસ કરીને નાના બાળકો અને વડીલો તાવના કારણે ખાટલાવશ થઈ રહ્યા છે. તબીબોએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, આ પ્રકારની આકરી ગરમી ડીહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક જેવી હેલ્થ ક્રાઈસિસ નોતરી શકે છે. આથી બિનજરૂરી તડકામાં નીકળવાનું ટાળવું, ભરપૂર પ્રવાહી પીવું અને કોઈપણ પ્રકારના તાવ કે શ્વાસની તકલીફમાં તાત્કાલિક યોગ્ય તબીબી સારવાર લેવી હિતાવહ છે.

(ઉત્સવ વૈદ્ય)