Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં જમીન દલાલ તરીકે કામ કરનારો હત્યારો નિકળ્યો, કઈ રીતે ઝડપાયો ?

2026-09-22 11:25:00
Author: Mayur Patel
અમદાવાદમાં જમીન દલાલ તરીકે કામ કરનારો હત્યારો નિકળ્યો, કઈ રીતે ઝડપાયો ?

અમદાવાદ: અમદાવાદમાં જમીન દલાલ તરીકે કામ કરનારો હત્યારો નિકળ્યો હતો.  વર્ષ 2002માં કૌટુંબિક મિલકતના વિવાદમાં હત્યા કરી તેને અકસ્માતમાં ખપાવવાના ગુનામાં આરોપી છેલ્લા 24 વર્ષથી નાસતો ફરતો હતો. આરોપી દિનેશ દેસાઈ છેલ્લા 24 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળે રહેતો હતો. જોકે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

શું છે સમગ્ર મામલો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને  બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડુંગળી ગામમાં વર્ષ 2002માં થયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહે છે. બાતમીના આધારે તપાસ કરતાં આરોપી દિનેશ દેસાઈ ઝડપાયો હતો.

 હત્યાના બનાવને અકસ્માતનો રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો


પોલીસ તપાસ અને તેની પૂછપરછમાં એવી વિગતો સામે આવી હતી કે વર્ષ 2002માં દિનેશ દેસાઈ અને તેના સાગરીતોએ વારસાઈ મિલકતની બબાલમાં દલારામ નાઈની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. દિનેશના પૈતૃક ભાઈ રમેશ નાઈ સાથે કૌટુંબિક મિલકતને લઈને અદાવત ચાલી રહી હતી. આ અદાવતના કારણે દલારામ નાઈની હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દલારામ નાઈ મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ ટાટા સુમો કારથી પાછળથી તેમની મોટરસાઇકલને ટક્કર મારી હતી. ગંભીર ઇજાઓને કારણે દલારામ નાઈનું મોત થયું હતું. ત્યારબાદ હત્યાના બનાવને અકસ્માતનો રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઓળખ છુપાવીને રહેતો હતો

હત્યાની ઘટના બાદ દિનેશ દેસાઈ પોતાના વતન કાંકરેજ, બનાસકાંઠા ખાતે પરત ફર્યો હતો. જોકે, પોલીસ તેની શોધમાં ઘરે પહોંચતાં તે ત્યાંથી ભાગીને અમદાવાદ આવી ગયો હતો. ત્યારબાદ તેણે પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળે વસવાટ શરૂ કર્યો હતો.શરૂઆતમાં સાંતેજ વિસ્તારમાં અલગ-અલગ સ્થળે રહીને મજૂરી કામ કર્યું હતું. 

સાંતેજથી વેજલપુર વિસ્તારમાં આવીને તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં પાંચથી છ મકાનો બદલ્યાં હતાં. આ દરમિયાન તેણે પોતાની ઓળખ છુપાવી રાખી હતી. હાલમાં તે વેજલપુરના સાગર સમ્રાટ ફ્લેટમાં પરિવાર સાથે રહેતો હતો અને જમીન દલાલીનું કામ કરતો હતો.