મધરાત્રે લેડીઝ ડબ્બામાં સુરક્ષા કર્મચારી ન દેખાતાં મહિલાએ વીડિયો વાયરલ કર્યો, મોટરમેને કરી મદદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેની લોકલ ટ્રેનમાં મધરાત પછી એકલી મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. મધ્ય રેલવેમાં કલ્યાણ સુધી એકલી મુસાફરી કરી રહેલી મહિલા મુસાફરે શેર કરેલા વીડિયોમાં મધરાત્રે લોકલ ટ્રેનના ખાલીખમ લેડીઝ કોચમાં મુસાફરી દરમિયાન તેને કોઈ પોલીસકર્મી કે સુરક્ષા કર્મચારી નજરે પડ્યો નહોતો. આ અંગે તેણે ચિંતા વ્યક્ત કરી હતી અને સવાલ કર્યો હતો કે જો અચાનક કોઈ અજાણી વ્યક્તિ લેડીઝ કોચમાં ચઢી જાય તો તે શું કરશે?
મહિલાએ આ સમગ્ર અનુભવનો વીડિયો અને વિગતો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પોસ્ટમાં મહિલાએ મુંબઈની ઉપનગરી રેલવેમાં રાત્રિના સમયે મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, મહિલા લગભગ રાત્રે 11.30 વાગ્યાથી 12.30 વાગ્યાની વચ્ચે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. શરૂઆતમાં તેને ડોંબિવલીમાં ઉતરવાનું હતું, પરંતુ ટ્રેન કલ્યાણ તરફ જઈ રહી હોવાથી તેની સાથે મુસાફરી કરી રહેલી અન્ય એક મહિલાને ઠાકુર્લી સ્ટેશન સુધી સાથ આપવાનો નિર્ણય કર્યો હતો.
શેર કરેલા વીડિયોમાં મહિલા એક સ્ટેશન પર હોમગાર્ડના કર્મચારી સાથે વાત કરતી જોવા મળે છે. તે લેડીઝ કોચ તરફ ઈશારો કરીને કહે છે કે કોચ લગભગ ખાલી છે અને તેમાં કોઈ સુરક્ષા કર્મચારી દેખાઈ રહ્યો નથી. મહિલાએ જણાવ્યા અનુસાર, આ પહેલી વખત નથી પરંતુ આવી સ્થિતિનો તેને પાંચમી કે છઠ્ઠી વખત સામનો કરવો પડ્યો હતો. વીડિયોમાં તે કહેતી સંભળાય છે કે , "આ પાંચમી કે છઠ્ઠી વખત થઈ રહ્યું છે. આ લેડીઝ કોચમાં એક પણ સુરક્ષા કર્મચારી નથી. જો કોઈ અચાનક અહીં ચઢી જાય તો હું શું કરીશ?"
મહિલાએ કહ્યું હતું કે જ્યારે તેણે સુરક્ષા માટે પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને કથિત રીતે લેડીઝ કોચની જગ્યાએ જેન્ટ્સ કોચમાં જવાની સલાહ આપવામાં આવી હતી. આ સલાહથી પણ તેણે નારાજગી વ્યક્ત કરી હતી અને મહિલાઓ માટે અલગ રાખવામાં આવેલા કોચમાં જ સુરક્ષાની વ્યવસ્થા હોવી જોઈએ તેવી ચિંતા વ્યક્ત કરી હતી.
આ દરમિયાન લોકલના મોટરમેને મહિલાની વાત ધ્યાનમાં લીધી હતી અને તેણે મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોટરમેને સુરક્ષા સહાયની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી. જેના કારણે મહિલાને આગળની મુસાફરી દરમિયાન સુરક્ષાનો સહારો મળ્યો હતો. મહિલાએ વીડિયોમાં એ પણ દર્શાવ્યું હતું કે લેડીઝ કોચમાં મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી હતી, જ્યારે જેન્ટ્સ કોચમાં મુસાફરો હાજર હતા. આવી સ્થિતિમાં રાત્રિના સમયે એકલી મુસાફરી કરતી મહિલાઓ માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત હોવી જોઈએ તેવી ચિંતા તેણે વ્યક્ત કરી છે
2023માં બળાત્કારની ઘટના નોંધાઈ હતી
15 જૂન 2023ના રોજ મુંબઈની લોકલ ટ્રેનમાં 20 વર્ષની કોલેજિયન યુવતી સાથે બળાત્કારની ઘટના બની હતી. સવારે લગભગ 7.30 વાગ્યે સીએસએમટી અને મસ્જિદ રેલવે સ્ટેશન વચ્ચે બનેલી આ ઘટનામાં યુવતી પરીક્ષા આપવા નવી મુંબઈ જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ચાલતી ટ્રેનમાં 40 વર્ષીય આરોપી નવાજુ કરીમ શેખે યુવતી સાથે કથિત રીતે જાતીય હુમલો કર્યો હતો. જોકે, યુવતીએ હિંમતપૂર્વક તેનો પ્રતિકાર કર્યો અને આરોપીને ભાગી જવા માટે મજબૂર કર્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર કલાકની અંદર આરોપીની ધરપકડ કરી હતી.
આ ઘટના બાદ રેલવે તંત્રે મહિલા મુસાફરોની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી હતી. રેલવેના નવા આદેશ મુજબ વહેલી સવાર અને મોડી રાત્રે લોકલ ટ્રેનોના લેડીઝ કોચમાં ઓછામાં ઓછો એક સુરક્ષા કર્મચારી ફરજ પર હાજર રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું, જ્યારે મહિલા કોચમાં મુસાફરોની સંખ્યા ઓછી હોય ત્યારે સુરક્ષા કર્મચારીની હાજરીને મહત્વ આપવામાં આવ્યું હતું. આ વ્યવસ્થાનો હેતુ એકલી મુસાફરી કરતી મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાનો અને જરૂર પડે ત્યારે તેમને તાત્કાલિક મદદ ઉપલબ્ધ કરાવવાનો હતો.
પણ આ વીડિયો સામે આવતા હવે મધ્ય રેલવેમાં પ્રવાસ કરતી મહિલા પ્રવાસીઓની સુરક્ષા શું રામભરોસે છે એવા સવાલો નિર્માણ થયા છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન લાખો લોકોના દૈનિક જીવનનો મહત્વનો ભાગ છે. ખાસ કરીને રાત્રિના સમયે મહિલાઓની સુરક્ષા માટે લેડીઝ કોચમાં પૂરતી સુરક્ષા ઉપલબ્ધ હોવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી આ ઘટનાએ રાત્રિના સમયે લોકલ ટ્રેનોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર ચર્ચા ગરમાઈ છે. અહીં એ જણાવવાનું કે મુંબઈ રેલવેમાં સરેરાશ રોજના 70 લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરે છે, જેમાં 35થી 40 ટકા મહિલા મુસાફરનો સમાવેશ થાય છે.