Mon Sep 07 2026

Logo

ખાંડના ભાવમાં ઘટાડાની શક્યતા, સરકારે વેપારીઓની સ્ટોક મર્યાદા અડધી કરી

2026-09-01 18:30:00
Author: Chandrakant Kanoja
ખાંડના ભાવમાં ઘટાડાની શક્યતા, સરકારે વેપારીઓની સ્ટોક મર્યાદા અડધી કરી

નવી દિલ્હી: દેશમાં ખાંડના છૂટક ભાવમાં 37 ટકાના વધારા બાદ સરકારે જથ્થાબંધ વિક્રેતાઓ અને ડીલરની સ્ટોક મર્યાદા અડધી કરી છે. જેના લીધે સામાન્ય લોકોને ભાવ ઘટાડાથી રાહત થવાની શકયતા છે. 

સંગ્રહખોરી અટકાવવાનો હેતુ 

કેન્દ્ર સરકારે  તહેવારો દરમિયાન ખાંડના આસમાને પહોંચતા ભાવોને કાબુમાં લેવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે ખાંડના વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે મહત્તમ સ્ટોક મર્યાદા અડધી કરી દીધી છે. આ નિર્ણયનો હેતુ બજારમાં સંગ્રહખોરી અટકાવવા અને કિંમતોને નિયંત્રિત કરવાનો છે.

છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 63.28 

દેશભરમાં ખાંડના છૂટક ભાવ સતત ઊંચા રહે છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર, 31 ઓગસ્ટના રોજ ખાંડનો સરેરાશ છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ ₹63.28 નોંધાયો હતો.જે ગત વર્ષના સમાન સમયગાળા રૂપિયા  46.02 પ્રતિ કિલોગ્રામ હતો ની તુલનામાં 37 ટકાનો વધારો છે.

સ્ટોક મર્યાદા 4,000 ક્વિન્ટલથી ઘટાડીને 2,000 ક્વિન્ટલ 

જ્યારે જથ્થાબંધ ભાવમાં વાર્ષિક ધોરણે 36.28 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે  રૂપિયા 58.40 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો છે. આ ઝડપી ફુગાવાને કાબુમાં લેવા માટે સરકારે ડીલરો માટે સ્ટોક મર્યાદા 4,000 ક્વિન્ટલથી ઘટાડીને 2,000 ક્વિન્ટલ કરી છે.

સ્ટોક મર્યાદામાં ઘટાડો 15 સપ્ટેમ્બરથી અમલમાં

ખાદ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, સ્ટોક મર્યાદામાં આ ઘટાડો 15 સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને 30 નવેમ્બર, 2026 સુધી માન્ય રહેશે. નવા નિયમો હેઠળ, દેશભરમાં કોઈપણ ડીલરને કોઈપણ સમયે 2,000 ક્વિન્ટલથી વધુ ખાંડનો સ્ટોક રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 

ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો

આ ઉપરાંત વધ ડીલરો માટે ખાંડ પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસથી વધુ સમય સુધી કોઈપણ સ્ટોક ન રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને સટ્ટાકીય વેપારને રોકવાનો છે.