Mon Sep 07 2026

Logo

કોર્ટે ડ્રગ્સની તસ્કરી બદલ બે આરોપીને 10 વર્ષની કેદ ફટકારી

2026-09-01 18:26:51
Author: Yogesh D. Patel
કોર્ટે ડ્રગ્સની તસ્કરી બદલ બે આરોપીને 10 વર્ષની કેદ ફટકારી

મુંબઈ: સેશન્સ કોર્ટે માર્ચ, 2024માં ડ્રગ્સની તસ્કરી બદલ પકડાયેલા બે આરોપીને સોમવારે 10 વર્ષની સખત કેદ ફટકારી હતી.સેશન્સ કોર્ટે આરોપી આકાશ અનિલ સિંહ (26) અને ભવન હયાતસિંહ અધિકારી (40)ને દોષી ઠેરવ્યા હતા અને સજા ઉપરાંત પ્રત્યેકને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ એક વર્ષ સાદી કેદ ભોગવવાનો આદેશ આપ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-10ના અધિકારીઓએ 28 માર્ચ, 2024ના રોજ મળેલી માહિતીના આધારે ઓશિવરા વિસ્તારમાં રેઇડ પાડી હતી અને આકાશ સિંહ તથા ભવન અધિકારીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 43 લાખ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ મળી આવ્યું હતું. 

ડ્રગ્સની તસ્કરી બદલ બંને આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ અધિકારીએ યોગ્ય તપાસ કરીને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા હતા અને બાદમાં બંને આરોપી વિરુદ્ધ કોર્ટમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. સેશન્સ કોર્ટમા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સોમવારે બંને આરોપીને સજા ફટકારવામાં આવી હતી.